ભારતીય ટીમે 29 જૂને T20 વર્લ્ડ કપ 2024નું ટાઇટલ જીત્યું હતું. રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ભારતીય ટીમે ફાઇનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ટાઈટલ જીત્યું હતું. આ જીત બાદ BCCIએ ટીમ માટે 125 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરી હતી.
આ ઈનામી રકમ આખી ટીમને આપવામાં આવી છે, જેમાં ટીમના ખેલાડીઓ, સ્પોર્ટ્સ સ્ટાફ અને રિઝર્વ ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે. ત્યારે આ લેખમાં જાણીએ કે 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ ભારતીય ખેલાડીઓમાં કેવી રીતે વહેંચવામાં આવશે અને તેમાંથી કેટલી રકમ ટેક્સ તરીકે કાપવામાં આવશે.
BCCI ઉપરાંત ICCએ પણ ભારતીય ટીમને લગભગ 20 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપી છે. હવે આ રકમ ટીમના ખેલાડીઓ ઉપરાંત સ્ટાફમાં વહેંચવામાં આવી છે. પરંતુ, ઘણા લોકોના મનમાં પ્રશ્ન ઊભો થઈ રહ્યો હશે કે શું આ ઈનામની રકમ પર ટેક્સ લાગશે ?
આ રકમ પર ટેક્સની વાત કરીએ તો, એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે ખેલાડીઓને બે રીતે પૈસા આપવામાં આવે છે. જો ખેલાડીઓને તેમની ફીની સાથે પ્રોફેશનલ ફી તરીકે પૈસા આપવામાં આવે છે, તો તે રકમ પર 0 ટકા TDS કાપવામાં આવે છે. કલમ 194 JB હેઠળ આ રકમ પર TDS કાપવામાં આવે છે. ત્યાર બાદ આ પૈસા ખેલાડીઓની આવકમાં દેખાશે અને ITRમાં આવકવેરા અનુસાર નિર્ણય લેવામાં આવશે.
આ ઉપરાંત જો આ રકમ ખેલાડીઓને ઈનામી રકમ તરીકે આપવામાં આવે છે, તો તેના પર તે મુજબ ટેક્સ લાગશે. ઈનામની રકમ પર 30 ટકા સુધીનો ટેક્સ કાપવામાં આવે છે અને બાકીની રકમ ખેલાડીઓને આપવામાં આવે છે. હાલ આ રકમને ઈનામી રકમ તરીકે ગણવામાં આવી રહી છે, આવી સ્થિતિમાં ખેલાડીઓને 30 ટકા સુધી ટેક્સ ચૂકવવો પડી શકે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ ખેલાડીના ભાગમાં 1 કરોડ રૂપિયા આવે છે, તો લગભગ 30 લાખ રૂપિયા TDS તરીકે કાપવામાં આવશે અને ખેલાડીને માત્ર 70 લાખ રૂપિયા જ મળશે.
એવોર્ડની વાત કરીએ તો, જો તે ભારત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવે છે. તો સરકાર આવા એવોર્ડ્સ પર કોઈ ટેક્સ વસૂલતી નથી, કારણ કે તે કરમુક્ત છે. આવકવેરા કાયદાની કલમ 10 (17A) હેઠળ આ પુરસ્કારો પર કર મુક્તિ આપવામાં આવે છે. જેમાં કોઈપણ રાષ્ટ્રીય પુરસ્કાર, અર્જુન એવોર્ડ અથવા એવા પુરસ્કારોનો સમાવેશ થાય છે જે ભારત સરકાર દ્વારા ઓલિમ્પિક વિજેતાઓ, એશિયન ગેમ્સના વિજેતાઓ અને કોમનવેલ્થ ગેમ્સના વિજેતાઓને આપવામાં આવે છે. આ તમામ ટેક્સ ફ્રી છે. આ સાથે જો નોબેલ પુરસ્કાર પુરસ્કાર મળે છે, તો તે પણ આવકવેરાની કલમ 10 (17A) હેઠળ કરમુક્ત છે.
હવે વાત કરીએ BCCI દ્વારા જાહેર કરાયેલી 125 કરોડ રૂપિયાની ઈનામી રકમમાંથી કયા ખેલાડીને કેટલા રૂપિયા આપવામાં આવ્યા છે.
એક રિપોર્ટ અનુસાર, BCCI દ્વારા જાહેર કરાયેલી 125 કરોડ રૂપિયાની ઈનામી રકમમાંથી 15 સભ્યોની ભારતીય ટીમના ખેલાડીઓ અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડને સૌથી વધુ રકમ આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ 15 સભ્યોમાં ત્રણ ખેલાડીઓ તો એવા છે કે જેમનો એક પણ મેચમાં પ્લેઇંગ-11માં સમાવેશ કરવામાં આવ્યો નહોતો. રિપોર્ટ અનુસાર, કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ સહિત ટીમના 15 ખેલાડીઓને 5-5 કરોડ રૂપિયા મળ્યા છે. જેમાં સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ અને યુઝવેન્દ્ર ચહલનો પણ સમાવેશ થાય છે, જેમને એક પણ મેચમાં રમવાની તક મળી નહોતી.
મુખ્ય કોચ રાહુલ દ્રવિડને 5 કરોડ રૂપિયા ઉપરાંત તેમના અન્ય સહયોગી કોચિંગ સ્ટાફને 2.5 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. ફિલ્ડિંગ કોચ ટી. દિલીપ, બેટિંગ કોચ વિક્રમ રાઠોડ, અને બોલિંગ કોચ પારસ મ્હામ્બરેને 2.5 કરોડ રૂપિયા મળ્યા છે. તો અન્ય બેકરૂમ સ્ટાફ જેમ કે ફિઝિયોથેરાપિસ્ટ, સ્ટ્રેન્થ એન્ડ કન્ડીશનીંગ કોચ અને થ્રોડાઉન નિષ્ણાતને 2 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.
ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફ ઉપરાંત, અજીત અગરકરની આગેવાની હેઠળની વરિષ્ઠ પસંદગી સમિતિ અને ચાર રિઝર્વ ખેલાડીઓને પણ મોટી ઈનામી રકમ મળી છે. રિપોર્ટ અનુસાર, રિંકુ સિંહ, શુભમન ગિલ, આવેશ ખાન અને ખલીલ અહેમદ સિવાય પસંદગી સમિતિના પાંચ સભ્યોને આ ઈનામી રકમમાંથી 1-1 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આ સિવાય ઈનામની રકમ વીડિયો એનાલિસ્ટ અને BCCI સ્ટાફ મેમ્બર્સ વચ્ચે પણ વહેંચવામાં આવી છે.
ભારતીય ટીમમાં સામેલ ત્રણ ખેલાડીઓ યુઝવેન્દ્ર ચહલ, સંજુ સેમસન અને યશસ્વી જયસ્વાલને T20 વર્લ્ડ કપમાં એક પણ મેચ રમવાની તક મળી નથી. બીજા શબ્દોમાં કહીએ તો ચહલ, સંજુ અને યશસ્વીને એક પણ મેચ રમ્યા વિના 5-5 કરોડ રૂપિયા મળ્યા છે. તો ટીમના 4 રિઝર્વ ખેલાડીઓને પણ 1-1 કરોડ રૂપિયા મળ્યા છે. એટલે કે T20 વર્લ્ડ કપમાં ટીમની સાથે રહેલા 7 ખેલાડીઓ એક પણ મેચ રમ્યા વિના કરોડપતિ બન્યા છે.
ધોનીની કપ્તાનીમાં ભારતે 2007માં દક્ષિણ આફ્રિકામાં પ્રથમ T20 વર્લ્ડ કપ જીત્યો હતો. તેમની કપ્તાની હેઠળ ભારત ODI વર્લ્ડ કપ વિજેતા બન્યું હતું. તે સમયે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમ ઈન્ડિયાના દરેક ખેલાડીને 2-2 કરોડ રૂપિયા આપ્યા હતા.
ભારતે 2 એપ્રિલે વાનખેડે સ્ટેડિયમમાં ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ICC વર્લ્ડ કપ જીત્યો હતો. જીત બાદ તરત જ BCCI પ્રમુખ શશાંક મનોહરે 15 સભ્યોની વર્લ્ડ કપ ટીમના દરેક સભ્ય માટે 1 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. તેમણે એ પણ જાહેરાત કરી કે સપોર્ટ સ્ટાફને 50-50 લાખ રૂપિયા આપવામાં આવશે. બાદમાં તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને દરેક ખેલાડીને 1 કરોડ રૂપિયાથી વધારીને 2 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.
ભારતની આ બીજી T20 વર્લ્ડ કપ જીત હતી. આ પહેલા ભારતે એમએસ ધોનીના નેતૃત્વમાં 2007માં દક્ષિણ આફ્રિકામાં આ ખિતાબ જીત્યો હતો, જે ટીમમાં રોહિત શર્મા પણ સામેલ હતો. આ વખતે રોહિત શર્મા કેપ્ટન હતા અને તેમની કપ્તાનીમાં ભારતીય ટીમે ચાર ICC ટ્રોફી રમી હતી. આ સમયગાળા દરમિયાન 2022 T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી, જ્યારે 2023માં ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ODI વર્લ્ડ કપની ફાઇનલ રમી હતી, પરંતુ ટાઇટલથી દૂર રહી હતી. હવે આ વખતે રોહિત સેનાએ તે કામ પણ પૂરું કર્યું છે.
આ પણ વાંચો ઇલેક્ટ્રિક કારના હાલ પણ પેજર જેવા થશે ? જો હાઇબ્રિડ કારનો જાદુ ચાલ્યો તો EV માર્કેટ ખતરામાં !