
ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ચાલી રહેલા તણાવની અસર રમતગમત ક્ષેત્ર પર વધુને વધુ જોવા મળી રહી છે. ક્રિકેટ મેદાન પર, પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ના મેળવવાથી લઈને એશિયા ક્રિકેટ કપની ટ્રોફી ન આપવા સુધીના વિવાદીત ઘટનાઓની અસર હવે હોકીમાં પણ દેખાઈ રહી છે.
પાકિસ્તાન આ વર્ષે ભારતમાં યોજાનારા FIH જુનિયર હોકી વર્લ્ડ કપ 2025માંથી ખસી ગયું છે. પાકિસ્તાની ટીમ હવે નવેમ્બર-ડિસેમ્બર 2025માં યોજાનારી ટુર્નામેન્ટ માટે ભારતનો પ્રવાસ નહીં કરે. આ ટુર્નામેન્ટ 28 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધી ચાલશે અને આખો વર્લ્ડ કપ ચેન્નાઈ અને મદુરાઈ, તમિલનાડુમાં યોજાશે.
સમાચાર એજન્સી પીટીઆઈનાઅહેવાલ અનુસાર, આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશન દ્વારા શુક્રવાર, 24 ઓક્ટોબરના રોજ એક નિવેદન બહાર પાડીને જાણ કરવામાં આવી છે કે, પાકિસ્તાને ટુર્નામેન્ટમાંથી ખસી જવાની જાહેરાત કરી છે. FIH ની પ્રેસ રિલીઝ અનુસાર, પાકિસ્તાન હોકી ફેડરેશન દ્વારા તેમને જાણ કરવામાં આવી હતી કે, તેઓ ટુર્નામેન્ટમાં ભાગ નહીં લે અને ક્વોલિફાય થવા છતાં ટુર્નામેન્ટમાંથી ખસી રહ્યા છે.
24 ટીમોના જુનિયર વર્લ્ડ કપમાં પાકિસ્તાનને ભારત સાથે ગ્રુપ B માં રાખવામાં આવ્યું હતું, જ્યાં ચિલી અને સ્વિટ્ઝર્લૅન્ડ પણ ગ્રુપમાં હતા. જોકે, પાકિસ્તાનના ખસી જવાથી હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. FIH એ જણાવ્યું છે કે, ટૂંક સમયમાં રિપ્લેસમેન્ટ ટીમની જાહેરાત કરવામાં આવશે.
આ પહેલી વાર નથી જ્યારે પાકિસ્તાને હોકી ટુર્નામેન્ટમાંથી ખસી ગયું હોય. મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંદૂર લશ્કરી સંઘર્ષ બાદ, ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં મેન્સ હોકી એશિયા કપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ પણ ભારતમાં યોજાઈ હતી, પરંતુ બંને દેશો વચ્ચેના તણાવને કારણે પાકિસ્તાને ટુર્નામેન્ટમાંથી ખસી ગયું હતું. જોકે, પાકિસ્તાને અગાઉ કહ્યું હતું કે, તે જુનિયર વર્લ્ડ કપમાં એક ટીમ મોકલશે. પરંતુ હવે પાકિસ્તાન ફેડરેશને આ ટુર્નામેન્ટમાંથી પણ પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.
ક્રિકેટ સિવાયની અન્ય રમતોને લગતા સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.