ભૂતપૂર્વ જુનિયર વિશ્વ ચેમ્પિયન નિકહત ઝરીન (Nikhat Zareen) (52kg) અને નીતુ (48kg) એ અંતિમ ચારમાં પ્રભાવશાળી જીત સાથે શુક્રવારે બલ્ગેરિયાના સોફિયામાં રમાઇ રહેલી 73 મી સ્ટ્રેન્ડજા મેમોરિયલ બોક્સિંગ ટુર્નામેન્ટ (Strandja Memorial Boxing Tournament) ની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. નીતુએ યુક્રેન ની હેન્ના ઓક્હોટાને હરાવી હતી જ્યારે ઝરીને તુર્કીની બુસે નાઝ કાકિયોગ્લુ સામે 4-1 થી જીત નોંધાવી હતી. 25 વર્ષીય ઝરીને ટુર્નામેન્ટની 2019 ની એડિશનમાં પણ મેડલ જીત્યો હતો. નિક્હતે ક્વાર્ટર ફાઇનલમાં ઇંગ્લેન્ડના ચાર્લી ડેવિસનને 5-0 થી હરાવી હતી, જ્યારે નીતુએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું, તેણે ઇટાલીની રોબર્ટા બોનાટીને સમાન માર્જિનથી હરાવી હતી.
જો કે, યુવા વિશ્વ ચેમ્પિયન અરુંધતી ચૌધરી (70kg) અને પરવીન (63kg) ક્વાર્ટર ફાઇનલમાં હાર્યા બાદ બહાર થઈ ગઈ હતી. ડિફેન્ડિંગ નેશનલ ચેમ્પિયન ચૌધરી તુર્કીની ઓલિમ્પિક ચેમ્પિયન બુસેનાઝ સુરમેનેલી સામે 1-4 થી હારી ગઈ હતી, જ્યારે પરવીન રશિયાની નતાલિયા સિચુગોવા સામે 2-3થી હારી ગઈ હતી. વિશ્વ ચેમ્પિયન સુરમેનેલીએ ગયા વર્ષે ટોક્યો ઓલિમ્પિકની સેમી ફાઇનલમાં ભારતની લોવલિના બોર્ગોહેનને હરાવી હતી.
નિક્હાત અને નીતુ સેમિફાઇનલમાં પહોંચતા, ભારતે હવે યુરોપની સૌથી જૂની બોક્સિંગ ટુર્નામેન્ટમાં ત્રણ મેડલ નિશ્ચિત કર્યા હતા. નંદિની (81 કિગ્રાથી ઉપર) એ મંગળવારે ક્વાર્ટર ફાઇનલમાં કઝાકિસ્તાનની વેલેરિયા અક્સેનોવાને હરાવીને દેશ માટેનો પહેલો મેડલ જીત્યો હતો. સુમિત કુંડુ (75 કિગ્રા) અને અનામિકા (50 કિગ્રા) તેમની શરૂઆતની મેચ હારી ગયા હતા. સુમિત પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ડિફેન્ડિંગ વર્લ્ડ અને યુરોપિયન ચેમ્પિયન યુક્રેનના એલેક્ઝાંડર ખેઝનિયાક સામે 0-5 થી હારી ગયા હતા. અનામિકા બુધવારે અલ્જેરિયાની રુમેસા બુલેમ સામે 1-4 થી હાર્યા બાદ અંતિમ આઠ ની મેચમાંથી બહાર થઈ ગઈ હતી.
કઝાકિસ્તાનની ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન અને વર્તમાન એશિયન ગોલ્ડ મેડલ વિજેતા દિના ઝોલામન સામે શિક્ષા હારી ગઈ હતી. આકાશને જર્મનીના ડેનિયલ ક્રોટરે હરાવ્યો હતો. બંનેને 0-5 ના સમાન માર્જિનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ટૂર્નામેન્ટમાં કઝાકિસ્તાન, ઈટાલી, રશિયા અને ફ્રાન્સ જેવા દેશો સહિત 36 દેશોના 450 થી વધુ બોક્સર ભાગ લઈ રહ્યા છે. ટૂર્નામેન્ટમાં ભારતના સાત પુરુષ અને 10 મહિલા બોક્સરો ભાગ લઈ રહ્યા છે.
Published On - 9:29 pm, Fri, 25 February 22