ઓપરેશન સિંદૂર બાદ નીરજ ચોપરાને મળ્યું મોટું સન્માન, ભારતીય સેનામાં મળ્યો આ ખાસ રેન્ક

ટોક્યો ઓલિમ્પિક્સના જેવલિન થ્રો ચેમ્પિયન અને પેરિસ ઓલિમ્પિક્સના સિલ્વર મેડલ વિજેતા નીરજ ચોપરા પહેલાથી જ ભારતીય સેનામાં સુબેદાર મેજરના રેન્કના અધિકારી છે. હવે તેને ભારતીય સેનામાં ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલનો માનદ પદ એનાયત કરવામાં આવ્યો છે.

ઓપરેશન સિંદૂર બાદ નીરજ ચોપરાને મળ્યું મોટું સન્માન, ભારતીય સેનામાં મળ્યો આ ખાસ રેન્ક
Neeraj Chopra
Image Credit source: PTI
| Updated on: May 14, 2025 | 7:45 PM

ભારતના સૌથી સફળ એથલીટ અને ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાને એક મોટું સન્માન મળ્યું છે. બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરાને ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલનો માનદ પદ એનાયત કરવામાં આવ્યો છે. સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નીરજ ચોપરાને આ પદથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે. નીરજ પહેલાથી જ ભારતીય સેનામાં સુબેદાર મેજર તરીકે તૈનાત છે.

નીરજ ચોપરાને લેફ્ટનન્ટ કર્નલનો માનદ પદ મળ્યું

સંરક્ષણ મંત્રાલય દ્વારા બુધવાર, 14 મેના રોજ એક નોટિફિકેશન દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિએ 9 મેના રોજ આ જાહેરાત કરી હતી. સંરક્ષણ મંત્રાલયના આ નોટિફિકેશન અનુસાર, રાષ્ટ્રપતિએ પ્રાદેશિક સૈન્ય નિયમો હેઠળ પોતાની સત્તાઓનો ઉપયોગ કરીને, નીરજ ચોપરાને માનદ લેફ્ટનન્ટ કર્નલનો હોદ્દો આપ્યો છે. નીરજની આ રેન્ક 16 એપ્રિલ 2025 થી અમલમાં આવશે.

 

નીરજે દેશ અને સેનાનું નામ રોશન કર્યું

ભારતીય સેનાના રાજપૂતાના રાઈફલ્સમાં પહેલા સુબેદાર અને પછી સુબેદાર મેજર રહેલા નીરજે સમગ્ર વિશ્વમાં પોતાના શાનદાર પ્રદર્શનથી દેશ અને સેનાનું નામ રોશન કર્યું છે. નીરજ 2016માં સેનામાં હતો ત્યારે જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી હતી. તે જ વર્ષે, તે સેનાનો ભાગ બન્યો અને પછી તેને સુબેદારનો હોદ્દો આપવામાં આવ્યો. પછી ટોક્યો ઓલિમ્પિકમાં જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતીને, તે એથ્લેટિક્સમાં ઓલિમ્પિક ચેમ્પિયન બનનાર પ્રથમ ભારતીય બન્યો હતો. આ પછી જ તેને બઢતી મળી અને તે સુબેદાર મેજર બન્યો. આ દરમિયાન, તેણે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો અને પછી ડાયમંડ લીગનો ખિતાબ પણ જીત્યો. ગયા વર્ષે જ નીરજે પેરિસ ઓલિમ્પિકમાં પણ સિલ્વર મેડલ જીત્યો હતો.

કપિલ દેવ-ધોનીને મળ્યું છે વિશેષ સન્માન

આ પહેલીવાર નથી જ્યારે રાષ્ટ્રપતિએ કોઈ રમતવીરને ટેરિટોરિયલ આર્મીમાં આ પદથી સન્માનિત કર્યા હોય. ઘણા વર્ષો પહેલા, ભારતને પ્રથમ ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવને લેફ્ટનન્ટ કર્નલ બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ 2011માં એમએસ ધોની અને અભિનવ બિન્દ્રાને પણ આ સન્માન મળ્યું હતું. ધોનીની કેપ્ટનશીપ હેઠળ ભારતે વર્લ્ડ કપ જીત્યો, જ્યારે બિન્દ્રા ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો હતો.

આ પણ વાંચો: IPL 2025માં ‘દુશ્મન’ દેશના ખેલાડીની એન્ટ્રી, 6 કરોડ રૂપિયા પગાર મળશે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 7:39 pm, Wed, 14 May 25