German Open Badminton: પીવી સિંધુ અને કિદાંબી શ્રીકાંતનું દમદાર પ્રદર્શન, ટુર્નામેન્ટમાં બીજા રાઉન્ડમાં પહોંચ્યા

બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ $180,000ની જર્મન ઓપન સુપર 300 બેડમિન્ટન ટુર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો. તેના સિવાય વર્લ્ડ ચેમ્પિયનશિપ સિલ્વર મેડલ વિજેતા કિદાંબી શ્રીકાંત પણ બીજા રાઉન્ડમાં પહોંચ્યો છે.

German Open Badminton: પીવી સિંધુ અને કિદાંબી શ્રીકાંતનું દમદાર પ્રદર્શન, ટુર્નામેન્ટમાં બીજા રાઉન્ડમાં પહોંચ્યા
PV Sindhu and Kidambi Srikant
| Edited By: | Updated on: Mar 08, 2022 | 10:19 PM

બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ (PV Sindhu) અને વર્લ્ડ ચેમ્પિયનશિપના સિલ્વર મેડલ વિજેતા કિદાંબી શ્રીકાંતે (Kidambi Srikant) મંગળવારે પોત પોતાની મેચ જીતીને જર્મન ઓપન (German Open Badminton) સુપર 300 બેડમિન્ટન ટુર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો. સાતમી ક્રમાંકિત સિંધુએ $180,000 ઈનામી રકમની ટૂર્નામેન્ટમાં એક તરફી મેચમાં થાઈલેન્ડની બુસાનન ઓંગબામરુંગફાનને 21-8, 21-7 થી હાર આપી હતી. તે જ સમયે, 8મો ક્રમાંકિત શ્રીકાંતે વિશ્વમાં 39માં ક્રમાંકિત ફ્રાન્સના બ્રાઇસ લેવરડેઝને 48 મિનિટમાં 21-10, 13-21, 21-7 થી હરાવ્યો હતો.

પીવી સિંધુની થાઈલેન્ડની વર્લ્ડ નંબર 11 સામે આ 15મી જીત હતી. જ્યારે શ્રીકાંતે લીવરડેઝ સામે 4-0થી પોતાનો રેકોર્ડ બનાવ્યો હતો. પીવી સિંધુની હવે પછીની મેચ સ્પેનની બીટ્રિઝ કોરાલેસ અથવા ચીનની ચિયાંગ યી માન વચ્ચેની મેચમાં વિજેતા ખેલાડી સાથે થશે. જ્યારે શ્રીકાંતનો સામનો ચીનના લુ ગુઆંગ ઝુ સાથે થશે. તેની સામે શ્રીકાંતનો રેકોર્ડ 2-0નો છે.

કિદાંબી શ્રીકાંત કોરોનાના કારણે જાન્યુઆરીમાં ઈન્ડિયા ઓપન સુપર 500 ટૂર્નામેન્ટમાં રમી શક્યો ન હતો. સાઈ પ્રતિક કે અને એન સિક્કી રેડ્ડીની ભારતીય મિક્સ ડબલ્સ જોડી, જોકે, શરૂઆતના રાઉન્ડમાં જ ટોચના ક્રમાંકિત દેચાપોલ પુવારનુક્રોહ અને થાઈલેન્ડના સપ્સીરી ટેરાટ્ટનાચાઈ સામે 19-21, 8-21 થી હારી ગઇ હતી.

પીવી સિંધુએ મહિલા સિંગલ્સમાં બુસાનન સામે શરૂઆતથી જ પ્રભુત્વ જમાવ્યું હતું અને માત્ર 32 મિનિટમાં જીત નોંધાવી હતી. સિંધુએ પ્રથમ ગેમમાં 11-4 ની લીડ મેળવી લીધી હતી. જ્યારે બીજી ગેમમાં 7-5 થી આગળ રહ્યા બાદ તેણે પાછળ વળીને જોયું નથી. મેન્સ સિંગલ્સમાં, શ્રીકાંતે 19-8 ની લીડ મેળવવા માટે ટૂંક સમયમાં જ સારી શરૂઆત કરી હતી અને પ્રથમ ગેમ સરળતાથી જીતી લીધી. બીજી ગેમમાં ફ્રાન્સના ખેલાડીએ પુનરાગમન કર્યું હતું. પરંતુ નિર્ણાયક ગેમમાં શ્રીકાંતે ગતિ પાછી મેળવી હતી અને શાનદાર જીત મેળવી હતી.

આ પણ વાંચો : બીજો કપિલ દેવ બનવા માટે અશ્વિન મીડીયમ ફાસ્ટ બોલિંગ કરતો હતો, તેણે 28 વર્ષ પહેલાની કહી વાત

આ પણ વાંચો : PAK vs AUS : ડેવિડ વોર્નરે પાકિસ્તાની દર્શકોની ડિમાન્ડ પુરી કરી, મેદાનમાં કર્યો ડાન્સ, Video