ગુજરાતની બેડમિન્ટ સ્ટાર તસનીમ મીર (Tasnim Mir) વિશ્વની નંબર વન જૂનિયર ખેલાડી બની છે. તસનીમ ભારતીય બેડમીન્ટન સ્ટાર તરીકે ઉભરી આવી છે અને હવે તે વિશ્વ સ્તરે ડંકો વગાડી ચુકી છે. 16 વર્ષીય તસનીમ મીર મહેસાણા (Mahesana) ની વતની છે અને તેના પિતા ગુજરાત પોલીસ માં ASI તરીકે ફરજ બજાવે છે. તેણે હાલમાં જ બેડમીન્ટનમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ અને જે તેને ફળ્યુ છે.
દરેક પિતાની ઇચ્છા હોય છે કે, પોતાની દિકરીના માથા પર તાજ શોભે. મહેસાણાની તસનીમને માત્ર 16 વર્ષની વયે જ વિશ્વમાં નંબર વન બનવાનો તાજ પોતાના શિરે મળ્યો છે. જોકે આ તાજ માટે તેના પિતાએ રાત દિવસ એક કર્યા છે. તેના પિતા પોલીસમાં હોવા ઉપરાંત બેડમિન્ટન કોચ છે. જેઓની પાસેથી તેણે બાળપણથી જ બેડમિન્ટના પાઠ શિખ્યા હતા.
તેના પિતા અને કોચ ઇરફાન મીરે TV9 સાથેની વાતચિતમાં જણાવ્યુ હતુ, 10 વર્ષની વયે જ તસનીમ જિલ્લા અને ગુજરાતમાં પોતાનુ વર્ચસ્વ જમાવવા લાગી હતી. ખેલમહાકુંભ થી લઇને સ્કૂલ ગેમ્સમાં સ્ટેટ લેવલે તે અવ્વલ પ્રદર્શન દર્શાવી રહી હતી. આમ કરતા તે નેશનલ સ્તરે પહોંચવામાં સફળ રહી હતી.
તસનીમ ના પિતા ઇરફાન મીરે અત્યાર સુધીમાં 100 કરતા વધુ લોકોને બેડમિન્ટનની રમતનુ કોચિંગ પુરુ પાડ્યુ છે. જેમાંથી તેઓએ 25 થી વધારે ખેલાડીઓને સ્ટેટ લેવલે પ્રતિનિધિત્વ કરાવવામાં સફળ રહ્યા છે. જ્યારે 7-8 ખેલાડીને તેઓના કોચિંગે નેશનલ લેવલે પહોંચાડ્યા છે. તેઓ હાલમાં મહેસાણા હેડ ક્વાર્ટર ખાતે ASI તરીકે ફરજ બજાવે છે.
યુવા બેડમિન્ટન ખેલાડી તસ્નીમ મીર બુધવારે તાજેતરની BWF જુનિયર રેન્કિંગમાં U-19 ગર્લ્સ સિંગલ્સ કેટેગરીમાં ટોચ પર રહેનારી પ્રથમ ભારતીય બની છે. ગુજરાતની 16 વર્ષીય તસ્નીમે ગયા વર્ષે તેના શાનદાર પ્રદર્શનનો લાભ લીધો હતો. જેમાં તેણીએ ત્રણ જુનિયર આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ જીતીને જુનિયર વર્લ્ડ રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચવા માટે ત્રણ સ્થાન મેળવ્યા હતા.
બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ અને લંડન ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા સાયના નેહવાલ સહિત કોઈપણ ભારતીય જુનિયર મહિલા ખેલાડી દ્વારા આ સિદ્ધિ હાંસલ કરવામાં આવી નથી. લક્ષ્ય સેન, સિરિલ વર્મા અને આદિત્ય જોશી પુરુષોની સિંગલ્સ કેટેગરીમાં નંબર વન ખેલાડી બન્યા હતા.
Published On - 5:15 pm, Fri, 14 January 22