
ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસ્સી ખૂબ જ ટૂંક સમયમાં ભારત આવી રહ્યો છે. ભારત આવતાની સાથે જ આ આર્જેન્ટિનાનો ખેલાડી ફૂટબોલને બદલે હાથમાં ક્રિકેટ બેટ લઈને જોવા મળશે. મીડિયા રિપોર્ટ મુજબ, લિયોનેલ મેસ્સી અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ વચ્ચે ક્રિકેટ મેચ રમાશે. ભારતના દિગ્ગજ ખેલાડીઓ સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ આ ઐતિહાસિક મેચનો ભાગ બનવાના છે.
લિયોનેલ મેસ્સી આ શિયાળામાં ભારત આવી રહ્યો છે. મેસ્સી 13 થી 15 ડિસેમ્બર દરમિયાન ભારતમાં રહેશે. આ સમય દરમિયાન, 14 ડિસેમ્બરે લિયોનેલ મેસ્સી અને એમએસ ધોનીની ટીમ વચ્ચે સેવન-એ-સાઇડ મેચ રમાઈ શકે છે, જે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાવાની ધારણા છે. ધોની ઉપરાંત, સચિન, વિરાટ અને રોહિત પણ આ મેચમાં સાથે રમતા જોઈ શકાય છે. મેસ્સી ભારત પ્રવાસ દરમિયાન મહારાષ્ટ્ર ઉપરાંત દિલ્હી અને કોલકાતાની મુલાકાત લઈ શકે છે. મેસ્સીની આ મુલાકાત એક પ્રમોશનલ ટૂર હોઈ શકે છે.
મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)એ જણાવ્યું હતું કે ‘લાયોનેલ મેસ્સી 14 ડિસેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં હશે. તે ભારતીય ટીમના ભૂતપૂર્વ અને વર્તમાન ખેલાડીઓ સાથે અહીં ક્રિકેટ મેચ પણ રમી શકે છે. આ મેચના આયોજનની સંપૂર્ણ વિગતો બધી બાબતો નક્કી થયા પછી આપી શકાય છે’.
આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી બીજી વખત ભારત આવી રહ્યા છે. આ ખેલાડી 2011માં પહેલી વાર ભારત આવ્યો હતો. તે સમયે મેસ્સીએ કોલકાતાના સોલ્ટ લેક ફૂટબોલ સ્ટેડિયમમાં વેનેઝુએલા સામે મેચ રમી હતી. હવે આ વખતે મેસ્સી પોતાના ભારત પ્રવાસમાં દિગ્ગજ ખેલાડીઓ સાથે ક્રિકેટ મેચ રમી શકે છે.