વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલના પહેલા દિવસે ભારતીય ટીમની ખરાબ રમત જોઈને ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ ટીમ ઈન્ડિયા પર આકરા પ્રહારો કર્યા હતા. તેણે ટીમ ઈન્ડિયાની વિચારસરણી પર સવાલ ઉઠાવ્યા છે. રવિ શાસ્ત્રીએ પ્રશ્ન કર્યો હતો કે, શું ઓવલની પીચ જોઈને ટીમ ઈન્ડિયા ડરી ગઈ હતી ? શાસ્ત્રીના મતે ટોસ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ જે નિર્ણય લીધો હતો તેના પાછળનું કારણ પ્રથમ દિવસનું વાતાવરણ, ઓવલની પીચ પર લીલું ઘાસ અને પહેલા સેશનમાં બેટિંગ માટે મુશ્કેલ લાગતી પરિસ્થિતિ હતી, જેના કારણે જ કેપ્ટન રોહિત શર્માએ પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો.
રવિ શાસ્ત્રીએ કહ્યું કે જો ટીમ ઈન્ડિયાનો અભિગમ સકારાત્મક હોત તો તેમણે પહેલા બેટિંગ પસંદ કરી હોત. ટીમ ઈન્ડિયાએ પહેલું સેશન કાળજીપૂર્વક રમવાનું હતું અને પછી મોટા સ્કોર તરફ પહોંચવાનો પ્રયાસ કરી શક્યા હોટ. પરંતુ ટીમ ઈન્ડિયાએ એવું કર્યું નહીં. ભારતીય ટીમે પ્રથમ બોલિંગ પસંદ કરી અને 4 ઝડપી બોલરો અને 1 સ્પિનર સાથે મેદાનમાં ઉતર્યું.
રવિ શાસ્ત્રીએ જે કહ્યું તેનાથી સ્પષ્ટ થાય છે કે પીચ પર ક્યાંક લીલું ઘાસ હોવાનો ડર ભારતીય કેપ્ટન રોહિત શર્માના મનમાં હતો. ઉપરથી આકાશમાં વાદળો હતા. બેટિંગ માટે સ્થિતિ વિપરીત હતી. આ જ કારણ હતું કે ભારતે પ્રથમ બોલિંગ કરવાનું પસંદ ન કર્યું. પરંતુ, આ જ પીચ પર ઓસ્ટ્રેલિયાએ હવે પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલી ઊભી કરી દીધી છે.
ટીમ ઈન્ડિયાના અભિગમ પર પ્રહાર કરનારાઓમાં પૂર્વ કોચ રવિ શાસ્ત્રી એકલા જ નથી. તેમના પહેલા પૂર્વ ક્રિકેટરો ઈરફાન પઠાણ, ફારુક એન્જિનિયર અને સંજય માંજરેકરે પણ ભારતીય ટીમ મેનેજમેન્ટના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. ઇરફાન પઠાણને ભારતીય ટીમના બોલરો પર IPL 2023નો પ્રભાવ જોવા મળ્યો હોવાનું જણાવ્યું હતું, જ્યારે સંજય માંજરેકરે રવિચંદ્રણ અશ્વિનને ન રમાડવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા.