
ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી અને નિર્ણાયક મેચમાં શાનદાર સદી ફટકારી હતી. આ તેની 54મી ODI સદી છે. આ ઇનિંગ એવા સમયે આવી હતી, જ્યારે ટીમ સૌથી મુશ્કેલ પરિસ્થિતિમાં હતી. આ તેની 85મી આંતરરાષ્ટ્રીય સદી પણ છે.
વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં પોતાની પહેલી સદી ફટકારી છે. તેણે 91 બોલમાં 100 રન પૂરા કર્યા છે. ન્યુઝીલેન્ડ સામે આ તેની સાતમી વનડે સદી છે, જે એક વિશ્વ રેકોર્ડ છે. આ સિદ્ધિ બીજા કોઈએ મેળવી નથી.
આ સાથે, તેણે રિકી પોન્ટિંગ અને વિરેન્દ્ર સેહવાગનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જેમણે આ ટીમ સામે 6-6 વનડે સદી ફટકારી છે. વિરાટ હવે આ બે દિગ્ગજોની બરાબરી કરી ચૂક્યો છે. માત્ર વનડેમાં જ નહીં પરંતુ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પણ ન્યૂઝીલેન્ડ સામે સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ તેના નામે થઈ ગયો છે.
તમામ ફોર્મેટમાં ન્યૂઝીલેન્ડ સામે તેની કુલ 10 સદી થઈ ગઈ છે, જે સચિન તેંડુલકર, જો રૂટ અને જેક કેલિસ (ત્રણેયની 9-9 સદી) કરતા પણ વધુ છે. આ સિવાય, તે સૌથી વધુ 35 અલગ-અલગ વેન્યુ (મેદાન) પર વનડે સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. આ મામલે તેણે સચિન તેંડુલકર (34 વેન્યુ) ને પાછળ છોડી દીધો છે.
આ મેચમાં એક સમયે કોહલીની સદી અશક્ય લાગતી હતી, કારણ કે ટીમ ઈન્ડિયાની વિકેટો સતત પડી રહી હતી. રોહિત શર્માના આઉટ થયા પછી કોહલી ક્રીઝ પર ઉતર્યો ત્યારે ટીમનો સ્કોર ફક્ત 28 રન હતો.
જો કે, તેની નજર સમક્ષ ટીમે ફક્ત 71 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી. હાર નિશ્ચિત લાગતી હતી પરંતુ કોહલીને થોડા સમય માટે નીતિશ કુમાર રેડ્ડીનો ટેકો મળ્યો અને બંનેએ 88 રનની ભાગીદારી કરી.
નોંધનીય છે કે, હજુ પણ ટીમ ઈન્ડિયાને 35 બોલમાં 61 રનની જરૂર છે અને ફક્ત 2 વિકેટ જ હાથમાં છે. એવામાં ફેન્સને વિરાટ કોહલી પાસેથી ઘણી આશા છે કે, તે આ મેચમાં ચમત્કાર કરે અને ટીમને જીત તરફ લઈ જાય.
Published On - 9:12 pm, Sun, 18 January 26