
ભારતની ધરતી પર ગુરુવારથી ODI વર્લ્ડ કપ (World Cup 2023) નો પ્રારંભ થઈ રહ્યો છે. વર્તમાન વિજેતા ઈંગ્લેન્ડ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ (New Zealand) સામે ટકરાશે. ઈંગ્લેન્ડમાં રમાયેલા છેલ્લા વર્લ્ડ કપમાં આ બંને ટીમો વચ્ચે ફાઈનલ રમાઈ હતી જેમાં ઈંગ્લેન્ડે (England) ન્યૂઝીલેન્ડને બાઉન્ડ્રી કાઉન્ટમાં હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બનવાનો ખિતાબ જીત્યો હતો. આ મેચ તે ટાઈટલ મેચની યાદો તાજી કરશે.
ન્યૂઝીલેન્ડની ટીમ ઈજાઓથી પરેશાન છે. ન્યૂઝીલેન્ડને પ્રથમ મેચમાં ટિમ સાઉથીની બોલિંગનો લાભ નહીં મળે. જ્યારે કેપ્ટન કેન વિલિયમસન પણ પહેલી મેચ રમશે નહીં. બંનેએ સર્જરી કરાવી હતી પરંતુ હજુ સુધી તેઓ સંપૂર્ણપણે ફિટ નથી. ન્યુઝીલેન્ડને આશા છે કે આ બંને ખેલાડીઓ બીજી મેચમાં ઉપલબ્ધ રહેશે.
ઈંગ્લેન્ડની તાકાત તેની બેટિંગ છે. આ ટીમમાં જોની બેયરસ્ટો, જોસ બટલર, ડેવિડ મલાન, લિયામ લિવિંગ્સ્ટન જેવા તોફાની બેટ્સમેન છે. ઈંગ્લેન્ડ માટે બીજી સારી બાબત એ છે કે અમદાવાદની પીચ બેટ્સમેન માટે મદદરૂપ છે અને તેના પર રનનો વરસાદ થઈ શકે છે. બેન સ્ટોક્સ પણ આ વર્લ્ડ કપ માટે પરત ફર્યો છે. તે નિવૃત્તિમાંથી પરત ફર્યો છે. પરંતુ તેના માટે પ્રથમ મેચમાં રમવું મુશ્કેલ લાગે છે. કેપ્ટન બટલરે બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે સ્ટોક્સ અંગેનો નિર્ણય મેચના દિવસે લેવામાં આવશે. હેરી બ્રુક પર પણ નજર રહેશે, જેના માટે ટીમે જેસન રોય જેવા તોફાની બેટ્સમેનને ટીમની બહાર રાખ્યો છે.
ઈંગ્લેન્ડની ટીમ ઓલરાઉન્ડરથી ભરેલી છે. જોકે, સ્ટોક્સ આ વર્લ્ડ કપમાં બોલિંગ નહીં કરે કારણ કે તેને ઘૂંટણની સમસ્યા છે. પરંતુ તેના સિવાય ટીમમાં મોઈન અલી છે જે તેની તોફાની બેટિંગની સાથે ઓફ સ્પિનથી પણ પ્રભાવ પાડી શકે છે. જ્યારે ક્રિસ વોક્સ અને સેમ કરન ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર છે. જ્યાં સુધી ઈંગ્લેન્ડની બોલિંગની વાત છે તો ટીમ પાસે માર્ક વુડ જેવો તોફાની બોલર છે. ડાબોડી રીસ ટોપલી પણ પોતાના સ્વિંગથી બેટ્સમેનોને પરેશાન કરી શકે છે. આદિર રાશિદ સ્પિનમાં મોઈન અલીની સાથે હશે. આ લેગ સ્પિનર ઘણો ખતરનાક સાબિત થઈ શકે છે.
ન્યુઝીલેન્ડ માટે મોટી સમસ્યા છે કારણ કે વિલિયમસનની ગેરહાજરીને કારણે ટીમની બેટિંગ નબળી પડી છે. વિલિયમસન ટીમનો મુખ્ય બેટ્સમેન છે અને તે જાણે છે કે કઈ સ્થિતિમાં કઈ રીતે બેટિંગ કરવી. તેની કેપ્ટનશિપ પણ શાનદાર છે. સાઉથીની ગેરહાજરી પણ ટીમ માટે નુકસાનકારક રહેશે. વિલિયમસનની ગેરહાજરીમાં ટીમની બેટિંગનો બોજ ડેવોન કોનવે અને લાથમ પર રહેશે. ટીમને આશા હશે કે ડેરેલ મિશેલ અને ગ્લેન ફિલિપ્સનું બેટ પણ આ મેચમાં ચાલે.
આ પણ વાંચો : ENG vs NZ ICC WC Match Preview : આજે વિશ્વકપનો શંખનાદ, જૂના વિરોધીઓ સાથે નવા યુદ્ધની શરૂઆત
ન્યુઝીલેન્ડની તાકાત તેની બોલિંગ છે. ટ્રેન્ટ બોલ્ટને ભારતીય પીચો પર બોલિંગ કરવાનો ઘણો અનુભવ છે. લોકી ફર્ગ્યુસન તેને ટેકો આપવા માટે ટીમમાં છે. તે IPLમાં ગુજરાત ટાઈટન્સ તરફથી રમ્યો છે તેથી તેને આ મેદાન પર રમવાનો અનુભવ પણ છે. ન્યુઝીલેન્ડની બોલિંગ મોટાભાગે ફાસ્ટ બોલરો બોલ્ટ અને ફર્ગ્યુસન પર નિર્ભર છે. જ્યારે સ્પિનમાં મિશેલ સેન્ટનર અને ઈશ સોઢી ભારતમાં કમાલ કરવા તૈયાર છે.