ક્રિકેટ ઈતિહાસમાં પહેલીવાર બની આવી ઘટના, આખી ટીમ 192 રન બનાવીને રિટાયર્ડ આઉટ થઈ ગઈ

મહિલા T20 વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં UAE ટીમે કમાલ પ્રદર્શન કર્યું હતું. એક સમયે તેઓએ કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 192 રન બનાવ્યા હતા, પછી એવું શું થયું કે આખી ટીમ 192ના સ્કોર પર સમેટાઈ ગઈ, ટીમના બધા બેટ્સમેન રિટાયર્ડ આઉટ થયા, તેમ છતાં પણ ટીમે શાનદાર જીત નોંધાવી હતી. ક્રિકેટ ઈતિહાસમાં પહેલીવાર આવી ઘટના બની હતી.

ક્રિકેટ ઈતિહાસમાં પહેલીવાર બની આવી ઘટના, આખી ટીમ 192 રન બનાવીને રિટાયર્ડ આઉટ થઈ ગઈ
UAE Womens Team
Image Credit source: X
| Updated on: May 10, 2025 | 8:43 PM

ક્રિકેટ અનિશ્ચિતતાઓની રમત છે અને ઘણીવાર તેમાં કોઈને કોઈ આશ્ચર્યજનક ઘટનાઓ જોવા મળે છે. પરંતુ મહિલા T20 વર્લ્ડ કપ ક્વોલિફાયર 2025ની એક મેચમાં કંઈક એવું બન્યું કે આ અનિશ્ચિતતા શબ્દ પણ ઓછો પડી ગયો. ટુર્નામેન્ટની એક મેચમાં, સંયુક્ત આરબ અમીરાત (UAE) ની ટીમે મેચ દરમિયાન કંઈક એવું કર્યું જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા. જ્યારે ભૂતકાળમાં ક્રિકેટ મેચમાં એક કે બે બેટ્સમેન રિટાયર્ડ આઉટ થયાની ઘટનાઓ બની છે, પરંતુ પહેલીવાર ટીમના બધા બેટ્સમેન રિટાયર્ડ આઉટ થયા હતા.

UAEની આખી ટીમ રિટાયર્ડ આઉટ થઈ

શનિવાર, 10 મેના રોજ રમાયેલી આ મેચમાં, UAE ટીમે મેચ જીતવા માટે રિટાયર્ડ આઉટ થઈ બધાને આશ્ચર્યચકિત કર્યા અને પછી જીત પણ મેળવી. આ મેચમાં એક સમયે UAEનો સ્કોર 16 ઓવરમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના 192 રન હતો. પરંતુ અચાનક આખી ટીમ આ સ્કોર પર આઉટ થઈ ગઈ. બધા લોકો વિચારતા હશે કે આ મેચ ફિક્સ હતી, એટલે જ UAEની મહિલા ખેલાડીઓએ આવું કર્યું, પરંતુ એવું કંઈ નહોતું અને આવું કેમ થયું તેનું કારણ વધુ ચોંકાવનારું હતું.

UAEએ 16 ઓવરમાં 192 રન બનાવ્યા

બન્યું એવું કે બેંગકોકના ટેર્ડથાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે UAE અને કતાર વચ્ચે T20 વર્લ્ડ કપ ક્વોલિફાયર મેચ રમાઈ રહી હતી. પ્રથમ બેટિંગ કરતા UAEની ટીમે 16 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 192 રન બનાવ્યા. ઓપનર તીર્થ સતીશે 42 બોલમાં 11 ચોગ્ગાની મદદથી 74 રન બનાવ્યા હતા. જ્યારે અન્ય ઓપનિંગ બેટ્સમેન, કેપ્ટન ઈશા રોહિત ઓઝા પણ શાનદાર સદી ફટકાર્યા બાદ ક્રીઝ પર હાજર હતી. તેણે 55 બોલમાં 14 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી અણનમ 113 રન બનાવ્યા હતા.

 

ICC એ કર્યું ટ્વિટ

UAEનો સ્કોર 16 ઓવરમાં 192 રન પર પહોંચ્યો હતો અને આ દરમિયાન વરસાદની શક્યતા વ્યક્ત થવા લાગી. આ જોઈને UAEએ તેની ટીમને જ રિટાયર્ડ આઉટ કરી દીધી. હવે T20 ક્રિકેટમાં ઈનિંગ્સ ડિકલેર કરવાનો કોઈ નિયમ નથી. તો એક પછી એક બધા બેટ્સમેન પેડ્સ પહેરીને ક્રીઝ પર આવ્યા અને પછી રિટાયર્ડ આઉટ થઈને પેવેલિયન પાછા ફર્યા. આ મેચ વિશે ICC એ પણ ટ્વિટ કર્યું છે.

કતારની ટીમ 29 રનમાં ઓલઆઉટ

192 રનના લક્ષ્યાંકનો પીછો કરતી કતારની ટીમ 11.1 ઓવરમાં માત્ર 29 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. આ રીતે UAEએ આ મેચ 163 રનથી જીતી લીધી. UAE તરફથી સ્પિનર ​​મિશેલ બોથાએ 4 ઓવરમાં 11 રન આપીને 3 વિકેટ લીધી જ્યારે કેટી થોમ્પસનને 2 વિકેટ મળી. આ સિવાય ઈશા, હીના હોતચંદાની, ઈન્ધુજા નંદકુમાર અને વૈષ્ણવ મહેશને એક-એક વિકેટ મળી હતી. આ જીત સાથે, UAEએ તેની બંને મેચ જીતી લીધી છે. તે ચાર પોઈન્ટ અને +6.998ના નેટ રન રેટ સાથે ટુર્નામેન્ટમાં ટોચ પર છે. આ પહેલા UAEએ મલેશિયાને નવ વિકેટથી હરાવ્યું હતું.

આ પણ વાંચો: કાવ્યા મારન પછી RCBએ ભર્યું મોટું પગલું, IPL 2025 સ્થગિત થતા જ વિરાટ કોહલીની ટીમે દર્શકોના હિતમાં લીધો નિર્ણય

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો