મહિલા બિગ બેશ લીગ 2024 હાલમાં ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહી છે. આ સિઝનની પ્રથમ નોકઆઉટ મેચમાં સિડની થંડર અને હોબાર્ટ હરિકેન્સની ટીમો સામ-સામે હતી. આ મેચની પ્રથમ ઈનિંગ દરમિયાન એક વિચિત્ર ઘટના જોવા મળી હતી. વાસ્તવમાં, એક બેટ્સમેન શોટ માર્યાની 2 સેકન્ડ પછી ક્લીન બોલ્ડ થઈ, જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા. જો આ બેટ્સમેન ક્લીન બોલ્ડ ન થઈ હોત તો તેના રનઆઉટ થવાનો ખતરો હતો. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ મેચમાં હોબાર્ટ હરિકેન્સની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. પરંતુ હોબાર્ટ હરિકેન્સે ત્રીજી ઓવરમાં જ પોતાની પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. ટીમને પહેલો ફટકો રૂથ જોન્સનના રૂપમાં લાગ્યો હતો. રૂથ જોન્સનને શબનિમ ઈસ્માઈલ દ્વારા ક્લીન બોલ્ડ કરવામાં આવી હતી, પરંતુ જોન્સન જે રીતે ક્લીન બોલ્ડ થઈ, તેણે બધાને ચોંકાવી દીધા હતા. વાસ્તવમાં, હોબાર્ટ હરિકેન્સની ઈનિંગ દરમિયાન, શબનિમ ઈસ્માઈલે ત્રીજી ઓવર ફેંકી હતી. શબનિમ ઈસ્માઈલની ઓવરના ચોથા બોલ પર રૂથ જોન્સને મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો.
રૂથ જોન્સન પુલ શોટ રમવા માંગતી હતી, પરંતુ બોલ બેટની ટોચની ધાર પર લાગ્યો. જોકે, બોલ ઊંચો ગયો ન હતો અને રૂથ જોન્સન રન બનાવવા દોડી ગઈ હતી. આ પછી શબનિમ ઈસ્માઈલ તેને રન આઉટ કરવા દોડી હતી, પરંતુ આ દરમિયાન બોલ વિકેટ સાથે અથડાઈ અને રૂથ જોન્સન ક્લીન બોલ્ડ થઈ ગઈ. તમને જણાવી દઈએ કે, જો રૂથ જોન્સન ક્લીન બોલ્ડ ના થઈ હોત તો તે રન આઉટ થઈ હોત, કારણ કે બોલ વિકેટની નજીક હતો અને શબનિમ ઈસ્માઈલ પણ બોલની ખૂબ નજીક આવી ગઈ હતી.
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા હોબાર્ટ હરિકેન્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 126 રન બનાવ્યા હતા. આ દરમિયાન રૂથ જોન્સન માત્ર 6 બોલનો સામનો કરી શકી હતી અને 5 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ ઈનિંગમાં તેણે એક ફોર ફટકારી હતી. જ્યારે કેપ્ટન એલિસ વિલાનીએ તેની ટીમ માટે સૌથી મોટી ઈનિંગ રમી હતી. તેણે 42 બોલમાં 53 રન બનાવ્યા હતા. એલિસ વિલાનીની આ ઈનિંગમાં 6 ફોર અને 1 સિક્સ સામેલ હતી. આ સિવાય લિઝલ લીએ 23 અને સુઝી બેટ્સે 17 રનનું યોગદાન આપ્યું હતું.
આ પણ વાંચો: IND vs AUS: યશસ્વી જયસ્વાલ બન્યો વિશ્વનો નંબર 2 બેટ્સમેન, વિરાટ કોહલીએ 9 બેટ્સમેનોને પછાડ્યા
ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો