
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની આગામી સીઝન વર્ષ 2026 માં રમાશે, જે પહેલા 16 ડિસેમ્બરે દુબઈમાં ખેલાડીઓની હરાજી યોજાશે. બધા ફેન્સ IPL ની આગામી સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે IPL 2025 નો ખિતાબ જીત્યો હતો, ત્યારબાદ બધાની નજર તેના પર રહેશે કે, તેઓ પોતાનું ટાઇટલ ડિફેન્ડ કરી શકશે કે નહીં?
આ ઉપરાંત, RCB ટીમ બેંગલુરુના તેના હોમ ગ્રાઉન્ડ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ રમી શકશે કે નહીં? આ અંગે એક મોટું અપડેટ બહાર આવ્યું છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમે IPL 2025નો ખિતાબ જીત્યા બાદ બેંગલુરુમાં ચાહકોએ જોરશોરથી ઉજવણી કરી હતી. વાત એમ છે કે, RCB ટીમ ટ્રોફી સેલિબ્રેશન માટે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિજય પરેડ કરવાની હતી.
જો કે, અપેક્ષા કરતાં વધુ ભીડને કારણે ભાગદોડ મચી ગઈ, જેના કારણે ઘણા લોકોને મૃત્યુ અને ઇજાઓ થઈ. ત્યારબાદ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કોઈ મોટી મેચ રમાઈ નથી.
વર્ષ 2025 મહિલા ODI વર્લ્ડ કપની કેટલીક મેચો ત્યાં રમવાની હતી પરંતુ NOC સર્ટિફિકેટના અભાવે મેચો પાછળથી નવી મુંબઈ ખસેડવામાં આવી.
આવી સ્થિતિમાં, IPL 2026 ની મેચો અંગે શંકાની સ્થિતિ હતી, જેના પર હવે કર્ણાટક રાજ્ય સરકારના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર તરફથી એક મોટું નિવેદન આવ્યું છે.
કર્ણાટક રાજ્ય સરકારના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પદ માટેની ચૂંટણીમાં મતદાન કર્યા પછી સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, એમ ચિન્નાસ્વામીને IPL મેચોનું આયોજન કરવા અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કહ્યું કે, “હું પોતે ક્રિકેટનો મોટો ચાહક છું. અમે ખાતરી કરીશું કે, કર્ણાટકમાં થયેલી ભાગદોડ જેવી ઘટના ફરી ક્યારેય ન બને અને બેંગલુરુની પ્રતિષ્ઠા જાળવી રાખીને ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ક્રિકેટ મેચો યોજાતી રહે. અમે બીજે ક્યાંય IPL મેચોનું આયોજન કરીશું નહીં અને બધી મેચ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. આ બેંગલુરુ અને કર્ણાટક માટે એક મોટું સન્માન છે. અમે તેને જાળવી રાખવા માટેના અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું.”
Published On - 9:06 pm, Sun, 7 December 25