IND vs NZ : ટીમ ઈન્ડિયા WTCની ફાઈનલ નહીં રમી શકશે? જાણો પુણે ટેસ્ટમાં હાર બાદ શું છે સમીકરણ

ટીમ ઈન્ડિયાને પુણે ટેસ્ટમાં ન્યુઝીલેન્ડના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ન્યુઝીલેન્ડે સિરીઝ 2-0થી કબજે કરી લીધી છે. આ હારને કારણે ભારતીય ટીમ પર WTCની ફાઈનલમાં જવાનો ખતરો છે કારણ કે હવે તેની 6 મેચ બાકી છે. એવામાં ટીમ ઈન્ડિયા માટે WTCની ફાઈનલમાં પહોંચવું મુશ્કેલ બની ગયું છે.

IND vs NZ : ટીમ ઈન્ડિયા WTCની ફાઈનલ નહીં રમી શકશે? જાણો પુણે ટેસ્ટમાં હાર બાદ શું છે સમીકરણ
Team India
Image Credit source: PTI
| Updated on: Oct 26, 2024 | 6:08 PM

ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલમાં સરળતાથી જગ્યા બનાવી રહી હોય તેવું લાગી રહ્યું હતું, પરંતુ અચાનક તેનું સમીકરણ બદલાઈ રહ્યું છે. ટીમ ઈન્ડિયા પર WTC ફાઈનલની રેસમાંથી બહાર થઈ જવાનો ખતરો છે. તેનું કારણ ન્યુઝીલેન્ડ છે. ચાહકોને આશા હતી કે ભારત મુલાકાતી ટીમને 3-0 અથવા 2-1થી હરાવીને સરળતાથી પોતાનું સ્થાન સુરક્ષિત કરશે. પરંતુ ન્યુઝીલેન્ડની ટીમે ટેબલ ફેરવી દીધું છે.

પૂણે ટેસ્ટ બાદ WTCના સમીકરણમાં બદલાવ

તેમણે 3 મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે. ભારતીય ટીમને પહેલા બેંગલુરુ અને પછી પુણેમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી મેચ હારવાની સાથે જ ભારતીય ટીમ 12 વર્ષ બાદ ઘરઆંગણે સિરીઝ હારી ગઈ હતી અને હવે ભારતને WTC ફાઈનલ માટે પણ સખત મહેનત કરવી પડશે. આવો જાણીએ પૂણે ટેસ્ટ બાદ WTCના સમીકરણમાં શું બદલાવ આવ્યો છે.

પુણે ટેસ્ટમાં હારની શું અસર પડી?

રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયા પુણે ટેસ્ટ પહેલા WTC પોઈન્ટ ટેબલમાં 68.06 ટકા પોઈન્ટ સાથે ટોચ પર હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ 62.50 ટકા પોઈન્ટ સાથે બીજા સ્થાને હતી. આ સિવાય શ્રીલંકા 55.56 ટકા પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને, દક્ષિણ આફ્રિકા 47.62 ટકા પોઈન્ટ સાથે ચોથા સ્થાને અને ન્યુઝીલેન્ડ 44.44 ટકા પોઈન્ટ સાથે પાંચમા સ્થાને હતું.

ટીમ ઈન્ડિયાના પોઈન્ટ્સની ટકાવારી ઘટી

પુણેમાં હાર બાદ ટીમ ઈન્ડિયાના પોઈન્ટ્સની ટકાવારી ઘટીને 62.82 થઈ ગઈ છે. જો કે, પોઝિશન પર કોઈ અસર થઈ નથી, કારણ કે હાર છતાં, રોહિત શર્માની ટીમ 0.32 ટકા પોઈન્ટના મામૂલી માર્જિનથી આગળ છે. એટલે કે નંબર વનનો તાજ જવાનો છે. આ જીતનો ફાયદો ન્યુઝીલેન્ડની ટીમને થયો છે. ન્યુઝીલેન્ડે 50 ટકા પોઈન્ટ હાંસલ કર્યા છે અને દક્ષિણ આફ્રિકાને પાછળ છોડીને ચોથા સ્થાને આવી ગયું છે.

ટીમ ઈન્ડિયા WTC ફાઈનલમાંથી બહાર થશે?

પુણે ટેસ્ટમાં મળેલી હાર બાદ સૌથી મોટો સવાલ એ છે કે શું ભારતીય ટીમ WTC ફાઈનલની રેસમાંથી બહાર થઈ જશે? હાલમાં ટીમ ઈન્ડિયા બહાર નથી થઈ, પરંતુ બહાર થવાનો ખતરો ચોક્કસપણે મંડરાઈ રહ્યો છે. WTC સર્કલમાં ભારતીય ટીમની હવે 6 મેચ બાકી છે. જો તેમણે કોઈપણ ટીમ પર નિર્ભર થયા વિના ફાઈનલમાં પહોંચવું હોય તો ઓછામાં ઓછી 4 મેચ જીતવી પડશે. પરંતુ આવું થવું મુશ્કેલ લાગે છે, કારણ કે એક મેચ ઈનફોર્મ ન્યુઝીલેન્ડ સામે છે અને 5 મેચ ઓસ્ટ્રેલિયા સામે તેમના ઘરઆંગણે છે.

ફાઈનલમાં પહોંચવા ન્યુઝીલેન્ડે તમામ મેચ જીતવી પડશે

પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને રહેલી શ્રીલંકાની 4 મેચ બાકી છે જેમાંથી તેને 3 જીતવી જરૂરી છે. આમાં તેમણે ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે 2 મેચ રમવાની છે જ્યારે બાકીની 2 મેચ દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે રમવાની છે. આ સિવાય ચોથા નંબર પર રહેલી ન્યુઝીલેન્ડની હવે આ WTC સર્કલમાં 4 મેચ બાકી છે, જેમાંથી એક મેચ ભારત સામે મુંબઈમાં રમવાની છે. ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે 3 મેચ રમવાની છે. સીધા ફાઈનલમાં જવા માટે ન્યુઝીલેન્ડને આ તમામ મેચ જીતવી પડશે. દક્ષિણ આફ્રિકાએ બાકીની 5 મેચમાંથી 4 મેચ જીતવી પડશે. તેમાંથી આફ્રિકાએ બાંગ્લાદેશ સામે 1 અને શ્રીલંકા-પાકિસ્તાન સામે 2 મેચ રમવાની છે.

આ પણ વાંચો: IND vs NZ : ન્યુઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં હરાવી રેકોર્ડની લાઈન લગાવી દીધી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 6:07 pm, Sat, 26 October 24