
વિજય હજારે ટ્રોફી 2025-26ને લઈને મોટી ખબર સામે આવી છે. ભારતીય ક્રિકેટ સુપરસ્ટાર વિરાટ કોહલી ફરી એકવાર આ ટુર્નામેન્ટમાં રમવા માટે તૈયાર છે. દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશન (DDCA)ના પ્રમુખ રોહન જેટલીએ વિરાટ કોહલીની આગામી મેચ અંગે મહત્વપૂર્ણ અપડેટ આપી છે, જેને કારણે ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
વિરાટ કોહલીએ તાજેતરમાં વિજય હજારે ટ્રોફી 2025-26માં દિલ્હી ટીમ તરફથી બે મેચ રમી હતી, જેમાં તેણે શાનદાર બેટિંગ કરી હતી. લિસ્ટ A ક્રિકેટમાં તેની ફોર્મ ખૂબ જ ધમાકેદાર રહી છે. આ બંને મેચમાં તેણે કુલ 200થી વધુ રન બનાવ્યા હતા. BCCI દ્વારા તમામ કેન્દ્રીય કરાર ધરાવતા ખેલાડીઓને ટુર્નામેન્ટમાં ઓછામાં ઓછી બે મેચ રમવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો, જેને કોહલીએ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો.
હવે દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ રોહન જેટલીએ પુષ્ટિ કરી છે કે વિરાટ કોહલી ટુર્નામેન્ટમાં વધુ એક મેચ રમશે. રોહન જેટલીના જણાવ્યા અનુસાર, વિરાટ કોહલી 6 જાન્યુઆરીએ બેંગલુરુ સ્થિત BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે રેલવે સામેની મેચમાં ઉતરશે. આ વિજય હજારે ટ્રોફી 2025-26માં તેની ત્રીજી મેચ હશે.
કોહલી પોતે 11 જાન્યુઆરીથી શરૂ થનારી ન્યૂઝીલેન્ડ સામેની ઘરેલુ ODI શ્રેણી પહેલાં વધુ મેચ રમીને તૈયારી મજબૂત કરવા માંગે છે. અત્યાર સુધી રમાયેલી બે મેચમાં વિરાટે એક ઇનિંગમાં 131 રન અને બીજી ઇનિંગમાં 77 રન બનાવીને પોતાની ક્લાસ સાબિત કરી છે. તેની આ ઇનિંગ્સના કારણે દિલ્હીને મહત્વપૂર્ણ જીત પણ મળી હતી.
DDCA પ્રમુખ રોહન જેટલીએ PTI સાથે વાત કરતાં કહ્યું હતું, “હાલમાં તે રમી રહ્યો છે. વિરાટે ત્રણ મેચ માટે પોતાની ઉપલબ્ધતાની પુષ્ટિ કરી છે.” આ સાથે જ BCCIના એક સૂત્રએ જણાવ્યું હતું કે ભારતીય ODI ટીમ ન્યૂઝીલેન્ડ શ્રેણી માટે 8 જાન્યુઆરી સુધીમાં વડોદરામાં ભેગી થશે. શક્ય છે કે વિરાટ કોહલી એક દિવસ વહેલો આવીને પ્રેક્ટિસ શરૂ કરે.
ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીએ અગાઉ રણજી ટ્રોફીમાં રેલવે સામે મેચ રમી હતી. આ મેચ જાન્યુઆરી 2025માં યોજાઈ હતી, જે 12 વર્ષ બાદ તેની પ્રથમ સ્થાનિક ફર્સ્ટ-ક્લાસ મેચ હતી. તે સમયે તે ફક્ત 6 રન બનાવી શક્યો હતો. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી. હવે વિજય હજારે ટ્રોફીમાં વિરાટ કોહલી પાસે રેલવે ટીમ સામે પોતાના ખરાબ પ્રદર્શનનો બદલો લેવાની સુવર્ણ તક રહેશે.
Shafali Verma : શ્રીલંકા સામે લેડી સેહવાગની સ્ટ્રાઈક, શેફાલી વર્માએ અડધી સદીની ફટકારી હેટ્રિક