
IND U19 vs SA U19: ભારતીય અંડર-19 ટીમના કેપ્ટન વૈભવ સૂર્યવંશીએ દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી વનડે મેચમાં શાનદાર અને વિસ્ફોટક સદી ફટકારી હતી. આ સદી તેની અગાઉની અંડર-19 વનડે સદીઓથી અલગ અને ખાસ રહી, કારણ કે આ વખતે તેણે કેપ્ટન તરીકે ટીમને આગળથી નેતૃત્વ આપતાં આ સિદ્ધિ હાંસલ કરી.
વૈભવ સૂર્યવંશીની બેટિંગ શૈલી હંમેશા આક્રમક રહી છે, અને દક્ષિણ આફ્રિકા સામે તેની આ ઇનિંગમાં પણ એ સ્પષ્ટ જોવા મળ્યું. તેણે ચોગ્ગા કરતાં વધુ છગ્ગા ફટકારીને પોતાની સદી પૂર્ણ કરી. આ પ્રદર્શનના કારણે અંડર-19 વર્લ્ડ કપ પહેલા ભારતીય ચાહકોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
વૈભવ સૂર્યવંશીએ દક્ષિણ આફ્રિકા સામે 63 બોલમાં 8 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી પોતાની સદી પૂર્ણ કરી. તેણે કુલ 127 રનની ઇનિંગ રમી હતી, જેમાં 10 છગ્ગા અને 9 ચોગ્ગાનો સમાવેશ થાય છે. આ તેની અંડર-19 વનડે કારકિર્દીની ત્રીજી સદી છે. અગાઉ તે ઇંગ્લેન્ડ અને યુએઈ અંડર-19 ટીમો સામે પણ સદી ફટકારી ચૂક્યો છે.
દક્ષિણ આફ્રિકાનો આ પ્રવાસ વૈભવ સૂર્યવંશી માટે અનેક રીતે ખાસ રહ્યો. એક તરફ આ તેનો દક્ષિણ આફ્રિકાનો પહેલો પ્રવાસ હતો, તો બીજી તરફ કેપ્ટન તરીકે તેણે પોતાની ક્ષમતાનો પુરાવો આપ્યો. અંડર-19 વનડે વર્લ્ડ કપ પહેલા જે આત્મવિશ્વાસ અને આક્રમકતા સાથે તેણે આ પ્રવાસ પૂર્ણ કર્યો, તે વખાણવા લાયક છે.
આ પ્રવાસ દરમિયાન રમાયેલી ત્રણ અંડર-19 વનડે મેચોમાં વૈભવે કુલ 206 રન બનાવ્યા, જેમાં એક સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન તેની બેટિંગ સરેરાશ 103 રહી હતી, જે તેની સતત કામગીરીને દર્શાવે છે.
અંડર-19 વનડે વર્લ્ડ કપ 15 જાન્યુઆરીથી શરૂ થવાનો છે, જે ઝિમ્બાબ્વે અને નામિબિયા જેવા દક્ષિણ આફ્રિકા નજીકના દેશોમાં રમાશે. એટલે કે, પરિસ્થિતિઓ દક્ષિણ આફ્રિકા જેવી જ રહેવાની સંભાવના છે. આવી પરિસ્થિતિઓમાં વૈભવ સૂર્યવંશીએ જે રીતે ધમાકેદાર પ્રદર્શન કર્યું છે, તેનાથી ભારતીય ટીમ અને ચાહકો બંનેને વર્લ્ડ કપ જીતની મજબૂત આશા બંધાઈ છે.
વૈભવ સૂર્યવંશીની અંડર-19 વનડે કારકિર્દી પણ ખૂબ જ પ્રભાવશાળી રહી છે. તે 1000 રનનો આંકડો પાર કરવાથી માત્ર 27 રન દૂર છે. અત્યાર સુધી રમાયેલી 18 અંડર-19 વનડે મેચોમાં તેણે 57થી વધુની સરેરાશથી 973 રન બનાવ્યા છે, જેમાં ત્રણ શાનદાર સદીનો સમાવેશ થાય છે.
ગુજ્જુ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ODI માં સિલેક્ટ કરવા માંગતી હતી ટીમ ઈન્ડિયા, પણ BCCI એ કેમ પાડી ના ?
Published On - 6:09 pm, Wed, 7 January 26