ટોક્યો પેરાલિમ્પિક્સ 2020 (Tokyo Paralympics 2020) માં ભારતીય એથલેટોએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. અત્યાર સુધીમાં 3 મેડલ દેશના નામે આવ્યા છે. આ ત્રણ મેડલ રવિવારે, 29 ઓગસ્ટના રોજ ભારત માટે આવ્યા હતા, જેમાં બે સિલ્વર અને એક બ્રોન્ઝ છે. દેશ માટે આ રમતોમાં પ્રથમ મેડલ ટેબલ ટેનિસ સ્ટાર ભાવિના પટેલે (Bhavina Patel) જીત્યો હતો. ભાવિનાએ મહિલા ટેબલ ટેનિસ (Table tennis) ઇવેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવી હતી, જ્યાં તે વિશ્વની નંબર વન ચીની ખેલાડી સામે ગોલ્ડ મેડલ ચુકી ગઇ હતી.
ભાવિના ભલે ગોલ્ડ મેડલ ચૂકી હોય, પરંતુ ટેબલ ટેનિસમાં મેડલ જીતનાર પેરાલિમ્પિક્સના ઇતિહાસમાં તે પ્રથમ ભારતીય પેરા-એથ્લીટ બની. દરેક વ્યક્તિ ભાવિનાના આ પ્રદર્શનની પ્રશંસા કરી રહી છે અને આખો દેશ તેના પર પ્રેમ વરસાવી રહ્યો છે. દેશ માટે મેડલ જીતનાર ભાવિનાએ પોતાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે, જે તે પૂરી કરવા માંગે છે.
મીડિયા રિપોર્ટનુસાર ભાવિનાના પતિ નિકુલ પટેલનું કહેવું હતું કે, ભાવિના મહાન ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકર (Sachin Tendulkar) ની મોટી પ્રશંસક છે. ભાવિના તેમને પોતાનો રોલ મોડેલ માને છે. તેણે કહ્યું કે તે સચિનને મળવા માંગે છે. નિકુલે કહ્યું, હતુ કે, ભાવિના સચિન તેંડુલકરને મળવા માંગે છે અને તેમને પોતાનો મેડલ બતાવવા માંગે છે. તે તેના (ભાવિના) રોલ મોડેલ છે. અમે તેમની સાથે સંપર્કમાં છીએ અને દેશમાં પરત ફરતી વખતે તેમની સાથે મુલાકાત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
સચિન તેંડુલકરે ભાવિનાની જીત પર અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ ભાવિનાની આ ઇચ્છા વિશે જાણીને, દિગ્ગજ ક્રિકેટરે પણ ખુશીથી ભારતીય પદક વિજેતાને મળવાની આશા વ્યક્ત કરી હતી. સચિને ટ્વિટ કર્યું, “ભાવિના, તમે સમગ્ર રાષ્ટ્રને ખુશીઓ આપી છે. મારી શુભેચ્છાઓ તમારી સાથે છે અને આશા છે કે જ્યારે તમે ભારત પાછા ફરશો ત્યારે તમારી સાથે મુલાકાત થઇ શકશે.
ગુજરાતના મહેસાણા જિલ્લામાં કરિયાણાની નાનકડી દુકાન ચલાવતા હસમુખભાઈ પટેલની પુત્રી ભાવિનાને મેડલની દાવેદાર માનવામાં આવી રહી નહોતી. પરંતુ તેણે પોતાના શાનદાર પ્રદર્શનથી ઈતિહાસ રચ્યો હતો. ભાવિનાને ફાઇનલમાં વિશ્વની નંબર વન ચીનની યિંગ ઝોઉએ હરાવી હતી. ભાવિનાને તેની પહેલી જ મેચમાં યિંગ સામે હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તે પછી તે ફાઇનલ સુધી દરેક મેચ જીતી હતી. તે પેરાલિમ્પિક્સમાં મેડલ જીતનાર ભારતની બીજી મહિલા ખેલાડી છે.