તામિલનાડુ પ્રીમિયર લીગમાં ખેલાડીઓ ધૂમ મચાવી રહ્યા છે. કોઈ આશ્ચર્યજનક કેચ જોવા મળી રહ્યા છે, તો કોઈ તોફાની બેટિંગ વડે સૌને પ્રભાવિત કરી રહ્યુ છે. તો વળી આ દરમિયાન કેટલીક એવી ચિજો પણ જોવા મળી રહી છે કે, તમે હસી હસીને થાકી જાઓ તો. કેટલીક વાર તો તમે પણ વિચારે ચડી જાઓ. આમ તો સામાન્ય રીતે કોઈ પણ રમત અને ટૂર્નામેન્ટમાં કેટલીક પળ આવી જોવા મળતી જ હોય છે. TNPL માં લાઈકા કોવઈ કિંગ્સ અને સેલમ સ્પોર્ટ્સ વચ્ચેની મેચમાં જે જોવા મળ્યુ હતુ એ તો ગજબનુ હતુ. રન આઉટ માટે સીધો થ્રો કર્યો અને એમ છતાં બેટરને જીવતદાન મળ્યુ હતુ.
બેટરે અંતિમ ક્ષણે એવી હરકત કરી દીધી હતી કે, તેને જોઈને વધારે હસવુ આવી શકે એમ છે. કોઈ બેટર આવી ભૂલ રન દોડતી વખતે ક્રિઝ પર પહોંચતી વેળા તો ના જ કરે અને આ બેટરે કરી દીધી હતી. જોકે નસીબ સારા હતા કે, તે બચી ગયો હતો. કારણ કે તેના કરતા વધારે ગજબ તો ફિલ્ડીંગ ટીમ અને અંપાયરે કરી દીધો હતો. કારણ કે તેની આ હરકત પર કોઈનુ ધ્યાન ના ગયુ અને કોઈએ તેની વિકેટ માટે કોઈ જ અપિલ ના કરી.
આમ તો બેટર સુજય રન આઉટ જ હતો. પરંતુ ફિલ્ડીંગ કરી રહેલી સેલમની ટીમે કોઈ જ અપીલ કરી નહોતી. અંપાયરે તેની પર કોઈ ધ્યાન પણ ના આપ્યુ અને આખરે સુજયને જીવતદાન મળ્યુ હતુ. જો અપીલ થઈ હોત અને થર્ડ અંપાયર પાસે મામલો પહોંચ્યો હોત તો, સુજય ક્લીયર આઉટ હોત એમાં કોઈ શંકા નહોતી.
વાત એમ હતી કે, ઈનીંગની ત્રીજી ઓવર અભિષેક તંવર લઈને આવ્યો હતો. તેણે સુજય સામે બોલ ડિલિવર કર્યો હતો. સુજયે બોલને કવર્સ તરફ રમીને સિંગલ રન લેવા દોડી ગયો હતો. પરંતુ ફિલ્ડરે બોલને પકડીને નોન સ્ટ્રાઈકર એન્ડ તરફ બોલ થ્રો કર્યો હતો. સુજયે બોલ પગમાં ના વાગે એ માટે તે ક્રિઝ પર પહોંચવાની પળે જ હવામાં ઉછળ્યો હતો. બોલ તેના પગ વચ્ચેથી નિકળીને સીધો જ વિકેટના દાંડીયા ઉડાવી ગયો હતો. જોકે જ્યારે બોલ સ્ટંપ ઉડાવી રહ્યો હતો ત્યારે સુજય ક્રિઝ પર નહીં હવામાં હતો. આમ તે આઉટ જ હતો, પરંતુ કોઈએ અપીલ કરી નહીં અને તે બચી જવા પામ્યો હતો.
સુજયે 44 રનની ઈનીંગ રમી હતી. જ્યારે સાઈ સુદર્શને 41 રન નોંધાવ્યા હતા. રામ અરવિંદે શાનદાર અડધી સદી નોંધાવી હતી.. રામે માત્ર 22 બોલમાં જ 5 છગ્ગાની મદદ વડે 50 રન નોંધાવ્યા હતા. સુજય અને સુદર્શને પણ તોફાની બેટિંગ કરતા યોગદાન આપ્યુ હતુ. આમ 199 રનનો સ્કોર કિંગ્સે નોંધાવ્યો હતો. જેની સામે 120 રનમાં જ સેલમ સ્પાર્ટન્સનો દાવ સમેટાઈ ગયો હતો. આમ 79 રનથી સેલમનો વિજય થયો હતો. કન્નને 3 વિકેટ ઝડપી હતી.
Published On - 10:45 am, Wed, 28 June 23