મંગળવારે એક ચોંકાવનારો નિર્ણય લેતા પાકિસ્તાની બેટ્સમેન ફવાદ આલમે પાકિસ્તાની ક્રિકેટ ટીમને અલવિદા કહી દીધું છે. ફવાદ આલમ હવે પાકિસ્તાન છોડીને અમેરિકા (USA) જશે અને ત્યાં તે પોતાની ક્રિકેટ કારકિર્દી બનાવશે. ફવાદ અહેમદ પાકિસ્તાનની ડોમેસ્ટિક ક્રિકેટમાં એક મોટું નામ છે. આ ખેલાડીએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 14 હજારથી વધુ રન બનાવ્યા છે. જ્યારે તેના લિસ્ટ A માં પણ 6500 થી વધુ રન છે.
પાકિસ્તાની ક્રિકેટ ટીમમાં પસંદગી ન થવાથી ફવાદ આલમ નિરાશ હોવાનું કહેવાય છે. તેણે ગત વર્ષે ગાલેમાં શ્રીલંકા સામે તેની છેલ્લી મેચ રમી હતી. આ પછી તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. ફવાદ આલમે પાકિસ્તાન માટે 19 ટેસ્ટમાં 38.88ની એવરેજથી 1011 રન બનાવ્યા અને તેના બેટથી કુલ 5 સદી ફટકારી છે. ફવાદને ODI ક્રિકેટમાં માત્ર 38 મેચ રમવાની તક મળી અને તેણે પોતાના બેટથી 40થી વધુની એવરેજથી 966 રન બનાવ્યા હતા.
Fawad Alam has decided to quit Pakistan cricket to get opportunities in the USA. pic.twitter.com/3YpCbLwcjp
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 8, 2023
ફવાદ આલમ પાકિસ્તાનની ડોમેસ્ટિક ક્રિકેટમાં એક મોટું નામ છે. તેણે લિસ્ટ A અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કુલ 51 સદી ફટકારી છે. ફર્સ્ટ ક્લાસમાં તેની એવરેજ 55થી વધુ રહી છે જે મોટી વાત છે.
ફવાદ આલમ હવે અમેરિકામાં પોતાની ક્રિકેટ કારકિર્દી બનાવશે. ફવાદ 37 વર્ષનો થઈ ગયો છે અને પાકિસ્તાની ટીમમાં તેની વાપસીની આશાઓ પૂરી થઈ ગઈ હતી. હવે તે અમેરિકામાં માઇનોર લીગ ક્રિકેટમાં રમશે. તેણે શિકાગો કિંગ્સમેન સાથે કરાર કર્યો છે. ફવાદ પહેલા વધુ ચાર પાકિસ્તાની ખેલાડીઓ અમેરિકન ક્રિકેટ સાથે જોડાઈ ચૂક્યા છે. સામી અસલમ, હમાદ આઝમ, સૈફ બદર અને મોહમ્મદ મોહસીને પણ આ જ નિર્ણય લીધો હતો.
Fawad alam bids farewell to Pakistan cricket and now he is going to pursue a cricketing career in USA. His prime was destroyed by Misbah and Sarfraz. Best of luck fawad alam you deserved better. #CricketTwitter#fawadalampic.twitter.com/PCChSlEjwH
— Mustafa Masood Qureshi (@mustafamasood23) August 8, 2023
ફવાદ આલમે 2009માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને પહેલી જ મેચમાં તેણે વિદેશી ધરતી પર સદી ફટકારી હતી. શ્રીલંકા વિરૂદ્ધ તેણે બીજી ઇનિંગમાં 168 રનની દમદાર ઇનિંગ રમી હતી. પરંતુ માત્ર બે મેચ બાદ ફવાદને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. ડિસેમ્બર 2019માં, તેને 10 વર્ષથી વધુ સમય પછી પાકિસ્તાની ટીમમાં સ્થાન મળ્યું. ફવાદ 15 વર્ષની કારકિર્દીમાં માત્ર 19 ટેસ્ટ જ રમી શક્યો હતો, તે વિચારવા જેવી બાબત છે.