ભારતીય ટીમ (Team India) ના પૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર ઝહીર ખાન (Zaheer Khan) એ જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) અને હર્ષલ પટેલ (Harshal Patel) ની જોડીના વખાણ કર્યા છે. તેણે કહ્યું કે આ બંને બોલરોની જોડી ઘણી ખતરનાક સાબિત થઇ શકે છે. તેણે કહ્યું કે આ બંને બોલરોની જુગલબંધી જોવા લાયક હશે.
શ્રીલંકા સામે પહેલી ટી20 મેચમાં જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલની જોડી એક સાથે જોવા મળી હતી. જસપ્રીત બુમરાહે પોતાની 3 ઓવરના સ્પેલમાં 19 રન આપ્યા હતા જ્યારે હર્ષલ પટેલે 2 ઓવરમાં 10 રન આપ્યા હતા. ભારતે 7 બોલરોને મેદાન પર ઉતાર્યા હતા. એટલા માટે આ બંનેએ પોતાની 4 ઓવર પુરી કરી શક્યા ન હતા.
ભારતના દિગ્ગજ બોલર ઝહીર ખાનનું માનવું છે કે જો બુમરાહ અને હર્ષલ પટેલ એક સાથે રમે છે, તો આ બંનેની જોડી જોવા લાયક રહેશે. ક્રિકબઝ પર વાતચીત સમયે કહ્યું, “બુમરાહ અને હર્ષલની જોડી ઘણી શાનદાર રહેશે. હવે જો બુમરાહની વાત કરો તો તેમની પાસે અલગ પ્રકારનો એન્ગલ અને ફાસ્ટ યોર્કર છે. તેને બાદ કરતા સ્લો વન પણ ઘણી સારી રીતે નાખી શકે છે. હવે જો હર્ષલ પટેલની વાત કરીએ તો એ એટલા માટે સફળ થાય છે કારણ કે બેટ્સમેન તેની બોલિંગમાં મોટા ભાગે અટેક કરવા માટે આગળ આવે છે. તેથી જ આવા સમયે વિકેટ લેવાની તક વધી જાય છે. જો એક તરફથી બુમરાહ બોલિંગ કરી રહ્યો હોય છે તો તેનાથી હર્ષલ પટેને ઘણો ફાયદો થાય છે. બુમરાહ એક તરફ રન રોકે છે, જેથી બેટ્સમેન હર્ષલ પટેલની ઓવરમાં રન બનાવવા માટે પ્રયાસ કરે છે અને આવા સમયે વિકેટ મળી જાય છે.
તમને જણાવી દઇએ કે ભારતીય ટીમે લખનૌમાં રમાયેલી પહેલી ટી20 મેચમાં શ્રીલંકાને 62 રનથી હરાવી દીધું હતું. પહેલી બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 2 વિકેટે 199 રન નોંધાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં 6 વિકેટના ભોગે 137 રન જ કરી શકી હતી. આ જીત સાથે ભારત ત્રણ મેચની ટી20 સીરિઝમાં 1-0થી આગળ થઇ ગઇ છે.