
ODI વર્લ્ડ કપ 2027 આગામી વર્ષના સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયાન દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં યોજાવાની સંભાવના છે. આ મોટા ટુર્નામેન્ટ માટે ભારતીય ક્રિકેટ ટીમે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. હાલના સમયમાં ખેલાડીઓ IPL 2026 માટે તૈયારીમાં વ્યસ્ત છે, પરંતુ બીજી તરફ ટીમના પસંદગીકારો “મિશન વર્લ્ડ કપ 2027” પર ખાસ ધ્યાન આપી રહ્યા છે. મીડિયા અહેવાલ મુજબ, પસંદગીકારો IPL મેચો દરમિયાન ખેલાડીઓના પ્રદર્શન પર નજીકથી નજર રાખશે.
વર્લ્ડ કપ માટે પ્રાથમિક રીતે 20 ખેલાડીઓની યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાંથી અંતે 15 ખેલાડીઓની ફાઈનલ ટીમ પસંદ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે આ પ્રાથમિક યાદીમાં 6 ફાસ્ટ બોલરોને સ્થાન મળ્યું છે. દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયાની પિચો ઝડપ અને બાઉન્સ માટે જાણીતી હોવાથી, પસંદગીકારોએ મજબૂત પેસ અટેક પર ભાર મૂક્યો છે.
આ 6 ફાસ્ટ બોલરોમાં જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાના સ્થાનને લગભગ પાક્કા માનવામાં આવે છે. તેમના સિવાય અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. સાથે જ હર્ષિત રાણા, જે હાલમાં ઈજામાંથી સાજા થઈ રહ્યા છે, તેઓને પણ ટીમમાં સ્થાન મળવાની શક્યતા છે. આ પસંદગીને કારણે પાછલા ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનારા મોહમ્મદ શમીને આ વખતની ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે.
બેટિંગ અને ઓલરાઉન્ડ વિભાગમાં પણ કેટલાક ખેલાડીઓના સ્થાન લગભગ નક્કી માનવામાં આવે છે. શુભમન ગિલને કેપ્ટન અને શ્રેયસ ઐયરને ઉપ-કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યા છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા અનુભવી ખેલાડીઓ પણ 2027 વર્લ્ડ કપમાં રમતા જોવા મળી શકે છે. કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યાનો સમાવેશ પણ મહત્વપૂર્ણ રહેશે.
ઓલરાઉન્ડરોમાં રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદર મુખ્ય પસંદગી છે. સ્પિન વિભાગમાં કુલદીપ યાદવનું સ્થાન મજબૂત છે. સાથે જ યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત અને ઇશાન કિશન જેવા ખેલાડીઓ પણ ટીમ માટે દાવેદાર છે. અભિષેક શર્મા અને સંજુ સેમસનને પણ આ 20 સભ્યોની પ્રાથમિક યાદીમાં સ્થાન મળવાની સંભાવના છે.
હવે પસંદગીકારો આ તમામ ખેલાડીઓના પ્રદર્શન, ફિટનેસ અને વર્કલોડ મેનેજમેન્ટ પર ખાસ ધ્યાન રાખશે, જેથી અંતિમ 15 ખેલાડીઓની ટીમ શ્રેષ્ઠ રીતે તૈયાર થઈ શકે.
Breaking News: અક્ષર પટેલને BCCIનો આ નિયમ નથી પસંદ, IPL 2026 પહેલા નારાજગી વ્યક્ત કરી
Published On - 6:13 pm, Mon, 23 March 26