ભારતનો ઓસ્ટ્રેલિયા સામે રોમાંચક વિજય, 18 વર્ષના બેટ્સમેને રમી લડાયક ઈનિંગ

ભારતીય અંડર-19 ટીમે ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમને પ્રથમ બિનસત્તાવાર ટેસ્ટ મેચમાં 2 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં ટીમ ઈન્ડિયાની જીતનો હીરો નિખિલ કુમાર રહ્યો હતો. તેણે શાનદાર ઈનિંગ રમી અને ભારતીય ટીમને જીત સુધી પહોંચાડી હતી.

ભારતનો ઓસ્ટ્રેલિયા સામે રોમાંચક વિજય, 18 વર્ષના બેટ્સમેને રમી લડાયક ઈનિંગ
India vs Australia
Image Credit source: PTI
| Updated on: Oct 02, 2024 | 8:00 PM

ભારતીય અંડર-19 ટીમ અને ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમ વચ્ચે પ્રથમ બિનસત્તાવાર ટેસ્ટ ચેન્નાઈમાં રમાઈ હતી, જે ખૂબ જ રોમાંચક રહી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમને 2 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં ભારતીય ટીમની જીતનો હીરો નિખિલ કુમાર રહ્યો હતો. તેણે શાનદાર બેટિંગ કરી અને ઓસ્ટ્રેલિયાના જડબામાંથી જીત છીનવી લીધી. એક સમયે આ મેચમાં ઓસ્ટ્રેલિયાનો સંપૂર્ણ દબદબો હતો, પરંતુ નિખિલ કુમારની ઈનિંગ ઓસ્ટ્રેલિયાને મોંઘી પડી.

ભારતને જીતવા 212 રનનો ટાર્ગેટ

ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમે આ મેચમાં ટીમ ઈન્ડિયાને જીતવા માટે 212 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ તેના જવાબમાં ભારતીય ટીમની શરૂઆત ખાસ રહી ન હતી. પ્રથમ દાવમાં સદી ફટકારનાર વૈભવ સૂર્યવંશી આ વખતે માત્ર 1 રન જ બનાવી શક્યો હતો, જે ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો હતો. આ પછી નિત્યા પંડ્યાએ 52 રન બનાવીને ટીમની ઈનિંગની કમાન સંભાળી હતી, પરંતુ ભારતીય ટીમે 167 રન સુધી પહોંચતા જ 7 વિકેટ ગુમાવી દીધી હતી. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા જીતથી માત્ર 3 વિકેટ દૂર હતું. ત્યારબાદ નિખિલ કુમારે નીચલા બેટ્સમેનો સાથે મળીને શાનદાર બેટિંગ કરી હતી.

ટીમ ઈન્ડિયાએ 2 વિકેટે જીત મેળવી

નિખિલ કુમારે 71 બોલનો સામનો કરીને અણનમ 55 રન બનાવ્યા હતા. આ દરમિયાન નિખિલ કુમારના બેટમાંથી 3 ચોગ્ગા અને 4 છગ્ગા આવ્યા હતા. તેની શાનદાર ઈનિંગના કારણે ટીમ ઈન્ડિયા આ મેચ 2 વિકેટથી જીતવામાં સફળ રહી હતી. નિખિલ કુમારે પણ આ મેચની પ્રથમ ઈનિંગમાં 38 બોલમાં 20 રન બનાવ્યા હતા. આ જોરદાર પ્રદર્શનના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો હતો.

 

વૈભવ સૂર્યવંશીએ સદી ફટકારી

ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમે આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ તેની પ્રથમ ઈનિંગમાં 293 રન બનાવવામાં સફળ રહી હતી. જેના જવાબમાં ભારતીય ટીમે પ્રથમ દાવમાં 296 રન બનાવ્યા હતા. આ દરમિયાન 13 વર્ષના વૈભવ સૂર્યવંશીએ સદી ફટકારી હતી. તેણે 62 બોલમાં 104 રનની ઈનિંગ રમી હતી. આ પછી ઓસ્ટ્રેલિયાની ટીમ તેના બીજા દાવમાં માત્ર 214 રન બનાવી શકી અને ઓલઆઉટ થઈ ગઈ. હવે બંને ટીમો વચ્ચે બીજી બિનસત્તાવાર ટેસ્ટ મેચ 7 ઓક્ટોબરથી રમાશે.

આ પણ વાંચો: નીરજ ચોપરાએ પોતાનું વચન પૂરું કર્યું, PM મોદીને માતા દ્વારા બનાવેલ ચૂરમા ખવડાવ્યો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો