
સ્કોટલેન્ડે T20 વર્લ્ડ કપ 2026 ની 7 મી મેચમાં ઈટાલીને 73 રનથી હરાવ્યું. સ્કોટલેન્ડે પહેલા બેટિંગ કરીને 207 રન બનાવ્યા, જેના જવાબમાં ઈટાલી ફક્ત 16.4 ઓવરમાં 134 રનમાં ઓલઆઉટ થઈ ગયું. સ્કોટલેન્ડની જીતનો હીરો ઓલરાઉન્ડર માઈકલ લીસ્ક હતો, જેણે બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું. નોટઆઉટ 22 રન બનાવવા ઉપરાંત, લીસ્કે 4 ઓવરમાં માત્ર 17 રન આપીને 4 વિકેટ લીધી. આ પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો.
આ મેચમાં લિસ્કે એક મોટો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો. હવે તે T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ ધરાવે છે. તેણે ઇટાલી સામે 5 બોલમાં અણનમ 22 રન બનાવ્યા હતા, જેમાં બે છગ્ગા અને બે ચોગ્ગા ફટકાર્યા હતા. આ ઇનિંગમાં તેનો સ્ટ્રાઇક રેટ 440 નો હતો. T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ઓછામાં ઓછા 20 રનની ઇનિંગ માટે આ સૌથી વધુ સ્ટ્રાઇક રેટ છે.
Michael Leask made an impact with bat and ball in Scotland’s win over Italy #T20WorldCup pic.twitter.com/FwIlTU5zxg
— ESPNcricinfo (@ESPNcricinfo) February 9, 2026
અગાઉ, આ રેકોર્ડ વેસ્ટ ઈન્ડીઝના ભૂતપૂર્વ બેટ્સમેન ડ્વેન સ્મિથના નામે હતો, જેણે 2007માં બાંગ્લાદેશ સામે 7 બોલમાં 29 રન બનાવ્યા હતા. જોકે, પચાસથી વધુના સ્કોર માટે સૌથી વધુ સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ યુવરાજ સિંહના નામે છે. યુવરાજે 2007 ના T20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામે 16 બોલમાં 58 રન બનાવીને આ રેકોર્ડ બનાવ્યો હતો , જેમાં યુવરાજ સિંહનો સ્ટ્રાઇક રેટ 362.5 હતો.
ઇટાલી સામે જીત સાથે સ્કોટલેન્ડ પોઈન્ટ ટેબલમાં ગ્રુપ C ઈંગ્લેન્ડને પાછળ છોડીને બીજા સ્થાને પહોંચી ગયું છે. સ્કોટલેન્ડે પોતાની બે મેચોમાંથી એક જીતી છે અને તેનો નેટ રન રેટ ઈંગ્લેન્ડ કરતા સારો છે, જોકે ઈંગ્લેન્ડે ફક્ત એક જ મેચ રમી છે. સ્કોટલેન્ડનો આગામી મુકાબલો ઈંગ્લેન્ડ સામે જ છે. બંને વચ્ચેની આ મેચ પોઈન્ટ ટેબલમાં બીજો મોટો અપસેટ લાવી શકે છે.