ભારતીય ક્રિકેટ ટીમે શનિવારની રાત્રે દેશભરમાં દિવાળી જેવો માહોલ બનાવી દીધો હતો. 11 વર્ષથી જેની રાહ જોવામાં આવી રહી હતી તેનો અંત રોહિત શર્મા એન્ડ કંપનીએ લાવી દીધો છે. T20 વિશ્વકપ ભારતીય ટીમે 17 વર્ષ બાદ જીત્યો છે. રોહિત શર્મા ભારતીય ટીમનો બીજો સુકાની છે કે, જેણે એમએસ ધોની બાદ T20 વિશ્વકપ જીતાડ્યો છે. ભારતીય ટીમ T20 વિશ્વ ચેમ્પિયન બનવા સાથે જ ધનવર્ષા થઈ છે.
ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હાર્યા વિના ભારતીય ટીમ T20 વિશ્વકપ 2024 વિજેતા થઈ છે. ગ્રુપ અને સુપર-8 તબક્કામાં ભારતીય ટીમે હરીફોને ધૂળ ચટાડી હતી. સેમીફાઈનલમાં પણ ઈંગ્લેન્ડની ટીમને હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ફાઈનલની રોમાંચક મેચમાં પણ ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવીને ટ્રોફી પોતાના હાથોમાં ઉંચકી છે. આ સાથે જ ભારતીય ટીમને કરોડો રુપિયા પ્રાઈસ મનીના રુપમાં મળ્યા છે.
ભારતીય ટીમ હવે T20 ક્રિકેટમાં વિશ્વ વિજેતા છે. દક્ષિણ આફ્રિકાને હરાવીને ટ્રોફી ભારતીય ટીમે શનિવારે રાત્રે પોતાને નામ કરી છે. આ સાથે જ ભારતીય ક્રિકેટ ટીમને 2.45 મિલિયન ડોલર રકમ ઈનામ મળી છે. એટલે કે ભારતીય ટીમને 20.42 કરોડ રુપિયા ભારતીય ચલણ મુજબ ઈનામ રુપે મળ્યા છે. જ્યારે આ ઉપરાંત ટૂર્નામેન્ટમાં દરેક મેચ જીતવા બદલ 31,154 ડોલરનું અલગ ઈનામ પ્રતિ મેચ મળ્યું છે. આમ પ્રતિ જીત દીઠ 26 લાખ રુપિયા અલગથી ઈનામ મળ્યું છે. ભારતીય ટીમે કુલ 22.76 કરોડ રુપિયા કુલ ઈનામ ટૂર્નામેન્ટમાં મેળવ્યું છે.
જ્યારે દક્ષિણ આફ્રિકા પ્રથમ વાર વિશ્વકપ ફાઈનલમાં પહોંચીને રનર-અપ રહ્યું છે. દક્ષિણ આફ્રિકાની ટીમને પણ કરોડો રુપિયા પ્રાઈઝ મની મળી છે. દક્ષિણ આફ્રિકાને 1.28 મિલિયન ડોલર ઈનામ મળ્યું છે. જે ભારતીય ચલણ મુજબ 10.67 કરોડ રુપિયાની રકમ મળી છે. જે રકમ ચેમ્પિયન ટીમથી અડધી જેટલી છે. દક્ષિણ આફ્રિકાને ટૂર્નામેન્ટમાં 8 મેચમાં જીત બદલ 2.7 કરોડ રપિયા અલગથી મળ્યા છે. આમ દક્ષિણ આફ્રિકાને 12.7 કરોડ રુપિયા ઈનામી રકમ મળી છે.
ICC એ સેમીફાઈનલમાં પહોંચનારી ટીમનો પણ ઈનામની રકમ આપી છે. એટલે કે સેમીફાઈનલ હારીને પણ કરોડો રુપિયા તે ટીમને ઈનામ રુપે રકમ મળી છે. જેમાં અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમોને 7,87,500 ડોલરની રકમ અપાઈ છે. એટલે કે, 6.65 કરોડ રુપિયાની રકમ મળી છે. જ્યારે આ આ બંને ટીમોને દરેક જીત માટે અલગથી 26 લાખ રુપિયાની રકમ મળી છે.
T20 વિશ્વકપ 2024ના સુપર-8 તબક્કામાં પહોંચેલી ટીમોને પણ ICC એ રકમ આપી છે. સુપર-8 સુધી પહોંચનારી ટીમોને 3.18 કરોડ રુપિયાની રકમ મળી છે. વેસ્ટ ઈન્ડિઝ, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ અને અમેરિકા પણ બહાર ફેંકાઈ ગયા હતા. આ ટીમોને પણ અહીં સુધી પહોંચવા બદલ 3.18 કરોડ રુપિયાની રકમ મળી છે, જ્યારે 26 લાખ રુપિયા પ્રતિ વિજયી મેચના રુપમાં રકમ મળી છે.
તો વળી ગૃપ તબક્કામાં રહેલી ટીમોને પણ રકમ આપવામાં આવી છે. અહીં દરેક મેચ જીતવા બદલ 26 લાખ રુપિયા તો ટીમને મળ્યા છે. સાથે જ આ તબક્કામાં રમવા બદલ 2 કરોડ 6 લાખ રુપિયાની રકમ પણ 9 થી 12 રેન્કમાં રહેનારી ટીમને ચૂકવવામાં આવી છે. જ્યારે 13 થી 20 સુધીમાં રહેનારી ટીમનો 1.87 કરોડ રુપિયાની રકમ અપાઈ છે.