
ભારતીય T20I ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ICC T20I બેટિંગ રેન્કિંગમાં શાનદાર વાપસી કરી છે. ગયા અઠવાડિયે 12મા ક્રમે રહેલા સૂર્યકુમાર હવે સીધા 7મા સ્થાને પહોંચી ગયા છે. ન્યુઝીલેન્ડ સામેની T20I શ્રેણીમાં તેમના વિસ્ફોટક પ્રદર્શનના કારણે તેમને આ મોટો ફાયદો થયો છે.
નવાં ICC T20I રેન્કિંગમાં સૂર્યકુમાર યાદવે ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, ટિમ સીફર્ટ, ટિમ ડેવિડ અને ડેવાલ્ડ બ્રેવિસ જેવા દિગ્ગજ બેટ્સમેનોને પાછળ છોડ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ટોચના 10માંથી બહાર ગયેલા સૂર્યાએ હવે ફરી એકવાર ટોચના ખેલાડીઓમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે.
ન્યુઝીલેન્ડ સામેની T20I શ્રેણીમાં સૂર્યકુમાર યાદવે અદભૂત પ્રદર્શન કર્યું છે. ત્રણ મેચમાં તેણે કુલ 171 રન બનાવ્યા છે, જે શ્રેણીમાં સૌથી વધુ છે. છેલ્લી બે મેચમાં તેણે સતત અડધી સદી ફટકારી છે અને તેનો સરેરાશ 171 રહ્યો છે. ખાસ વાત એ છે કે, તેનો સ્ટ્રાઇક રેટ 200થી વધુનો રહ્યો છે.
આ શ્રેણીમાં સૂર્યકુમાર યાદવે 8 છગ્ગા અને 19 ચોગ્ગા ફટકાર્યા છે. શ્રેણીમાં હજી બે મેચ બાકી હોવાથી, જો તે આવી જ ગતિથી રન બનાવતો રહ્યો તો ICC રેન્કિંગમાં તે વધુ ઉપર જઈ શકે છે.
સૂર્યકુમાર યાદવ માત્ર બેટિંગમાં જ નહીં, પરંતુ કેપ્ટન તરીકે પણ પોતાની પ્રતિભા સાબિત કરી રહ્યો છે. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેનો સરેરાશ 35થી વધુ અને સ્ટ્રાઇક રેટ 165નો છે. કેપ્ટન તરીકે તેણે આજ સુધી કોઈ પણ T20 શ્રેણી હારી નથી.
T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૂર્યકુમારના નામે ચાર સદી નોંધાયેલી છે. તેની આગેવાની હેઠળ ભારતે એશિયા કપ પણ જીત્યો છે, જે તેની નેતૃત્વ ક્ષમતાને વધુ મજબૂત બનાવે છે.
ICC T20 રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓનો પ્રભાવ સ્પષ્ટ જોવા મળે છે. બેટિંગ રેન્કિંગમાં અભિષેક શર્મા નંબર વન સ્થાને છે, જ્યારે તિલક વર્મા ત્રીજા ક્રમે છે. સૂર્યકુમાર યાદવ સાતમા સ્થાને મજબૂતીથી ટક્યો છે.
બોલિંગ રેન્કિંગમાં જસપ્રીત બુમરાહ ચાર બોલરોને પાછળ છોડીને 13મા સ્થાને પહોંચ્યો છે, જ્યારે વરુણ ચક્રવર્તી પ્રથમ સ્થાને યથાવત છે. ઓલરાઉન્ડરોની યાદીમાં હાર્દિક પંડ્યા એક સ્થાન આગળ વધીને ત્રીજા ક્રમે પહોંચી ગયો છે.
Breaking News : ટીમ ઈન્ડિયાની ચોથી જીત, હવે ચાહકોની નજર ભારત-પાકિસ્તાનની હાઈવોલ્ટેજ મેચ પર રહેશે