આઈપીએલ 2022 ની હરાજી (IPL 2022 Auction) માં, જ્યારે હરાજીમાં સુરેશ રૈના (Suresh Raina) નું નામ બોલાવવામાં આવ્યું અને ચેન્નાઈ સુપર કિંગ્સે તેના માટે બોલી લગાવી ન હતી ત્યારે બધા દંગ રહી ગયા હતા. લોકોએ વિચાર્યું હતું કે પહેલા નહી તો અંતમાં ટીમ ધોની (MS Dhoni) એટલે કે ચેન્નાઈ તેને ચોક્કસપણે પોતાની ટીમમાં સામેલ કરશે પરંતુ એવું થયું નહીં. ચેન્નાઈ સુપર કિંગ્સે સુરેશ રૈનાને ખરીદ્યો ન હતો જ્યારે તેણે તેની 25 ખેલાડીઓની ટીમ પૂરી કરી હતી પરંતુ, રૈનાને નહીં ખરીદ્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ હતી. જોકે ટીમના સીઈઓ કાશી વિશ્વનાથને કહ્યું હતું કે તે ટીમના સેટઅપમાં ફિટ નહોતો બેસી રહ્યો.
હવે ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અને કોમેન્ટેટર સિમોન ડૂલે રૈનાને ન ખરીદવાનું કારણ આપ્યું છે. સિમોન ડૂલે કહ્યું કે હકીકતમાં રૈનાએ ધોનીની વફાદારી ગુમાવી દીધી હતી, તેથી તેને ચેન્નાઈ સુપર કિંગ્સે ખરીદ્યો ન હતો.
મીડિયા રીપોર્ટ મુજબ સિમોન ડૂલે એક વાતચીતમાં કહ્યું, ‘તેના બે-ત્રણ હિસ્સા છે. રૈનાએ યુએઈમાં પોતાની વફાદારી ગુમાવી દીધી હતી. શું થયું તે જોવા હું ત્યાં જવા માંગતો ન હતો પરંતુ ચર્ચાઓ એવી છે કે તેણે તેની વફાદારી ગુમાવી દીધી હતી. તેણે એમએસ ધોનીની વફાદારી ગુમાવી દીધી હતી. એકવાર તમે તેમ કરી લીધુ, પછી ફરીથી આવકારવું મુશ્કેલ છે. ઉપરાંત, રૈના ફિટ નહોતો અને તે શોર્ટ બોલથી પણ ડરે છે.
અનસોલ્ડ રહેલા સુરેશ રૈનાએ આઈપીએલ 2020ને શરુઆતમાં જ છોડી ભારત પરત ફર્યા હતા. કોરોનાના કારણે જે IPL સિઝન UAEમાં યોજાઈ હતી. એવું માનવામાં આવે છે કે કેટલાક વિવાદોને કારણે રૈના તે સિઝનમાં રમ્યો ન હતો. આ પછી રૈનાએ IPL 2021માં ચોક્કસપણે પુનરાગમન કર્યું પરંતુ તેને મહત્વપૂર્ણ મેચોથી દૂર રાખવામાં આવ્યો. ત્યારબાદ રૈનાની ગેરહાજરીમાં પણ CSKનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. આ સિવાય સીએસકેને મોઈન અલીના રુપમાં ત્રીજા નંબર પર એક અદ્ભુત ખેલાડી મળ્યો, જેણે રૈનાનું મહત્વ વધુ ઘટાડ્યું.
મીસ્ટર આઈપીએલના નામથી જાણીતા સુરેશ રૈનાનું ચેન્નાઈ સુપર કિંગ્સની સફળતામાં મોટો ફાળો છે. રૈનાએ આઈપીએલમાં 205 મેચ રમી હતી જેમાં તેના બેટથી 5528 રન બનાવ્યા હતા. રૈનાના નામે પણ એક IPL સદી અને 39 અડધી સદી છે. ચેન્નાઈ ઉપરાંત સુરેશ રૈનાએ IPL 2016 અને 2017માં ગુજરાત લાયન્સની કેપ્ટનશિપ પણ કરી છે. સુરેશ રૈનાએ એક ખેલાડી તરીકે ચેન્નાઈ સાથે તમામ ચાર ખિતાબ જીત્યા હતા. પરંતુ હવે રૈના જેવો મહત્વનો ખેલાડી ચેન્નાઈની બહાર થઈ ગયો છે.
Published On - 9:00 am, Thu, 17 February 22