
ટી20 વિશ્વ કપ 2026 ના 31માં મુકાબલામાં ન્યૂઝીલેન્ડ અને કેનેડા વચ્ચે ટક્કર થઈ હતી. આ મેચમાં કિવી ટીમે શાનદાર પ્રદર્શન કરતા 8 વિકેટે જીત મેળવી લીધી છે.
કેનેડા માટે આ ટુર્નામેન્ટની સતત ત્રીજી હાર હતી. આ સાથે જ કેનેડાની ટીમ સત્તાવાર રીતે ટુર્નામેન્ટમાંથી બહાર (એલિમિનેટ) થઈ ગઈ છે. ન્યૂઝીલેન્ડ માટે આ મેચમાં ગ્લેન ફિલિપ્સ અને રચિન રવિન્દ્રએ શાનદાર અડધી સદી ફટકારી હતી. કિવી ટીમ માટે આ જીત એટલા માટે પણ ખાસ રહી, કારણ કે ટીમે સુપર-8 માટે ક્વોલિફાય કરી લીધું છે. ટીમે ગ્રુપ સ્ટેજમાં રમાયેલી 4 માંથી 3 મેચમાં જીત મેળવી લીધી છે.
જણાવી દઈએ કે, ન્યૂઝીલેન્ડની શરૂઆત સારી રહી નહોતી અને ચોથી ઓવર સુધીમાં તેણે પોતાના બંને ઓપનિંગ બેટ્સમેન ટિમ સીફર્ટ (06) અને ફિન એલન (21) ની વિકેટ ગુમાવી દીધી હતી. એલને ડિલન હેઈલિગરના બોલ પર ચોગ્ગો અને છગ્ગો ફટકાર્યો હતો પરંતુ આ જ બોલરે તેની પછીની ઓવરમાં તેને પેવેલિયન ભેગો કરી દીધો હતો. ન્યૂઝીલેન્ડે પાવરપ્લેમાં બે વિકેટના નુકસાને 60 રન બનાવ્યા હતા.
કેનેડાની ટીમ આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. કેનેડા ટીમ તરફથી યુવરાજ સામરાએ શાનદાર બેટિંગ કરતા સદી ફટકારી હતી. સામરાએ 65 બોલનો સામનો કરીને 110 રનની તોફાની ઈનિંગ રમી હતી.
ન્યૂઝીલેન્ડને તેના ઝડપી બોલરો પર પૂરો ભરોસો હતો પરંતુ યુવરાજ સામે તેમનું કંઈ જ ચાલ્યું નહીં. કિવી ટીમ તરફથી જેકબ ડફી, કાઇલ જેમીસન, મેટ હેનરી અને જેમ્સ નીશમે એક-એક વિકેટ ઝડપી હતી. યુવરાજની આ શાનદાર ઈનિંગને કારણે જ ટીમે 20 ઓવરમાં 173 રનનો સ્કોર બનાવ્યો હતો, જેને વિરોધી ટીમે (ન્યૂઝીલેન્ડ) સરળતાથી હાંસલ કરી લીધો હતો.
Published On - 2:45 pm, Tue, 17 February 26