ભારતને ICC વુમન્સ ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની મળતાં શ્રીલંકાને 188 કરોડ રૂપિયાનું નુકસાન
મહિલા ક્રિકેટ ઇતિહાસની પ્રથમ ICC મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી હવે ભારતમાં રમાશે. અગાઉ આ ટુર્નામેન્ટની યજમાની શ્રીલંકાને સોંપવામાં આવી હતી, પરંતુ ICCએ યજમાન અધિકારો પાછા ખેંચી ભારતને આપ્યા છે. આ નિર્ણયથી શ્રીલંકા ક્રિકેટને અંદાજે 20 મિલિયન ડોલર એટલે કે લગભગ ₹188 કરોડની આવકનું નુકસાન થઈ શકે છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે (ICC) મહિલા ક્રિકેટ માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. 2027માં યોજાનારી પ્રથમ ICC મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની હવે ભારત કરશે. અગાઉ આ ટુર્નામેન્ટ શ્રીલંકામાં યોજાવાની હતી, પરંતુ યજમાન અધિકારો બદલાયા બાદ ભારતને આ મોટી જવાબદારી મળી છે. જોકે, આ નિર્ણય શ્રીલંકા ક્રિકેટ માટે મોટો આર્થિક ફટકો સાબિત થઈ શકે છે.
શ્રીલંકા ક્રિકેટને ₹188 કરોડનું નુકસાન
અહેવાલો અનુસાર, યજમાનપદ ગુમાવવાથી શ્રીલંકા ક્રિકેટને અંદાજે 20 મિલિયન ડોલર એટલે કે લગભગ ₹188 કરોડનું નુકસાન થઈ શકે છે. ટુર્નામેન્ટની યજમાની મળવાથી સ્પોન્સરશિપ, ટિકિટ વેચાણ, હોટેલ અને અન્ય વ્યાપારી પ્રવૃત્તિઓમાંથી મોટી આવક થવાની હતી. હવે યજમાન અધિકારો ભારતને મળતા શ્રીલંકા આ સંભવિત આવકથી વંચિત રહેશે.
ICCએ લીધો મોટો નિર્ણય
ICCએ શ્રીલંકા પાસેથી યજમાન અધિકારો પાછા લીધા બાદ ભારત, બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકાના નામ વિકલ્પ તરીકે ચર્ચામાં હતા. અંતે ભારતને યજમાન તરીકે પસંદ કરવામાં આવ્યું. આ નિર્ણયથી ભારતને મહિલા ક્રિકેટની વધુ એક મોટી ICC ટુર્નામેન્ટનું આયોજન કરવાની તક મળી છે, જ્યારે શ્રીલંકાને આર્થિક રીતે મોટું નુકસાન સહન કરવું પડી શકે છે.
મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી શ્રીલંકાના હાથમાંથી ગઈ
શ્રીલંકા ક્રિકેટમાં શાસન અને સરકારી દખલગીરીને લઈને લાંબા સમયથી પ્રશ્નો ઊભા થતા રહ્યા છે. ICCના નિયમો અનુસાર સભ્ય દેશના ક્રિકેટ બોર્ડની કામગીરીમાં રાજકીય દખલગીરી સ્વીકાર્ય નથી. આ મુદ્દાઓના કારણે શ્રીલંકાએ અગાઉ પણ મોટી ICC ઇવેન્ટની યજમાની ગુમાવી હતી અને હવે મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી પણ તેના હાથમાંથી નીકળી ગઈ છે.
14થી 28 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે ટુર્નામેન્ટ
ICC મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી 2027નું આયોજન 14થી 28 ફેબ્રુઆરી દરમિયાન ભારતમાં થશે. છ ટીમો વચ્ચે રમાનારી આ ટુર્નામેન્ટની મેચો મુંબઈ અને વડોદરામાં યોજાશે. ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા તેમાં ભાગ લેશે. આમ, યજમાનપદ ભારતને મળવું મહિલા ક્રિકેટ માટે ખુશખબર છે, પરંતુ શ્રીલંકા ક્રિકેટ માટે તે કરોડો રૂપિયાના નુકસાન સાથે મોટો ઝટકો સાબિત થયો છે.
