શુભમન ગિલ (Shubman Gill)એ આઈપીએલ (IPL 2022) ની સિઝન માટે અમદાવાદની ટીમ ગુજરાત ટાઇટન્સ સાથે જોડાયો છે. અમદાવાદ ફ્રેન્ચાઈઝીએ આજે સ્ટાર સ્પોર્ટ્સમાં પોતાની ટીમનું નામ ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) નામ જાહેર કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ગુજરાત ટાઈટન્સ ટીમે સુકાની તરીકે લોકલ બોય હાર્દિક પંડ્યા પર પસંદગી ઉતારી છે. જ્યારે અન્ય રિટેન કરાયેલા ખેલાડીઓમાં શુભમન ગિલ અને રાશિદ ખાન છે.
અમદાવાદ ફ્રેન્ચાઈઝીએ પોતાની ટીમનું નામ જાહેર કર્યા બાદ શુભમન ગિલે પહેલીવાર પોતાની પ્રતિક્રિયા આપી છે. શુભમન ગિલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને આઈપીએલમાં નવી ટીમ માટે ભારે ઉત્સુકતા જાહેર કરી હતી. શુભમન ગિલે કહ્યું કે “ગુજરાત ટાઈટન્સની સાથે આઈપીએલના અભિયાનની શરૂઆત કરવા માટે ઘણો ઉત્સાહિત છું. હું મારી ટીમની જર્સી પહેરીને મેદાન પર ઉતરવા માટે તૈયાર છું. મારૂ ધ્યાન મારૂ પ્રદર્શન સર્વશ્રેષ્ઠ આપવા પર છે અને ગુજરાતના લોકોને ખુશ કરવા પર છે. ચલો ટાઇટન્સ.”
તમને જણાવી દઈએ કે ગુજરાત ટાઈટન્સ સાથે જોડાતા પહેલા શુભમન ગિલ પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે રમતો હતો. તેણે 2018માં પોતાનું આઈપીએલ ડેબ્યુ કર્યું અને કોલકાતા ટીમ માટે 58 મેચ રમી. કોલકાતા ટીમ માટે શુભમન ગિલે 31.49ની એવરેજથી 1,417 રન બનાવ્યા છે. જેમાં તેણે 10 અડધી સદી ફટકારી છે અને ત્રણવાર મેન ઓફ ધ મેચનું ટાઈટલ જીત્યો છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ગુજરાત ટાઈટન્સ સાથે તેનું પ્રદર્શન કેવું રહેશે.
શુભમન ગિલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કર્યા બાદ ઘણા લોકોએ પ્રતિક્રિયા આપી હતી. જેમાં ગુજરાતની ટીમે કોમેન્ટ કરી કહ્યું હતું કે, ‘શુભારંભ શુભમ’. તો તેના પુર્વ કોલકાતા ટીમના સાથી નાગરકોટીએ પણ તેને શુભેચ્છા પાઠવી હતી. તો દિલ્હી કેપિટલ્સના ઓલરાઉન્ડર અને ગુજરાતી ખેલાડી અક્ષર પટેલે પણ કોમેન્ટ કરી હતી અને કહ્યું કે, ‘ગુજરાતના લોકોને ખુશ રાખજે.’
આઈપીએલ 2022ની હરાજીમાં ગુજરાત ટાઈટન્સ વધુ ખેલાડીઓને ખરીદશે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે હાર્દિક પંડ્યા, શુભમન ગિલ અને રાશિદ ખાન સાથે ક્યા ખેલાડીઓ જોડાશે.
આ પણ વાંચો : IPL Auction: વિજય માલ્યા જ્યારે યુવરાજ સિંહને ખરીદવાને લઈને ગુસ્સે થયા, ત્યારે ફરીથી હરાજી કરવી પડી
આ પણ વાંચો : IPL 2022 Retained Players: 10 ટીમોએ 33 ખેલાડીઓને કર્યા રિટેન, હવે કઇ ટીમ પાસે કેટલા સ્થાન રહ્યા છે બાકી, જાણો