Breaking News: એડન મારક્રમના ‘ક્લાસ’ આગળ કાંગારુ ધરાશાયી, આફ્રિકાએ 27 વર્ષ પછી ICC ટ્રોફી પોતાના નામે કરી

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ 2025 (WTC Final 2025)માં સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવીને પોતાની પહેલી WTC ટ્રોફી પોતાના નામે કરી છે. લંડનના લોર્ડ્સ મેદાનમાં રમાયેલ આ મેચ 11 થી 14 જૂન દરમિયાન ચાલી.

Breaking News: એડન મારક્રમના ક્લાસ આગળ કાંગારુ ધરાશાયી, આફ્રિકાએ 27 વર્ષ પછી ICC ટ્રોફી પોતાના નામે કરી
| Updated on: Jun 15, 2025 | 12:34 PM

લોર્ડ્સના ઐતિહાસિક મેદાનમાં સાઉથ આફ્રિકાએ ‘ઐતિહાસિક’ જીત મેળવીને પોતાના પરથી ‘ચોકર્સ’નું ટેગ હટાવી કાઢ્યું છે. જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગ્સમાં માત્ર 212 રન અને બીજી ઇનિંગ્સમાં 207 રન બનાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયા તરફથી પ્રથમ ઇનિંગ્સમાં બ્યુ વેબસ્ટર અને સ્ટીવન સ્મિથે બાજી સંભાળી હતી. બ્યુ વેબસ્ટરે 11 ચોગ્ગા ફટકારીને 72 રનની ઇનિંગ્સ રમી હતી, જ્યારે સ્ટીવન સ્મિથે 10 ચોગ્ગા ફટકારીને 66 રન બનાવ્યા હતા. આફ્રિકા તરફથી રબાડાએ 5 વિકેટ ખેરવી હતી અને માર્કો જેન્સેને 3 વિકેટ પોતાના નામે કરી હતી.

ઓસ્ટ્રેલિયાએ વર્ચસ્વ જમાવ્યું

પ્રથમ ઇનિંગ્સના જવાબમાં ઉતરેલી સાઉથ આફ્રિકન ટીમ પ્રથમ ઇનિંગ્સમાં કઈ ખાસ દમખમ દેખાડી શકી નહોતી અને માત્ર 138 રન પર સમેટાઈ ગઈ હતી. સાઉથ આફ્રિકાના ઘણીને માંડ 2 બેટ્સમેન જ કાંગારૂ બોલર્સ સામે ટકી શક્યા હતા.

ડેવિડ બેડિંગહામે 45 રન અને કેપ્ટન બાવુમાએ 36 રન બનાવ્યા હતા. આ સિવાય અન્ય કોઈ બેટ્સમેન લયમાં જોવા મળ્યો નહોતો. ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન કમિન્સે પહેલી ઇનિંગ્સમાં 6 વિકેટ લઈને આફ્રિકન બેટિંગ લાઇન-અપને અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું.

આફ્રિકાનું કમબેક પાકાપાયે

પ્રથમ ઇનિંગ્સમાં ઓસ્ટ્રેલિયાએ 74 રનની લીડ મેળવી હતી. જો કે, આ 74 રનની લીડ પર આફ્રિકાના બોલર્સે પાણી ફેરવી કાઢ્યું હતું અને ઓસ્ટ્રેલિયાને બેકફૂટ પર ધકેલી નાખ્યું હતું. બીજી ઇનિંગ્સમાં ઓસ્ટ્રેલિયા ફક્ત 207 રન જ બનાવી શકી હતી.

બીજી ઇનિંગ્સમાં એલેક્સ કેરીએ મહત્ત્વપૂર્ણ 43 રન બનાવ્યા હતા. આ સિવાય મિચેલ સ્ટાર્કે 58 રન કરીને ટીમનો સ્કોર 200 રનને પાર કર્યો હતો. આફ્રિકા તરફથી રબાડાએ 4 વિકેટ અને લુંગી નગિડીએ 3 વિકેટ ખેરવી હતી.

બીજી ઇનિંગ્સ અને એમાંય લીડ મેળવ્યા બાદ ઓસ્ટ્રેલિયાએ આફ્રિકાને 282 રનનો લક્ષ્ય આપ્યો હતો. લક્ષ્યનો પીછો કરતાં આફ્રિકાએ ફરી એકવાર ખરાબ શરૂઆત કરી અને રાયન રિકેલ્ટન (6)ની ગુમાવી હતી. જો કે, ત્યારબાદ વિઆન મુલ્ડર અને એડન મારક્રમે આફ્રિકાની બાજી સંભાળી હતી. મુલ્ડર 27 રન કરીને મિચેલ સ્ટાર્કનો શિકાર બન્યો હતો.

બાવુમા અને એડન મારક્રમ આગળ ઓસ્ટ્રેલિયા બેકફૂટ પર

આ પછી બાવુમાએ અને એડન મારક્રમે 147 રનની ભાગીદારી કરીને આફ્રિકાની જીતનો પાયો નાખ્યો હતો. જણાવી દઈએ કે, એડન મારક્રમે મેચ વિનિંગ સદી ફટકારી હતી. જેમાં તેણે 14 ચોગ્ગા ફટકાર્યા હતા. મારક્રમે 136 રન અને બાવુમાએ 66 રન બનાવ્યા હતા.

અંતમાં ડેવિડ બેડિંગહામે કાયલ વેરેન સાથે મળીને જીતની ઔપચારિકતા પૂરી કરી હતી. આ જીત સાથે જ સાઉથ આફ્રિકાની ટીમે 27 વર્ષનો જે ICC ટ્રોફીનો દુકાળ હતો તેનો અંત કર્યો છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Published On - 6:15 pm, Sat, 14 June 25