મહિલા T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સામે હારીને ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી. મજબૂત ટીમ હોવા છતાં ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં જગ્યા બનાવી શકી નથી. તેથી, BCCI એક્શન મોડમાં છે અને ટૂંક સમયમાં હરમનપ્રીત કૌરને હટાવીને નવી કેપ્ટન પસંદ કરી શકે છે. જો આમ થાય છે તો ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ માટે બે ખેલાડીઓને સૌથી મોટા દાવેદાર માનવામાં આવી રહ્યા છે.
35 વર્ષની હરમનપ્રીતની નિષ્ફળતા અને ઉંમરને ધ્યાનમાં રાખીને BCCI હવે ટીમ ઈન્ડિયામાં કેટલાક ફેરફાર કરવા માંગે છે. કારણ કે આવતા વર્ષે એટલે કે 2025માં ભારતમાં મહિલા ODI વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. એક અહેવાલ મુજબ બોર્ડ આ પહેલા નવા કેપ્ટનની પસંદગી કરી શકે છે. જો આમ થશે તો પહેલો વિકલ્પ ટીમ ઈન્ડિયાની વર્તમાન વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાના હશે.
મંધાના હાલમાં 28 વર્ષની છે અને તેણે ODI વર્લ્ડ કપ અને T20 વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટ રમી છે. આનો મતલબ એ છે કે યુવાન હોવાની સાથે તેની પાસે અનુભવ પણ છે અને તે લાંબા સમય સુધી ટીમનું નેતૃત્વ કરી શકે છે. આ સિવાય પ્રદર્શનના મામલે તે ટીમના શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક છે. જો કે, મિડલ ઓર્ડર બેટ્સમેન જેમિમાહ રોડ્રિગ્સ એક એવી ખેલાડી છે જેને મંધાના કરતાં મોટી દાવેદાર માનવામાં આવે છે.
Former Indian captain Mithali Raj backs Jemimah Rodrigues as a future T20I captain if India moves past Harmanpreet Kaur. pic.twitter.com/OouatBqffD
— CricTracker (@Cricketracker) October 16, 2024
જો કે હરમનપ્રીત કૌરની ઉત્તરાધિકારી સ્મૃતિ મંધાના છે, પરંતુ જેમિમાહ રોડ્રિગ્સ તેનાથી પણ મોટી દાવેદાર માનવામાં આવી રહી છે. પૂર્વ ખેલાડી અને કેપ્ટન મિતાલી રાજે પણ જેમિમાહને કેપ્ટન બનાવવાની માંગ કરી છે. તેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે તેની આખી ટીમ સાથે સારી બોન્ડિંગ છે. તે ટીમમાં સારા અને હળવા વાતાવરણને જાળવી રાખવા માટે જાણીતી છે.
જેમિમાહ ઘણીવાર તમામ ખેલાડીઓનું મનોરંજન કરતી જોવા મળે છે. તેથી જ તેને સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. આ સિવાય તે હરમનપ્રીત પછી મિડલ ઓર્ડરમાં સૌથી મહત્વપૂર્ણ બેટ્સમેન છે. આ સિવાય મંધાનાની જેમ તેને પણ મોટી ટુર્નામેન્ટમાં રમવાનો અનુભવ છે. તેની ગણતરી મેદાન પરના સૌથી ઝડપી ખેલાડીઓમાં પણ થાય છે. સૌથી મોટી વાત એ છે કે તેની ઉંમર માત્ર 24 વર્ષ છે, એટલે કે તે મંધાના કરતાં વધુ સમય સુધી કેપ્ટનશિપ કરી શકશે.
આ પણ વાંચો: IND vs NZ: બેંગલુરુ ટેસ્ટના સમયમાં થયો ફેરફાર, હવે જલ્દી શરૂ થશે મેચ, જાણો કેવું રહેશે હવામાન?