
રિંકુ સિંહ (Rinku Singh)નું નામ ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે રિંકુએ કંઈ નવું કર્યું નથી. તે જે કરતો આવ્યો છે તે જ રિંકુએ ફરી કરી બતાવ્યું છે. તેને મેદાનમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો હતો. અન્ય રાજ્યોની જેમ ઉત્તર પ્રદેશે પણ તેની T20 લીગ (UP T20 League) શરૂ કરી છે અને રિંકુએ આ લીગમાં ધમાલ મચાવી છે. રિંકુ આ લીગમાં મેરઠ મેવેરિક્સ વતી રમી રહ્યો છે. ગુરુવારે આ ટીમનો સામનો કાશી રુદ્રસ સાથે થયો હતો. મેચ ખૂબ જ રોમાંચક હતી અને સુપર ઓવરમાં ગઈ અને અહીં રિંકુએ કમાલ કરી હતી. રિંકુએ પોતાની શાનદાર બેટિંગથી ટીમને જીત અપાવી હતી. રિંકુની આ ઇનિંગે તેની IPL ઇનિંગ્સની યાદોને તાજી કરી છે જેણે તેને ખ્યાતિ અપાવી હતી.
મેચનું 40 ઓવર પછી પરિણામ નક્કી થઈ શક્યું ન હતું કારણ કે બંને ટીમોનો સ્કોર સમાન હતો. પ્રથમ બેટિંગ કરતા કાશીએ 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા. મેરઠની ટીમે પણ 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા. મેચ સુપર ઓવરમાં ગઈ જ્યાં રિંકુએ કમાલ કરી હતી.
સુપર ઓવરમાં કાશીની ટીમે પ્રથમ બેટિંગ કરીને એક વિકેટ ગુમાવીને 16 રન બનાવ્યા હતા. રિંકુ મેરઠ તરફથી બેટિંગ કરવા આવ્યો અને લેફ્ટ આર્મ સ્પિનર યોગેન્દ્ર દોયલની ઓવરમાં ત્રણ સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી. રિંકુએ IPL-2023માં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમતા આવી જ દમદાર ઈનિંગ રમી હતી. ગુજરાત ટાઈટન્સ સામે કોલકત્તાને છેલ્લી ઓવરમાં 27 રનની જરૂર હતી.
રિંકુએ ગુજરાતના ફાસ્ટ બોલર યશ દયાલની ઓવરમાં પાંચ બોલમાં સતત પાંચ સિક્સર ફટકારીને ટીમને જીત તરફ દોરી હતી. આ ઈનિંગના આધારે રિંકુ દુનિયાભરમાં ફેમસ થઈ ગયો. હાલમાં જ તેણે આયર્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયા માટે T20 ડેબ્યૂ કર્યું હતું અને અહીં પણ તેણે બીજી મેચમાં પોતાની પ્રતિભા બતાવી હતી.
આ પણ વાંચો : Asia Cup 2023: ટીમની જર્સીને લઈ પાકિસ્તાનમાં હંગામો, ફેન્સે PCBને કર્યું ટ્રોલ, જાણો સમગ્ર મામલો
આ મેચમાં કાશીની ટીમે પ્રથમ બેટિંગ કરી હતી. ઓપનર કર્ણ શર્માએ 44 બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 58 રનની ઇનિંગ રમી હતી. શિવમ બંસલે 41 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 57 રન બનાવ્યા હતા. છેલ્લી ઓવરોમાં અંકુર મલિકે 16 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 28 રન બનાવ્યા હતા. મેરઠ તરફથી માધવ કૌશિકે જોરદાર બેટિંગ કરી હતી. 52 બોલનો સામનો કરીને તેણે નવ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી અણનમ 87 રન બનાવ્યા હતા. રિંકુએ 22 બોલમાં 15 રન બનાવ્યા જેમાં એક સિક્સર પણ સામેલ હતી પરંતુ તેણે સુપર ઓવરમાં આ ધીમી ઈનિંગ્સને સરભર કરતા સુપર ઓવરમાં ધમાકેદાર બેટિંગ કરી હતી.