મુંબઈના યુવા ક્રિકેટર સિદ્ધાર્થ મોહિતે (Siddarth Mohite) સૌથી લાંબી બેટિંગનો રેકોર્ડ (World Record For Batting Longest) બનાવવાના પ્રયાસમાં નેટ સેશન દરમિયાન ક્રિઝ પર 72 કલાક, પાંચ મિનિટ વિતાવી હતી. હવે તે તેની સિદ્ધિને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ (Guinness Book of World Record) દ્વારા માન્યતા મળે તેની રાહ જોઈ રહ્યો છે. 19 વર્ષીય મોહિતે ગયા સપ્તાહના અંતે 72 કલાક અને પાંચ મિનિટ બેટિંગ કરી, તેણે 2015માં 50 કલાક બેટીંગ કરવાના વિરાગ માનેના રેકોર્ડને તોડી નાખ્યો. વિરાગ માને પુણેનો રહેવાસી છે.
મોહિતેએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, ‘હું ખૂબ જ ખુશ છું કે મેં કરેલો પ્રયાસ સફળ રહ્યો. આ રીતે હું લોકોને બતાવવા માંગતો હતો કે હું અલગ છું. કોવિડ-19 પછીના લોકડાઉનને કારણે મારી કારકિર્દીના બે સારા વર્ષ ખોવાઈ ગયા જે એક મોટી ખોટ છે. તેથી મેં કંઈક અલગ કરવાનું વિચાર્યું અને અચાનક મારા મગજમાં આ વિચાર આવ્યો પછી મેં ઘણી એકેડેમી અને કોચનો સંપર્ક કર્યો.
મોહિતેને તેના કોચ જ્વાલા સિંહે તેના પ્રયાસમાં મદદ કરી હતી. જ્વાલા સિંહ યુવા ક્રિકેટર યશસ્વી જયસ્વાલની કોચ છે. મોહિતે તેમના વિશે કહ્યું, ‘બધા મારા માટે નકારી રહ્યા હતા. તે પછી મેં જ્વાલા સરનો સંપર્ક કર્યો અને તેમણે કહ્યું કે કેમ નહીં. તેણે મને સંપૂર્ણ ટેકો આપ્યો અને મને જે જોઈએ તે પૂરું પાડ્યું.
બોલરોનો એક સમૂહ મોહિતેને ટેકો આપવા માટે સમગ્ર સત્ર દરમિયાન તેની સાથે રહ્યું. નિયમો અનુસાર, બેટ્સમેન એક કલાકમાં પાંચ મિનિટનો આરામ લઈ શકે છે. મોહિતેનું રેકોર્ડિંગ અને સંબંધિત કાગળો હવે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મોકલવામાં આવ્યા છે.
જ્વાલા સિંહે મોહિતે વિશે કહ્યું, ‘તે કોવિડ-19 પહેલા 2019માં MCC પ્રો-40નો હિસ્સો હતો અને પછી કોરોના મહામારી આવી. તેની માતા તેની રમત માટે મારો સંપર્ક કરતી હતી. પરંતુ લોકડાઉનના કારણે બધુ બંધ હતું. પછી એક દિવસ તેણે મને ફોન કરીને આ કારનામા વિશે પૂછ્યું. સાચું કહું તો, મેં વધારે રસ નહોતો લીધો પરંતુ મને ખબર હતી કે ઘણા યુવા ખેલાડીઓએ કોરોનાને કારણે તેમના સારા વર્ષો ગુમાવ્યા. તેથી મેં વિચાર્યું કે જો કોઈને કંઈક અલગ કરવું હોય તો શા માટે નહીં. તેથી મેં સમર્થન આપવા સંમતી દર્શાવી.
Published On - 10:30 am, Wed, 2 March 22