ભારત અને પાકિસ્તાન (IND vs PAK) ટૂંક સમયમાં એશિયા કપમાં ટકરાવાના છે. બંને ટીમો 2 સપ્ટેમ્બરે કેન્ડીમાં ટકરાશે. આ મેચ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ને પાકિસ્તાની પેસરો પર એક સવાલ પૂછવામાં આવ્યો હતો, જેનો તેણે વિચિત્ર જવાબ આપ્યો હતો. વાસ્તવમાં રોહિત શર્મા વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ અમેરિકા ગયો છે. ત્યાં એક કાર્યક્રમમાં રોહિતને પૂછવામાં આવ્યું કે તેને કયો પાકિસ્તાની ફાસ્ટ બોલર સૌથી વધુ ગમે છે અને કોનો બોલ તેને રમવામાં મુશ્કેલી પડે છે. રોહિતે આ સવાલનો જવાબ આપવાની ના પાડી દીધી હતી.
રોહિત શર્માએ કહ્યું કે જો તે કોઈ એક બોલરનું નામ લેશે તો બિનજરૂરી વિવાદ થશે. રોહિત શર્માએ કહ્યું કે પાકિસ્તાની ટીમમાં બધા સારા છે. હું કોઈનું નામ નહીં લઉં. જો લઇશ તો મોટો વિવાદ થઈ છે. રોહિતે કહ્યું કે જો તે એકનું નામ લેશે તો બીજાને ગમશે નહીં. જો તમે બીજાનું નામ લેશે, તો ત્રીજાને ગમશે નહીં. તેથી બધા જ બોલરો સારા છે.
રોહિત શર્મા સર્વશ્રેષ્ઠ પાકિસ્તાની ફાસ્ટ બોલરો પરના પ્રશ્ન ટાળી રહ્યો હતો, પરંતુ ભારતીય કેપ્ટને ચોક્કસપણે સ્વીકાર્યું કે પાકિસ્તાન મજબૂત વિરોધી ટીમ છે. તેણે કહ્યું કે પાકિસ્તાનને હરાવવું હંમેશા એક પડકાર છે. તેમની સામે જીતવા માટે ઘણું 100 ટકાથી વધુ આપવું પડે છે.
એક સમય હતો જ્યારે પાકિસ્તાની ટીમ ICC ટ્રોફીમાં ભારતીય ટીમને એક પણ મેચમાં હરાવી શકી ન હતી, પરંતુ હવે એવું નથી. 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાને ભારતને હરાવીને ટ્રોફી જીતી હતી. આ પછી વર્ષ 2021 T20 વર્લ્ડ કપમાં પણ પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. જોકે, ત્યારપછીના T20 વર્લ્ડ કપ 2022માં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. આ મેચ પણ છેલ્લા બોલ સુધી ચાલી હતી. તે સ્પષ્ટ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં પાકિસ્તાનની ટીમ વધુ મજબૂત બની છે અને તેથી જ રોહિત શર્મા આ ટીમને હળવાશથી નથી લઈ રહ્યો.
હવે જોવાનું એ રહેશે કે કેન્ડી જંગમાં કોણ જીતશે? એશિયા કપમાં ભારત-પાકિસ્તાન 3 મેચમાં ટકરાશે. લીગ સ્ટેજ બાદ આ બંને સુપર 4માં ટકરાશે અને ત્યાર બાદ ફાઈનલમાં પણ ભારત-પાકિસ્તાનની મેચ જોવા મળી શકે છે. તો હવે બધા એશિયા કપના શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. આ ટૂર્નામેન્ટ 30 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે.