
ઋષભ પંત વિસ્ફોટક બેટિંગ માટે જાણીતા છે. તે ટેસ્ટ ક્રિકેટમાં પણ ODI ફોર્મેટની જેમ બેટિંગ કરે છે. હવે ઇંગ્લેન્ડ પ્રવાસ પર ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં, તેના બેટમાંથી ઘણા રન નીકળી રહ્યા છે. જ્યાં સુધી પંત ક્રીઝ પર હાજર હોય છે, ત્યાં સુધી તેના ચાહકોમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળે છે. તેણે ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલી ત્રીજી ટેસ્ટની પહેલી ઇનિંગમાં 74 રન બનાવ્યા હતા, જેમાં તેણે 8 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.
ઇનિંગમાં બે છગ્ગા ફટકારીને, ઋષભ પંત, ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન બની ગયો છે અને ઈંગ્લેન્ડ સામે છગ્ગા ફટકારવામા નંબર-1 પ્રાપ્ત કર્યો છે. તેણે ઇંગ્લેન્ડ સામે ટેસ્ટમાં અત્યાર સુધી 36 છગ્ગા ફટકાર્યા છે. તેણે દિગ્ગજ વિવિયન રિચાર્ડ્સનો રેકોર્ડ તોડ્યો છે. રિચાર્ડ્સે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચોમાં 34 છગ્ગા ફટકાર્યા હતા.
ઋષભ પંત હવે ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર વિદેશી વિકેટકીપર પણ બની ગયો છે. તેણે ન્યૂઝીલેન્ડના ટોમ બ્લંડેલનો ઓલ ટાઈમ રેકોર્ડ તોડી નાખ્યો છે. પંતે અત્યાર સુધી ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં કુલ 416 રન બનાવ્યા છે. બ્લંડેલે 2022ની ટેસ્ટ શ્રેણીમાં ઈંગ્લેન્ડની ધરતી પર વિકેટકીપર તરીકે 383 રન બનાવ્યા હતા.
ઈંગ્લેન્ડની ટીમે ભારત સામે પ્રથમ બેટિંગ કરતી વખતે 387 રન બનાવ્યા હતા. આ પછી, ભારતીય ટીમ માટે ઋષભ પંત, કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાએ શાનદાર બેટિંગ કરી. રાહુલે સદી ફટકારી અને 100 રન બનાવ્યા બાદ આઉટ થયો. પંતે 74 રનનું યોગદાન આપ્યું. રવિન્દ્ર જાડેજાની 72 રનની ઇનિંગ પણ આકર્ષક હતી. મધ્યમ ક્રમમાં, નીતિશ કુમાર રેડ્ડીએ પણ 44 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી. કરુણ નાયર 40 રન બનાવ્યા બાદ આઉટ થયો. ભારતીય ટીમે પ્રથમ ઈંનિગ્સમાં ઈંગ્લેન્ડ જેટલો જ 387 રનનો સ્કોર બનાવ્યો હતો. બીજી ઈનિગ્સમાં ઈંગ્લેન્ડે વિના વિકેટે 2 રન કર્યાં છે.