દિલ્હી કેપિટલ્સનું IPL 2023 ખૂબ જ ખરાબ રહ્યું હતું. આ ટીમ પ્લેઓફમાં પણ જગ્યા બનાવી શકી નહીં. આ પછી દિલ્હી કેપિટલ્સનું ટીમ મેનેજમેન્ટ ટીમમાં મોટો ફેરફાર કરી શકે છે. એક અહેવાલ મુજબ ફ્રેન્ચાઈઝી ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગને મુખ્ય કોચના પદ પરથી હટાવી શકે છે અને સૌરવ ગાંગુલીને આ જવાબદારી સોંપી શકે છે. આ બંને આ સિઝનમાં ટીમના કોચિંગ સ્ટાફમાં હતા. પોન્ટિંગ 2018થી ટીમ સાથે છે અને તેના કોચ તરીકે ટીમે વર્ષ 2020માં પ્રથમ વખત IPL ફાઈનલ રમી હતી. ગાંગુલી ગત સિઝન સુધી આ ટીમ સાથે ક્રિકેટ ડિરેક્ટર તરીકે હતો. હવે તે આ ટીમના કોચનું પદ સંભાળી શકે છે.
દિલ્હી ફ્રેન્ચાઇઝી તે ટીમોમાંની એક હતી જેને ખૂબ જ નબળી માનવામાં આવતી હતી, પરંતુ પોન્ટિંગના કોચ બન્યા પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ. આ ટીમે લાંબા સમય બાદ 2019માં પ્લેઓફમાં જગ્યા બનાવી છે. આ પછી 2021 સુધી આ ટીમ પ્લેઓફમાં ક્વોલિફાય થઈ, જોકે દિલ્હી ટાઈટલ પોતાના નામે કરી શક્યું નથી. પરંતુ છેલ્લી સિઝન દિલ્હી માટે ખૂબ જ ખરાબ રહી હતી. IPL 2023માં દિલ્હીએ 14 મેચ રમી હતી જેમાં તે માત્ર પાંચમાં જ જીત મળી હતી હતી જ્યારે નવ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને રહી હતી.
જોકે પોન્ટિંગની ગણતરી IPLના સફળ કોચમાં થાય છે. મુંબઈ ઈન્ડિયન્સે તેના કોચ પદ હેઠળ 2015માં IPL જીતી હતી. ત્યારબાદ તે દિલ્હી કેપિટલ્સનો કોચ બન્યો અને તેણે ટીમને બદલવામાં મહત્વની ભૂમિકા ભજવી. જો કે હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
આ પણ વાંચોઃ WTC Final: હવામાનનો બદલાયો મૂડ, ચોથા અને પાંચમા દિવસે વરસાદની આગાહી
જો ગાંગુલી દિલ્હીના કોચ બનશે તો તેને ટીમને સંભાળવામાં કોઈ મુશ્કેલી નહીં પડે. તેઓ 2019-20માં ટીમના ક્રિકેટ ડાયરેક્ટર રહી ચૂક્યા છે. આ દરમિયાન તેઓ BCCIના પ્રમુખ પણ હતા અને આ કારણોસર તેમણે ટીમ સાથેના સંબંધો તોડવા પડ્યા હતા. BCCI પ્રમુખ પદ છોડ્યા બાદ તેઓ ફરીથી દિલ્હીની ટીમ સાથે જોડાયા અને જૂના પદ પર પાછા ફર્યા. હવે તેને નવી પોસ્ટ મળી શકે છે.