રણજી ટ્રોફી અને ઈરાની કપની વિજેતા ટીમ મુંબઈને મોટો ફટકો પડ્યો છે. બરોડાની ટીમે મુંબઈને તેના હોમ ગ્રાઉન્ડ પર 84 રનથી હરાવ્યું હતું. મોટી વાત એ છે કે મુંબઈની ટીમમાં અજિંક્ય રહાણે, પૃથ્વી શો અને શ્રેયસ અય્યર જેવા સ્ટાર ખેલાડીઓ હતા, પરંતુ તેમ છતાં બરોડાએ મુંબઈને હરાવ્યું હતું.
મેચની વાત કરીએ તો બરોડાએ પ્રથમ દાવમાં 290 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈની ટીમ માત્ર 214 રન પર જ સિમિત રહી હતી, જે બાદ બરોડા બીજી ઈનિંગમાં 185 રન બનાવી શક્યું હતું અને ત્યારબાદ મુંબઈને જીતવા માટે 262 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જોકે, આ ટીમ માત્ર 177 રનમાં જ પડી ગઈ હતી.
જો મુંબઈના દિગ્ગજ ખેલાડીઓની વાત કરીએ તો તેઓ નિષ્ફળ સાબિત રહ્યા. પૃથ્વી શો પ્રથમ દાવમાં 7 રન અને બીજી ઈનિંગમાં માત્ર 12 રન જ બનાવી શક્યો હતો, જ્યારે શ્રેયસ અય્યર પહેલી ઈનિંગમાં ખાતું પણ ન ખોલાવી શક્યો અને બીજી ઈનિંગમાં માત્ર 30 રન જ બનાવી શક્યો હતો. એકંદરે, મુંબઈની ટીમને સરફરાઝ ખાન અને મુશીર ખાનની ખોટ પડી હતી. સરફરાઝ ટીમ ઈન્ડિયા સાથે છે અને મુશીર ખાન રોડ અકસ્માતને કારણે ઘાયલ છે.
ભાર્ગવ ભટ્ટ બરોડાની જીતનો હીરો હતો. આ લેફ્ટ આર્મ સ્પિનરે મુંબઈ પર તબાહી મચાવી દીધી હતી અને બીજી ઈનિંગમાં 6 વિકેટ લીધી હતી. આ ખેલાડીએ બીજા દાવમાં રહાણે, અય્યર, સિદ્ધેશ લાડની મહત્વની વિકેટ લીધી હતી. ભાર્ગવ ભટ્ટે પ્રથમ દાવમાં પણ 4 વિકેટ ઝડપી હતી. મેચમાં 10 વિકેટ લેનાર આ સ્પિનરને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.
એક તરફ મુંબઈની ટીમને પ્રથમ મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ અર્જુન તેંડુલકરની ટીમ ગોવાએ પ્રથમ મેચમાં મોટા અંતરથી જીત મેળવી હતી. ગોવાએ મણિપુરને 9 વિકેટે હરાવ્યું. અન્ય મેચોમાં હરિયાણાએ બિહારને એક ઈનિંગ અને 43 રને હરાવ્યું હતું. રેલ્વેએ ચંદીગઢને 181 રનથી હરાવ્યું અને નાગાલેન્ડે અરુણાચલ પ્રદેશને 137 રનથી હરાવીને પોતાનું ખાતું ખોલ્યું.
આ પણ વાંચો: ‘ગૌતમ ગંભીર જેવો આળસુ માણસ ક્યારેય જોયો નથી’…સાથી ખેલાડીએ ટીમ ઈન્ડિયાના હેડ કોચની પોલ ખોલી