ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન શુભમન ગિલની હાલમાં વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે. તે હાલમાં વ્હાઈટ બોલ ફોર્મેટમાં ધૂમ મચાવી રહ્યો છે. વનડે હોય કે ટી20 ફોર્મેટ તે હવે તોફાની અને સદી તેમજ બેવડી સદી નોંધાવી જ રાહતનો શ્વાસ લેવા લાગ્યો છે. પહેલા વનડેમાં અને બાદમાં હવે ટી20માં શતકીય ઈનીંગ વડે ધમાલ મચાવી દીધી છે. ગિલે ઓપનીંગમાં બેટિંગ કરતા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અણનમ સદી નોંધાવી હતી. બુધવારે રમાયેલી ટી20 મેચમાં ન્યુઝીલેન્ડ સામે ગિલે આ સદી નોંધાવી હતી અને તેની આ ઈનીંગને સૌ કોઈ વખાણી રહ્યુ છે. ગિલ પર હવે વિરાટ કોહલીની બાળપણના કોચ રાજકુમાર શર્મા પણ આફ્રિન છે.
ન્યુઝીલેન્ડ સામે ગિલે શાનદાર ઈનીંગ રમી હતી. તેની ઈનીંગના દમ પર ભારતે 234 રનનો સ્કોર ન્યુઝીલેન્ડ સામે ખડક્યો હતો. એકતરફી મેચમાં ભારતે વિક્રમી જીત નોંધાવી હતી. પ્લેયર ઓફ ધ મેચ શુભમન ગિલના રાજકુમાર શર્માએ ખૂબ વખાણ કર્યા છે. ગિલે ન્યુઝીલેન્ડ સામે બુધવારે અમદાવાદમાં 63 બોલમાં 126 રનની અણનમ ઈનીંગ રમી હતી. આ ઈનીંગ દરમિયાન 12 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. સિરીઝને 2-1 થી જીતવા સાથે ભારતે અમદાવાદમાં ન્યુઝીલેન્ડ સામે 168 રનથી જીત મેળવી હતી.
ગિલ વિશે ખૂબ જ બોલતા રાજકુમારે કહ્યું કે આ યુવા બેટ્સમેન જે રીતે બેટિંગ કરી રહ્યો છે, તેનાથી લાગે છે કે તે કોહલી અને રોહિત શર્માની લીગમાં સામેલ થવાની ક્ષમતા ધરાવે છે. એક મીડિયા રિપોર્ટ મુજબ વાત કરતા રાજકુમારે કહ્યું, “મને લાગે છે કે ગિલમાં વિરાટ અને રોહિતની લીગ સુધી પહોંચવાની ક્ષમતા છે. તે જોવાનું અદ્ભુત છે કે એક યુવા ખેલાડીએ બે મહાન ખેલાડીઓને પાછળ છોડી દીધા છે. તે દર્શાવે છે કે તેને મોટો સ્કોર કરવાની ભૂખ છે. વિરાટ અને રોહિતે ભારત માટે ઘણી મેચો જીતી છે અને એક ટીમ તરીકે તમે ઈચ્છો છો કે નવા ખેલાડીઓ આગળ આવે.
ગિલ અત્યારે શાનદાર ફોર્મમાં છે. તેણે છેલ્લા દોઢ મહિનામાં પાંચ સદી ફટકારી છે. તેણે 14 ડિસેમ્બરે બાંગ્લાદેશ સામે તેની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી. આ પછી ગિલ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ત્યારબાદ તેણે આ મહિને શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં સદી ફટકારી હતી. ત્યારબાદ ન્યુઝીલેન્ડ સામેની વનડે સીરીઝમાં તેણે પહેલા બેવડી સદી અને પછી સદી ફટકારી હતી. ટી20 સ્ટેજ બાકી હતો અને તેણે ન્યુઝીલેન્ડ સામે તેની ભરપાઈ કરી.