દર વખતની જેમ ફરી એકવાર પાકિસ્તાન ક્રિકેટ ખોટા કારણોસર ચર્ચામાં આવી ગયું છે. પહેલા T20 વર્લ્ડ કપ અને પછી બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝમાં શરમજનક હારથી પાકિસ્તાની ટીમને શરમમાં મુકી દીધી હતી, હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના એક નિર્ણયે બધાને ચોંકાવી દીધા છે. PCBએ માત્ર એક જ દિવસમાં પોતાની નવી ટૂર્નામેન્ટ બંધ કરી દીધી છે. પાકિસ્તાની બોર્ડ હાલમાં નવી ટૂર્નામેન્ટ ચેમ્પિયન્સ ODI કપ પર પોતાનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, પરંતુ તે પહેલા બોર્ડે અંડર-19 ખેલાડીઓ માટે ટૂર્નામેન્ટ શરૂ કરી હતી, જેને હવે એક દિવસમાં સ્થગિત કરી દેવામાં આવી છે.
PTIના અહેવાલમાં જણાવાયું છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બુધવારે 11 સપ્ટેમ્બરના રોજ એક ટૂંકી પ્રેસ રિલીઝ જારી કરીને જાહેરાત કરી હતી કે નેશનલ જુનિયર ચેમ્પિયનશિપ રદ્દ કરવામાં આવી રહી છે. 18 ટીમોની આ ટુર્નામેન્ટ એક દિવસ પહેલા એટલે કે મંગળવાર, 10 સપ્ટેમ્બરના રોજ શરૂ થઈ હતી. હવે બુધવારે PCBએ તેને રોકવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયની જાહેરાત કરતી વખતે, PCBએ માત્ર એટલું જ કહ્યું કે અનિવાર્ય સંજોગોને કારણે ટુર્નામેન્ટ સસ્પેન્ડ કરવામાં આવી છે.
આ ત્રણ દિવસીય ટૂર્નામેન્ટની મેચો વિવિધ સ્થળોએ રમવાની હતી અને પાકિસ્તાની બોર્ડે 18 ટીમોને તૈયાર કરવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરી દીધો હતો. ટુર્નામેન્ટમાં માત્ર પ્રથમ દિવસની રમત જ થઈ હતી, જ્યારે બોર્ડે તમામ ટીમો અને અધિકારીઓને ટુર્નામેન્ટ અધવચ્ચે જ રોકવા માટે જાણ કરી હતી. રિપોર્ટમાં પાકિસ્તાની બોર્ડના સૂત્રોએ કહ્યું કે PCB અધ્યક્ષ મોહસિન નકવીને ટીમ સિલેક્શન સંબંધિત ઘણી ફરિયાદો મળી હતી, જેમાં જૂના ખેલાડીઓની પસંદગી અને નકલી દસ્તાવેજો સામેલ હતા.
હવે આ ટુર્નામેન્ટ ફરી ક્યારે શરૂ થશે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. માત્ર આ ટૂર્નામેન્ટ જ નહીં પરંતુ PCBએ અંડર-19 મહિલા ટૂર્નામેન્ટ પણ સ્થગિત કરી દીધી છે, જે 16 સપ્ટેમ્બરથી શરૂ થવાની હતી. હવે પાકિસ્તાની બોર્ડનું સમગ્ર ધ્યાન 5 ટીમના ODI ચેમ્પિયન્સ કપ પર છે. જેમાં બાબર આઝમ, શાહીન આફ્રિદી, મોહમ્મદ રિઝવાન સહિત દેશના તમામ મોટા અને યુવા ક્રિકેટરો ભાગ લઈ રહ્યા છે. ગુરુવાર 12 સપ્ટેમ્બરથી શરૂ થશે. પાકિસ્તાની બોર્ડ પણ આ ટૂર્નામેન્ટને લઈને સતત ચર્ચામાં છે, જેમાં માત્ર દિગ્ગજ ખેલાડીઓ જ નહીં પરંતુ ઘણા પૂર્વ દિગ્ગજ કેપ્ટન પણ મેન્ટર તરીકે ભાગ લઈ રહ્યા છે, જેમને ભારે પગાર આપવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: રોહિત શર્મા IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સ માટે નહીં રમે, આકાશ ચોપરાએ જણાવ્યું કારણ