હસીન જહાંને મોહમ્મદ શમી પાસેથી જોઈએ છે વધુ પૈસા, સુપ્રીમ કોર્ટે કહ્યું – દર મહિને ₹4 લાખ પણ પૂરતા નથી?

મોહમ્મદ શમી અને હસીન જહાં 2018 થી અલગ રહે છે. તે સમયે હસીન જહાંએ શમી અને તેના પરિવાર વિરુદ્ધ ઘરેલુ હિંસા અને ઉત્પીડનનો આરોપ લગાવીને FIR નોંધાવી હતી. હવે તેણે ભરણપોષણ વધારવા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે.

હસીન જહાંને મોહમ્મદ શમી પાસેથી જોઈએ છે વધુ પૈસા, સુપ્રીમ કોર્ટે કહ્યું - દર મહિને ₹4 લાખ પણ પૂરતા નથી?
Mohammed Shami, Hasin Jahan
Image Credit source: Instagram
| Updated on: Nov 07, 2025 | 7:32 PM

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી આજકાલ સતત હેડલાઈન્સમાં છે, મેદાન પરના તેના પ્રદર્શનને કારણે નહીં, પરંતુ તેની બહારની બાબતોને કારણે. હાલ ટીમ ઈન્ડિયામાં તેની પસંદગી ના થવાને કારણે શમી સમાચારમાં રહ્યો છે. હવે, હસીન જહાં સાથેનો તેનો ચાલી રહેલ વિવાદ ફરી એકવાર સામે આવ્યો છે. શમીથી અલગ રહેતી પત્ની હસીન જહાંએ સુપ્રીમ કોર્ટમાં ભરણપોષણ વધારવા માટે અપીલ કરી છે. હસીન જહાંએ કોર્ટને વિનંતી કરી છે કે ભરણપોષણ દર મહિને ₹10 લાખ કરવામાં આવે.

મોહમ્મદ શમી અને હસીન જહાંનો કેસ

મોહમ્મદ શમી અને હસીન જહાં છેલ્લા સાત વર્ષથી અલગ રહે છે. 2018 માં હસીન જહાંએ શમી અને તેના પરિવાર વિરુદ્ધ ઘરેલુ હિંસા અને ઉત્પીડનનો આરોપ લગાવીને FIR દાખલ કરી હતી. ત્યારથી તેમનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. શરૂઆતમાં, એક ટ્રાયલ કોર્ટે શમીને હસીન જહાંને દર મહિને ₹1.3 લાખનું વચગાળાનું ભરણપોષણ ભથ્થું ચૂકવવાનો આદેશ આપ્યો હતો. જોકે, જુલાઈ 2025 માં, કોલકાતા હાઈકોર્ટે આ રકમ વધારીને ₹4 લાખ પ્રતિ મહિને કરી હતી, જેમાંથી ₹1.5 લાખ હસીન જહાં માટે અને ₹2.5 લાખ તેની પુત્રી માટે હતા.

હસીન જહાંએ 10 લાખ રૂપિયા માંગ્યા

હવે, હસીન જહાંએ કોલકાતા હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે અને માંગ કરી છે કે તેના અને તેની પુત્રીના વચગાળાના ભથ્થાને વધારીને ₹10 લાખ કરવામાં આવે. હસીન જહાં શરૂઆતથી જ ભથ્થા તરીકે ₹10 લાખની માંગ કરી રહી છે, જેમાં પોતાના માટે ₹7 લાખ અને તેમની પુત્રી માટે ₹3 લાખનો સમાવેશ થાય છે. જોકે, તેની માંગણીને ટ્રાયલ કોર્ટ અને પછી હાઈકોર્ટે ફગાવી દીધી હતી. હવે, સુપ્રીમ કોર્ટમાં અપીલ કરતા, હસીન જહાંએ દાવો કર્યો છે કે શમી A-લિસ્ટેડ નેશનલ ક્રિકેટર છે જેની કુલ સંપત્તિ આશરે ₹500 કરોડ છે.

લાઈફસ્ટાઈલમાં સુધારવા વધારે રૂપિયા માંગ્યા

અપીલમાં જણાવાયું છે કે ક્રિકેટર અને પીડિતાના સ્તરમાં મોટો તફાવત છે, અને શમી હસીન જહાં અને તેની પુત્રીની લાઈફસ્ટાઈલમાં સુધારો કરવા માટે પૂરતું ભરણપોષણ પૂરું પાડી રહ્યો નથી.હસીન જહાંએ પોતાની અપીલમાં અન્ય ક્રિકેટરોનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે અન્ય ક્રિકેટરોના પરિવારોની જેમ, તેણીને પણ સમાન લાઈફસ્ટાઈલ જીવવાનો અધિકાર છે, પરંતુ આરોપી ક્રિકેટર તરફથી યોગ્ય સમર્થનના અભાવે આવું થઈ રહ્યું નથી.

 સુપ્રીમ કોર્ટે કરી ટકોર

સુપ્રીમ કોર્ટે હજુ સુધી આ કેસમાં કોઈ આદેશ જારી કર્યો નથી, પરંતુ હસીન જહાં પર સવાલ ઉઠાવ્યા છે. જસ્ટિસ મનોજ મિશ્રા અને ઉજ્જલ ભૂયાનની બેન્ચે હસીન જહાંના વકીલોને સવાલ કરતા પૂછ્યું કે શું પીડિતા માટે દર મહિને ₹4 લાખ પણ પૂરતા નથી. જોકે, આ કેસમાં વધુ સુનાવણી પહેલા સુપ્રીમ કોર્ટે મોહમ્મદ શમી અને પશ્ચિમ બંગાળ સરકારને નોટિસ જારી કરી છે.

આ પણ વાંચો: કરોડોમાં છે ભારતીય મહિલા ક્રિકેટરોની કમાણી, આ 4 જગ્યાઓથી થાય છે ઘનવર્ષા

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો