ભારત (Team India) નું ઝડપી બોલિંગ આક્રમણ અત્યારે ખૂબ જ મજબૂત છે. આ એટેકમાં એવી શક્તિ છે કે તે વિશ્વની કોઈપણ પીચ પર તેનો કમાલ બતાવી શકે છે અને બેટ્સમેનોને પરેશાન કરી શકે છે. મોહમ્મદ શામી (Mohammed Shami) આ હુમલાનો મહત્વનો ભાગ છે. શામીએ પોતાની બોલિંગથી સાબિત કર્યું છે કે તે દરેક જગ્યાએ પોતાની શક્તિ બતાવી શકે છે અને સારું પ્રદર્શન કરી શકે છે. તે ત્રણેય ફોર્મેટમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે શામી રમતને અલવિદા કહેવાનો હતો.
તે પોતાના જીવનથી નારાજ હતો અને નિવૃત્તિ લેવાનું વિચારી રહ્યો હતો, પરંતુ ભારતના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) અને ભૂતપૂર્વ ફાસ્ટ બોલિંગ કોચ ભરત અરુણે (Bharat Arun) તેને આમ કરતા અટકાવ્યો હતો. તેઓએ પોતાના ગુસ્સાને રમતમાં સુધારા માટેનુ માધ્યમ બનાવવા માટે પ્રેરિત કર્યો હતો.
અરુણે આ વાતનો ખુલાસો એક મીડિયા રિપોર્ટસમાં કર્યો છે. ભરતે કહ્યું કે જ્યારે શાસ્ત્રી અને ભરતે તેની સાથે વાત કરી અને તેને રસ્તો બતાવ્યો ત્યારે શામી ગુસ્સે થયો હતો. ભરતે કહ્યું, શામી ખૂબ જ નિરાશ હતો. તે રમત છોડવાનો હતો. જ્યારે રવિ અને હું તેની સાથે બેઠા ત્યારે તેણે કહ્યું કે તે તેના જીવનથી ખૂબ ગુસ્સે છે અને કહ્યું કે ‘હું રમત છોડવા માંગુ છું’
વાત કરતા ભરતે આગળ કહ્યુ, અમે તેને કહ્યું કે તુ ગુસ્સે છો, તે સારી વાત છે. ગુસ્સે થવું તારા માટે સારી બાબત છે. તેણે આશ્ચર્યજનક નજરે અમારી તરફ જોયું. અમે કહ્યું તું ફાસ્ટ બોલર છે એટલે ગુસ્સો એ ખરાબ વાત નથી! તેમાંથી કડવાશ છોડ, જિંદગીએ તને ગુસ્સાવાળો વ્યક્તિ બનાવી દીધો છે, તો હવે તુ શું કરીશ? તુ રમત છોડવા માંગે છે. તે તારી પસંદગી છે. પરંતુ તુ તારી જાતને પણ કહી શકે છે કે હું ગુસ્સે છું, તો હું તેનો ઉપયોગ કેવી રીતે કરી શકું?
ભરતે કહ્યું કે તેણે શામીને તેના સ્વાસ્થ્ય, ફિટનેસ પર ધ્યાન આપવાની સલાહ આપી. તેણે કહ્યું, અમે તેને પોતાના શરીર અને ફિટનેસ પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું હતું. એક મહિના માટે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) માં જાઓ અને પોતાના શરીરને શેપમાં લાવ. ત્યાં ગુસ્સો કર. તે ત્યાં ગયો અને પછી તેના શરીર પર કામ કર્યું.
મને યાદ છે કે તેણે કહ્યું હતું કે ‘મેં શક્તિ મેળવી છે અને હું આખી દુનિયા સામે લડી શકું છું.’ તે એક મજબૂત માણસ છે અને તે ગુસ્સાના સમયોએ તેને વધુ સારી વ્યક્તિ બનવામાં ઘણી મદદ કરી. તે હવે ધ્યાન કેન્દ્રિત કરે છે અને દરેક વખતે તેના ટોપ રન અપ માટે તૈયાર છે. તે ખરેખર ફાસ્ટ બોલર છે.
2018માં શામી અને તેની પત્ની હસીન વચ્ચે વિવાદ થયો હોવાના અહેવાલો આવ્યા હતા. હસીન જહાંએ શામી અને તેના પરિવાર પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. હસીન જહાંએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે શામીના અન્ય મહિલાઓ સાથે પણ સંબંધો છે. હસીન જહાંએ શામી વિરૂદ્ધ કેસ પણ કર્યો હતો અને તેના ભાઈને પણ લપેટી લીધા હતા. હસીન જહાંએ શામી પર મેચ ફિક્સિંગનો આરોપ પણ લગાવ્યો હતો.
Published On - 9:05 am, Wed, 24 November 21