ભારતીય ઓપનર કેએલ રાહુલે (KL Rahul) સેન્ચુરિયન ટેસ્ટ (Centurion Test) ના પ્રથમ દિવસે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં એક નવો સીમાચિહ્ન હાંસલ કર્યો છે. કેએલ રાહુલે દક્ષિણ આફ્રિકા (South Africa) સામેની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં શાનદાર સદી ફટકારી હતી. કેએલ રાહુલે ઓપનર મયંક અગ્રવાલ (Mayank Agarwal) સાથે સદીની ભાગીદારી કરી અને તે પછી તેણે પોતાના અંગત સ્કોરને પણ સદી સુધી પહોંચાડી દીધો હતો.
ઓપનર કેએલ રાહુલે દક્ષિણ આફ્રિકાની ધરતી પર પ્રથમ વખત સદી ફટકારી છે. સેન્ચુરિયનની મુશ્કેલ પિચ પર કેએલ રાહુલે ખાતું ખોલવા માટે 21 બોલ રમ્યા હતા. પરંતુ આ પ્રતિભાશાળી બેટ્સમેન ધીરજના બળ પર તેની 7મી ટેસ્ટ સદી સુધી પહોંચવામાં સફળ રહ્યો હતો.
રાહુલ ભારતનો બીજો ઓપનર છે જેણે દક્ષિણ આફ્રિકાની ધરતી પર સદી ફટકારી છે. 14 વર્ષ પહેલા 2007માં વસીમ જાફરે દક્ષિણ આફ્રિકા સામે કેપટાઉન ટેસ્ટમાં સદી ફટકારી હતી. કેએલ રાહુલ કેપટાઉનમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ઓપનર બની ગયો છે.
ટીમ ઇન્ડિયાના ઓપનર કેએલ રાહુલે મયંક અગ્રવાલ સાથે મળીને 17.3 ઓવરમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 50 સુધી પહોંચાડ્યો હતો. લંચ સુધીમાં બંને બેટ્સમેનોએ ટીમનો સ્કોર 83 રન સુધી પહોંચાડ્યો હતો. બીજા સેશનમાં રાહુલે મયંક સાથે મળીને ભારતના સ્કોરને 100ની પાર પહોંચાડ્યો હતો. આ દરમિયાન મયંક અગ્રવાલે પોતાની અડધી સદી પૂરી કરી હતી પરંતુ તે 60ના વ્યક્તિગત સ્કોર પર પેવેલિયન પરત ફર્યો હતો. બીજા જ બોલ પર પૂજારા પણ શૂન્ય રને આઉટ થયો હતો. આ દરમિયાન રાહુલે મોરચો સંભાળ્યો અને 127 બોલમાં 9 ચોગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી.
કેએલ રાહુલે કેપ્ટન કોહલી સાથે મળીને ભારતીય સ્કોર 150 સુધી પહોંચાડ્યો હતો અને બંને બેટ્સમેનોએ 118 બોલમાં અડધી સદીની ભાગીદારી પૂરી કરી હતી. જોકે, 200 રન પહેલા ટીમ ઈન્ડિયાએ કેપ્ટન કોહલીની વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ રાહુલ ક્રિઝ પર રહ્યો અને તેણે 218 બોલમાં તેની 7મી ટેસ્ટ સદી પૂરી કરી.
તેના શતકની વાત કરવામાં આવે તો કેએલ રાહુલે વિદેશી ધરતી પર 7 માંથી 6 સદી ફટકારી છે. કેએલ રાહુલે ઈંગ્લેન્ડમાં 2, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકામાં 1-1 સદી ફટકારી છે. છેલ્લા 2 વર્ષમાં કેએલ રાહુલે ભારત માટે 4 સદી ફટકારી છે. રોહિત શર્મા 3 સદી સાથે બીજા નંબર પર છે. તે સ્પષ્ટ છે કે કેએલ રાહુલે તેની રમતને એક અલગ સ્તર પર લઈ લીધી છે અને ટીમ ઈન્ડિયાને તેનો ઘણો ફાયદો થઈ રહ્યો છે.