ન્યૂઝીલેન્ડ (New Zealand) સામે 17 સપ્ટેમ્બરથી શરૂ થનારી T20 શ્રેણી ટીમ ઈન્ડિયા (Team India) માટે ઘણી મહત્વની છે. મહત્વપૂર્ણ કારણ કે આ શ્રેણી સાથે ટીમ ઈન્ડિયાનો એક નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે. વિરાટ કોહલી (Virat Kohli) ની જગ્યાએ હવે રોહિત શર્મા (Rohit Sharma) ટીમની બાગડોર સંભાળશે, જ્યારે રવિ શાસ્ત્રીના સ્થાને રાહુલ દ્રવિડ (Rahul Dravid) મુખ્ય કોચની ભૂમિકા નિભાવશે. ભારતીય ચાહકોને આ બંને વ્યક્તિત્વ પાસેથી ઘણી આશાઓ છે અને કેટલીક એવી જ અપેક્ષાઓ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના મનમાં પણ છે.
T20 ટીમના નવા વાઇસ કેપ્ટન કેએલ રાહુલે (KL Rahul) રોહિત શર્માના કેપ્ટન બનવા પર મોટી વાત કરી. જોકે તેના શબ્દોએ ક્યાંકને ક્યાંક વિરાટ કોહલીની કેપ્ટનશિપ પર સવાલો ઉભા કર્યા છે.
રોહિત શર્માની પ્રશંસા કરતા કેએલ રાહુલે કહ્યું કે, તે એક મહાન કેપ્ટન છે અને તેની રમતની સમજ અદભૂત છે. તેમજ કેએલ રાહુલે જે સૌથી મહત્વની વાત કહી તે એ છે કે તે ડ્રેસિંગ રૂમમાં સ્થિરતાની છે. કેએલ રાહુલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, ‘અમે રોહિતને IPLમાં જોયો છે અને તેના આંકડા બધું જ કહી દે છે. તેની પાસે રમતની સારી સમજ છે અને તે કુશળ વ્યૂહરચનાકાર છે. આ જ કારણ છે કે તે કેપ્ટન તરીકે આટલું બધું હાંસલ કરી શક્યો છે.
કેએલ રાહુલે આગળ કહ્યું, ‘રોહિત ડ્રેસિંગ રૂમમાં સ્થિરતા લાવશે. આગામી કેટલાક અઠવાડિયામાં તે જાણવું રસપ્રદ રહેશે કે, ટીમ માટે તેના લક્ષ્યો શું છે. ટીમ રમતમાં નિર્ણયો સામૂહિક રીતે લેવામાં આવે છે અને નેતૃત્વ જૂથનું કામ એ સુનિશ્ચિત કરવાનું છ, કે દરેક વ્યક્તિ તેમની ભૂમિકાથી વાકેફ છે અને ટીમમાં સુરક્ષિત અનુભવે છે.
ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપમાંથી જલદી બહાર થઈ ગઈ અને રાહુલે કહ્યું કે હવે નવી રણનીતિ બનાવવાની જરૂર છે. તેણે કહ્યું, ‘આપણે બધાએ સાથે બેસીને નક્કી કરવું પડશે કે વધુ સારા પ્રદર્શન માટે શું કરી શકાય. તેના પર આગામી દિવસોમાં ચર્ચા થશે.
કેએલ રાહુલે રોહિત શર્મા માટે જે વાતો કહી છે તે વિરાટ કોહલીની કેપ્ટનશિપ પર ક્યાંકને ક્યાંક સવાલો ઉભા કરે છે. સવાલ એ છે કે શું વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ખેલાડીઓ અસુરક્ષિત અનુભવતા હતા? ડ્રેસિંગ રૂમમાં બધું પરફેક્ટ ન હતું?
કેએલ રાહુલે નવા મુખ્ય કોચ રાહુલ દ્રવિડની પણ પ્રશંસા કરી હતી. તેણે કહ્યું, ‘હું ઘણો ભાગ્યશાળી છું કે હું રાહુલ દ્રવિડને લાંબા સમયથી ઓળખું છું. મારી કારકિર્દીની શરૂઆતથી જ મેં તેમની સલાહને અનુસરી છે અને રમતને વધુ સારી રીતે સમજી છે અને બેટિંગની કળામાં મારી જાતને આગળ વધારવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કર્ણાટકમાં અમને બધાને ઘણી મદદ કરી છે.
તેણે કહ્યું, કોચ તરીકે તે તમામ યુવા ખેલાડીઓની સાથે રહ્યો છે. મુખ્ય કોચ તરીકે તેમનું આવવું એ તેમની પાસેથી ઘણું શીખવાની તક છે. આપણે બધા જાણીએ છીએ કે તેઓ કેટલું મોટું નામ છે અને તેમણે દેશ માટે શું કર્યું છે. મેં ઇન્ડિયા A માટે કેટલીક મેચ રમી છે અને અહીં પ્રેક્ટિસ માટે આવતા પહેલા દ્રવિડ સાથે વાતચીત કરી હતી. તે સારી ટીમ કલ્ચરના હિમાયતી રહ્યા છે અને એવું વાતાવરણ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, કે આપણે ક્રિકેટર તરીકે અને માણસ તરીકે વધુ સારા બની શકીએ.
Published On - 9:02 am, Tue, 16 November 21