
ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન જો રૂટના નાના ભાઈ બિલી રૂટે 34 વર્ષની વયે પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. 14 વર્ષની કારકિર્દી પછી બિલીએ કહ્યું કે, હવે જિંદગીના આગામી પ્રકરણ તરફ આગળ વધવાનો સમય આવી ગયો છે. તે ગ્લેમોર્ગનના એ ત્રણ બેટ્સમેનોમાં જોડાયેલ છે, જેની પ્રોફેશનલ ક્રિકેટ કારકિર્દી આ અઠવાડિયે પૂર્ણ થઈ જશે. તેની સાથે ક્રિસ કૂકે અને કોલિન ઇંગ્રામ પણ નિવૃત્તિ લઈ રહ્યા છે.
બિલી રૂટની છેલ્લી સીઝન બહુ વ્યસ્ત રહી નહોતી. તેણે આ વર્ષે માત્ર બે કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચ રમી હતી અને ગ્લેમોર્ગનની સેકન્ડ XI ટીમની કેપ્ટનશીપ પણ કરી હતી. ક્લબે 2026 સીઝન પછી તેમની પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની પુષ્ટિ કરી છે. આ સાથે સોફિયા ગાર્ડન્સમાં તેની આઠ વર્ષની સફર પણ પૂરી થઈ જશે.
પોતાની નિવૃત્તિની જાહેરાત કરતા બિલી રૂટે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, બે શાનદાર ક્લબોનું પ્રતિનિધિત્વ કરવું અને ચાર ટ્રોફી જીતનારી ટીમોનો હિસ્સો બનવું તેમના માટે ખૂબ જ મોટું સન્માન રહ્યું છે. તે પોતાને ખૂબ નસીબદાર માને છે કે, તેને ક્રિકેટ જેવી રમતમાં કારકિર્દી બનાવવાની તક મળી, જેને તે બાળપણથી પ્રેમ કરતા આવ્યો છે. તેણે આગળ કહ્યું કે, છેલ્લા 14 વર્ષમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા પરંતુ તે કંઈપણ બદલવા માંગશે નહીં.
A Glamorgan favourite calls time on an incredible career ❤️
After seven years at Sophia Gardens, nearly 5,000 runs, two One-Day Cup titles and countless clutch innings, Billy Root will retire at the end of the 2026 season
Diolch yn fawr, Billy
https://t.co/G4MxVWqj8L https://t.co/y3uOZdUUSy
— Glamorgan Cricket (@GlamCricket) September 23, 2026
બિલીએ લીડ્સ બેકેટ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યા પછી નોટિંગહામશાયર સાથે પ્રોફેશનલ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. તે વર્ષ 2017માં નોટિંગહામશાયરની એ ટીમનો ભાગ હતો, જેણે વ્હાઇટ-બોલ ક્રિકેટમાં ડબલ ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ વર્ષ 2019માં તે ગ્લેમોર્ગન તરફ વળ્યો. ક્લબ સાથે તેણે બે વનડે કપ ખિતાબ જીત્યા અને ગયા વર્ષે ટીમની કાઉન્ટી ચેમ્પિયનશિપના ડિવિઝન વનમાં પ્રમોશનનો પણ હિસ્સો રહ્યા.
બિલી અને જો રૂટે બાળપણમાં શેફીલ્ડ કોલેજિયેટ ક્રિકેટ ક્લબમાં સાથે ક્રિકેટ રમ્યું હતું. બંને ભાઈઓને વર્ષ 2013માં લોર્ડ્સમાં એક ટેસ્ટ દરમિયાન પણ મેદાન શેર કરવાની તક મળી હતી. એ સમયે બિલી MCC યંગ ક્રિકેટર્સ માટે રમી રહ્યો હતો અને તેણે ઇંગ્લેન્ડના 12મા ખેલાડી તરીકે મેદાન પર ફિલ્ડિંગ કરી હતી.
વર્ષ 2017માં એક ઇન્ટરવ્યુ દરમિયાન બિલીએ સ્વીકાર્યું હતું કે, તેને ક્યારેક-ક્યારેક માત્ર જો રૂટના ભાઈ તરીકે ઓળખાવાથી પરેશાની થતી હતી પરંતુ તેણે એ પણ કહ્યું હતું કે, આનાથી મળેલા સકારાત્મક અનુભવો વધુ મહત્વપૂર્ણ રહ્યા.
બિલી રૂટ એવા ઘણા કાઉન્ટી ક્રિકેટરોમાંનો એક છે, જેના કોન્ટ્રાક્ટ આ અઠવાડિયે પૂરા થવાની સાથે તેમની રમત કારકિર્દી પણ પૂરી થઈ જશે. ડરહમના સ્કોટ્સ બોર્થવિક, ગ્લોસ્ટરશાયરના લ્યુક ચાર્લ્સવર્થ, ડર્બીશાયરના અનુજ દલ અને નોર્થમ્પટનશાયરના રોબ કેઓ પણ તાજેતરમાં પોતાની રમત કારકિર્દી પૂરી કરવાની જાહેરાત કરી ચૂક્યા છે.