ODI ક્રિકેટમાં રૂટનો જાદૂ ! ગાંગુલી-રોહિતને પાછળ છોડીને હાંસલ કરી મહત્વની સિદ્ધિ, હવે રેકોર્ડ બૂકમાં લખાશે ‘નામ’

ટેસ્ટ ક્રિકેટમાં જો રૂટનો આજની તારીખમાં કોઈ મુકાબલો જ નથી. તે જ્યારે પણ મેદાન પર ઉતરે છે, ત્યારે કંઈક ને કંઈક નવું પરાક્રમ કરી દે છે. જો કે, હવે તો વન-ડેમાં પણ જો રૂટ ધમાલ મચાવી રહ્યો છે.

ODI ક્રિકેટમાં રૂટનો જાદૂ ! ગાંગુલી-રોહિતને પાછળ છોડીને હાંસલ કરી મહત્વની સિદ્ધિ, હવે રેકોર્ડ બૂકમાં લખાશે નામ
Image Credit source: Getty Images
| Updated on: Jan 27, 2026 | 8:03 PM

ટી20 વિશ્વ કપથી બરાબર પહેલા ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ શ્રીલંકાના પ્રવાસે છે, જ્યાં રૂટ પણ રમી રહ્યો છે. આ દરમિયાન જો રૂટે વન-ડે ક્રિકેટમાં એક નવું શિખર સર કર્યું છે. તેણે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી અને રોહિત શર્માને પાછળ છોડી દીધા છે.

રૂટે 7500 રન પૂરા કર્યા

ઇંગ્લેન્ડના મહાન બેટ્સમેનોમાં સ્થાન મેળવી ચુકેલ જો રૂટ અત્યારે શ્રીલંકા સામે વન-ડે ક્રિકેટ રમી રહ્યો છે. ત્રણ મેચની સિરીઝની ત્રીજી મેચમાં જો રૂટે એક મુશ્કેલ પિચ પર શાનદાર બેટિંગ કરીને સદી ફટકારી દીધી છે. જો કે, 54 બોલમાં 50 રન બનાવતાની સાથે જ જો રૂટે વન-ડે ક્રિકેટમાં પોતાના 7500 રન પણ પૂરા કરી લીધા છે.

જો રૂટ વન-ડેમાં સૌથી ઝડપી 7500 રન બનાવનાર ચોથા નંબરનો બેટ્સમેન બની ગયો છે. વન-ડેમાં સૌથી ઝડપી સાડા સાત હજાર રન દક્ષિણ આફ્રિકાના હાશિમ અમલાએ બનાવ્યા છે, તેણે માત્ર 160 ઇનિંગ્સ રમીને જ આટલા રન બનાવી દીધા હતા.

ત્યારબાદ વિરાટ કોહલીનું નામ આવે છે, જેણે વન-ડેમાં 167 ઇનિંગ્સ રમીને સાડા સાત હજાર રન પૂરા કર્યા હતા. દક્ષિણ આફ્રિકાના એબી ડિવિલિયર્સે 174 વન-ડે ઇનિંગ્સ રમીને 7500 રન બનાવ્યા હતા. હવે રૂટની વાત કરવામાં આવે તો, તેણે 178 વન-ડે ઇનિંગ્સ રમીને આટલા રન બનાવી લીધા છે.

સૌરવ ગાંગુલી અને રોહિત શર્માને પાછળ છોડ્યા

આ બાબતમાં હવે જો રૂટ ભારતના સૌરવ ગાંગુલી અને રોહિત શર્માથી આગળ નીકળી ગયો છે. સૌરવ ગાંગુલીએ જ્યારે વનડેમાં સાડા સાત હજાર રન બનાવ્યા હતા, ત્યારે તેણે 185 ઇનિંગ્સ રમી હતી.

બીજીબાજુ રોહિત શર્માએ જ્યારે વન-ડેમાં સાડા સાત હજાર રન પૂરા કર્યા હતા, ત્યારે 188 ઇનિંગ્સ રમી હતી. જો રૂટ વચ્ચે આવવાથી રોહિત અને ગાંગુલી હવે આ લિસ્ટમાં નીચે જતા રહ્યા છે.

ધીમી પિચ પર સદી ફટકારી

શ્રીલંકાની જે પિચ પર આ મુકાબલો રમાઈ રહ્યો છે, તે ખૂબ જ ધીમી છે અને ત્યાં રન બનાવવા અત્યંત મુશ્કેલ છે. તેમ છતાંય, જો રૂટ પોતાની આગવી શૈલીમાં ધીમે-ધીમે રન બનાવતો રહ્યો અને પોતાની ટીમને એક મજબૂત સ્થિતિમાં પહોંચાડવામાં સફળ રહ્યો. હવે જોવાનું એ રહેશે કે, જો રૂટ ઇંગ્લેન્ડ માટે વન-ડેમાં ક્યાં સુધી રમે છે.

આ પણ વાંચો: ભારતે ‘વર્લ્ડ રેકોર્ડ’ તોડ્યો ! આજ સુધી ન જોયેલું કારનામું કરી બતાવ્યું, વેસ્ટ ઈન્ડિઝને પાછળ છોડીને રચ્યો ‘ઇતિહાસ’