
IPL banned in Bangladesh: બાંગ્લાદેશે, ભારતમાં રમાનાર IPL 2026ના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો છે. બાંગ્લાદેશ સરકારે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાં IPLના ટેલિકાસ્ટ અને બ્રોડકાસ્ટ પર પ્રતિબંધ મૂકવા જઈ રહી છે. મુસ્તફિઝુર રહેમાનને IPLમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ, બાંગ્લાદેશમાં IPL પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશના રમતગમત મંત્રાલયે માહિતી અને પ્રસારણ મંત્રાલયને IPL પર પ્રતિબંધ મૂકવાની અપીલ કરી હતી, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
મુસ્તફિઝુર રહેમાનને IPLમાંથી હાંકી કાઢવામાં આવ્યા પછી, બાંગ્લાદેશ રમતગમત મંત્રાલય સાથે સંકળાયેલા ડૉ. આસિફ નજરુલે એક પોસ્ટ કરી હતી. જેમાં તેમણે માહિતી અને પ્રસારણ મંત્રીને દેશમાં IPL મેચોનું પ્રસારણ બંધ કરવાની અપીલ કરી હતી. પોતાની પોસ્ટમાં, આસિફ નઝરુલે મુસ્તફિઝુર રહેમાન સાથે કરવામાં આવેલા વર્તન પર નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે બાંગ્લાદેશ ક્રિકેટ અથવા તેના કોઈપણ ખેલાડીનું અપમાન કોઈપણ કિંમતે સહન કરવામાં આવશે નહીં.
બાંગ્લાદેશે અગાઉ 2026 T20 વર્લ્ડ કપ માટે ભારતમાં રમવા જવાનો ઇનકાર કર્યો હતો. તેણે BCCI ને ઇમેઇલ કરીને મુસ્તફિઝુર રહેમાનને બાકાત રાખવા અંગે જાણકારી માંગી છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે પણ ICC ને ઇમેઇલ કરીને સ્થળ બદલવાની વિનંતી કરી છે. બાંગ્લાદેશ હવે સુરક્ષા ચિંતાઓને ટાંકીને તેની T20 વર્લ્ડ કપ મેચ ભારતને બદલે શ્રીલંકામાં રમવા માંગે છે.
દરમિયાન, બાંગ્લાદેશમાં IPL મેચોના પ્રસારણ પર પ્રતિબંધ મૂકવાની માંગણીઓ જોર પકડી રહી છે, જે હવે પુષ્ટિ મળી છે. આ સાથે, બાંગ્લાદેશ એવા દેશોની યાદીમાં જોડાઈ ગયું છે જ્યાં BCCI ની T20 લીગ બતાવવામાં આવતી નથી.