IPL 2025 : પ્લેઓફમાં પહોંચવા માટે કઈ ટીમને કેટલી જીતની જરૂર ? જાણો સંપૂર્ણ વિગત

ટીમો IPL 2025 ના પ્લેઓફમાં પહોંચવા માટે દરેક ટિમ ભારે મહેનત કરી રહી છે. પોઈન્ટ ટેબલમાં 27મી એપ્રિલના રોજ બીજી મેચ રમાયા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર રેસમાં સૌથી મોખરે છે અને પ્લેઓફમાં પહોંચવામાંથી માત્ર એક ડગલું જ દૂર છે. આઈપીએલની વર્તમાન 18મી સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સની હાલત સૌથી ખરાબ છે.

IPL 2025 : પ્લેઓફમાં પહોંચવા માટે કઈ ટીમને કેટલી જીતની જરૂર ? જાણો સંપૂર્ણ વિગત
| Edited By: | Updated on: Apr 28, 2025 | 8:10 PM

2025ની ઈન્ડિયન પ્રીમિયર લીગ અડધી પૂર્ણ થઈ ગઈ છે. હવે તમામ ટીમો પ્લેઓફમાં પહોંચવા માટે ભરપૂર પ્રયાસ કરી રહી છે. દરેક ટીમ માટે આગળ વધવુ મુશ્કેલ બની રહ્યું છે. જો કે પ્લેઓફમાં પહોંચવા માટે દરેક ટીમ માટે બાકીની દરેક મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આઈપીએલની વર્તમાન સિઝનમાં સૌથી ખરાબ સ્થિતિ પાંચ વાર ચેમ્પિયન બનેલ ચેન્નાઈ સુપર કિંગ્સ અને એક વખત ચેમ્પિયન બનેલ રાજસ્થાન રોયલ્સની છે. આ બન્ને ટીમને કોઈ ચમત્કાર જ પ્લેઓફમાં લઈ જઈ શકે છે. બંને ટીમોએ 9 મેચમાં માત્ર બે જ જીત નોંધાવી શકી છે.

જો કે હવે આ બન્ને ટીમ પ્લેઓફમાં પહોંચવા માટે મોખરામાં રહેલ ટીમને હરાવીને તેમના માટે મુશ્કેલી સર્જે તો જ શક્ય છે. આઈપીએલની 18મી સિઝનમાં પ્લેઓફમાં પહોંચવા માટે કઈ ટીમની શું સ્થિતિ છે? ચાલો તમને જણાવીએ.

RCB પ્લેઓફમાં પહોંચવાથી માત્ર એક પગલું દૂર

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આ સિઝનમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. રજત પાટીદારના નેતૃત્વમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 10માંથી 7 મેચ જીતી છે. તે 14 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચ્યું છે. બેંગલુરુ પાસે હજુ ચાર મેચ બાકી છે, જેમાંથી જો તે એક પણ મેચ જીતે તો તે પ્લેઓફમાં નક્કી પહોંચી જશે. ગુજરાત ટાઈટન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. જીટીની ટીમે 8 મેચમાં 6 જીત સાથે 12 પોઈન્ટ મેળવ્યા છે. હવે, તેમને પ્લેઓફમાં પહોંચવા માટે માત્ર બે મેચ જીતવી પડશે.

મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 10માંથી 6 મેચ જીતી છે. તેના પણ 12 પોઈન્ટ છે. પ્લેઓફમાં પહોંચવા માટે હાર્દિક પંડ્યાની ટીમને બાકીની 4માંથી 2 મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. દિલ્હી કેપિટલ્સે 9માંથી 6 મેચ જીતી છે. તેના પણ 12 પોઈન્ટ છે. તેમને પ્લેઓફમાં પહોંચવા માટે 2 મેચ જીતવી જરૂરી છે. ડીસી પાસે હજુ 5 મેચ બાકી છે. ગુજરાત, મુંબઈ અને દિલ્હીની ટીમના 12 પોઈન્ટ છે પરંતુ નેટરન રેટમાં ગુજરાતની ટીમ આગળ હોવાથી તે બીજા નંબરે છે.

અન્ય ટીમો માટે મુશ્કેલી

ટોચની ચાર ટીમો સિવાય અન્ય ટીમો માટે પ્લેઓફમાં પહોંચવાનો રસ્તો ઘણો મુશ્કેલ બની ચૂક્યો છે. હવે તેમની દરેક મેચ કરો યા મરો જેવી છે. પંજાબ કિંગ્સને પ્લેઓફમાં પહોંચવા માટે 5માંથી 3 મેચ જીતવી જરૂરી છે. લખનૌ સુપરજાયન્ટ્સને 4માંથી 3 મેચ જીતવી જરૂરી છે. આ સિવાય કોલકાતા નાઈટ રાઈડર્સને તેની તમામ મેચ જીતવી જરૂરી છે. KKRને તેની પાંચમાંથી તમામે તમામ પાંચ મેચ જીતવી જરૂરી છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ માટે કરો યા મરો જેવી સ્થિતિ

સનરાઇઝર્સ હૈદરાબાદની સ્થિતિ આ સમયે કરો યા મરો જેવી છે. SRH ને હજુ 5 વધુ મેચ રમવાની છે. આમાં એક પણ હાર તેને આ સિઝનમાંથી બહાર ફેંકી શકે છે. આનો અર્થ એ છે કે SRHને તેની તમામ પાંચ મેચ જીતવાની જરૂર છે.

રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઓફમાં પહોંચવાની શક્યતાઓ લગભગ નહિવત છે. બંને ટીમોની 5-5 મેચ બાકી છે. જો બંને ટીમ પાંચેય મેચ જીતી જાય તો પણ તેઓ 16 પોઈન્ટ મેળવી શકશે નહીં. આવી સ્થિતિમાં કોઈ ચમત્કાર જ તેમને પ્લેઓફમાં લઈ જઈ શકે છે.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. આઈપીએલના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો