
આઈપીએલ 2025માં લખનૌ સુપર જાયન્ટસના યુવા સ્પિનર દિગ્વેશ રાઠીએ પોતાની શાનદાર બોલિંગની સાથે -સાથે પોતાના નોટબુક સેલિબ્રેશન માટે પણ ચર્ચમાં રહે છે. આ સેલિબ્રેશન ક્રિકેટ ચાહકો માટે ખુબ ચર્ચામાં છે.દિગ્વેશ રાઠીને આ સેલિબ્રેશનને લઈ કેટલીક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો છે. બીસીસીઆઈએ તેમના પર દંડ ફટકાર્યો છે એટલું જ નહીં, તેમને પ્રતિબંધનો પણ સામનો કરવો પડ્યો છે. પરંતુ દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે તે આ રીતે કેમ ઉજવણી કરે છે.
દિગ્વેશ રાઠીએ પોતે પોતાની ઉજવણી વિશે એક મોટો ખુલાસો કર્યો છે.દિગ્વેશે નોટબુક સેલિબ્રેશનનું રહસ્ય ખોલ્યું છે. તેમણે આ સીઝનમાં અનેક બેટ્સમેનને પવેલિયન ભેગા કર્યા છે. દરેક વિકેટ બાદ તેનું નોટબુક સેલિબ્રેશને પણ ચાહકોનું ધ્યાન ખેચ્યું છે. લખનૌ સુપર જાયન્ટસે પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં દિગ્વેશ રાઠીએ આની પાછળનું કારણ જણાવ્યું છે.
આ વીડિયોમાં જ્યારે દિગ્વેશ રાઠીને પોતાના નોટબુક સેલિબ્રેશન વિશે પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું જ્યારે કોઈ પણ ટૂર્નામેન્ટ હોય છે, ત્યારે તે પોતાની સાથે એક નોટબુક રાખે છે. જેમાં બેટ્સમેનના નામ લખે છે.’ દિગ્વેશ રાઠી માને છે કે આ ઉજવણી તેમના માટે પ્રેરણાનો સ્ત્રોત છે. તે જે બેટ્સમેનોને આઉટ કરે છે તેમના નામ એક નોટબુકમાં લખે છે.
જોકે, આ અનોખી સ્ટાઈલ દિગ્વેશ માટે પણ મુશ્કેલીનું કારણ બની છે. IPL 2025 દરમિયાન, BCCIએ તેમના સેલિબ્રેશનને ઉશ્કેરણીજનક ગણાવી અને તેમને ઘણી વખત દંડ ફટકાર્યો અને ડિમેરિટ પોઇન્ટ આપ્યા. પંજાબ કિંગ્સ સામેની મેચમાં પ્રિયાંશ આર્યને આઉટ કર્યા બાદ તેને પહેલા દંડ ફટકારવામાં આવ્યો હતો, અને પછી તેણે મુંબઈ ઇન્ડિયન્સના નમન ધીરને આઉટ કર્યા પછી તે જ સેલિબ્રેશનનું પુનરાવર્તન કર્યું, જેના કારણે તેની સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવી. સનરાઇઝર્સ હૈદરાબાદના અભિષેક શર્મા સામેની મેચમાં, આ સેલિબ્રેશન વિવાદનું કારણ બની હતી, જેના પછી દિગ્વેશ પર એક મેચ માટે પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો હતો.