IPL 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને લીગ રાઉન્ડમાં સનરાઈઝર્સ સામે છઠ્ઠી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ટીમે તેમની અડધી લીગ મેચ રમી છે અને અત્યાર સુધી માત્ર એક જ મેચ જીતવામાં સફળ રહી છે. ટીમના આટલા ખરાબ પ્રદર્શન બાદ તેના માટે પ્લે-ઓફમાં પહોંચવું ઘણું મુશ્કેલ લાગી રહ્યું છે. જો બેંગલુરુની ટીમ તેની બાકીની તમામ 7 મેચ જીતી જાય તો પણ તેણે પ્લે-ઓફ માટે ક્વોલિફાય થવા માટે અન્ય ટીમો પર નિર્ભર રહેવું પડશે.
RCBના આ દિલધડક છતાં ખરાબ પ્રદર્શન બાદ પણ ટીમ પર સવાલો ઉઠવા લાગ્યા છે. ટીમમાં ઘણા અનુભવી ખેલાડીઓ હોવા છતાં બેંગલુરુ આટલું ખરાબ કેવી રીતે રમી રહ્યું છે? આ મામલે પૂર્વ ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે એક કારણ આપ્યું છે જે જાણીને આશ્ચર્ય થશે.
ક્રિકબઝ પર વિશ્લેષણ કરતી વખતે, વીરેન્દ્ર સેહવાગે RCBમાં એક મોટી સમસ્યા વિશે જણાવ્યું છે, જે હારનું મુખ્ય કારણ બની રહી છે. સેહવાગના કહેવા પ્રમાણે, ટીમમાં કોચથી લઈને અન્ય તમામ સ્ટાફ વિદેશી છે, જે એક મોટી ખામી છે. તેમનું માનવું છે કે ટીમ મેનેજમેન્ટમાં 1-2 ભારતીય સ્ટાફ પણ હોવો જોઈએ, કારણ કે RCBમાં 10 ખેલાડીઓ વિદેશી છે અને લગભગ 15 ખેલાડીઓ ભારતીય છે, જેમાંથી મોટાભાગના ડોમેસ્ટિક ક્રિકેટના છે, જેમને અંગ્રેજી બોલવા અને સમજવામાં સમસ્યા છે.
વીરેન્દ્ર સેહવાગે કહ્યું કે ભારતીય સ્ટાફની ગેરહાજરીને કારણે સ્થાનિક ખેલાડીઓને વાતચીતમાં મુશ્કેલી પડે છે. તેઓ પોતાની સમસ્યાઓ ટીમ સામે રજૂ કરી શકતા નથી. ટીમના ખરાબ પ્રદર્શન બાદ તેમને પ્રોત્સાહિત કરવા માટે કોઈ નથી. તેમના મતે આ ખેલાડીઓ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસની સામે મૂંગા બની જાય છે કારણ કે તેઓ અંગ્રેજી નથી જાણતા અને જવાબ આપી શકતા નથી.
વીરેન્દ્ર સેહવાગે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પ્રદર્શન પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તેણે હૈદરાબાદ સામે ટોસ જીત્યા બાદ ફિલ્ડિંગ કરવાના નિર્ણય પર પણ સવાલ ઉઠાવ્યા હતા. સેહવાગે કહ્યું કે જો RCB પોતે પહેલા બેટિંગ કરીને આટલા રન બનાવ્યા હોત તો તે મેચ જીતી શક્યું હોત. આ ટીમ 2016-17 થી અત્યાર સુધી ક્યારેય 180 રનથી વધુના સ્કોરનો પીછો કરી શકી નથી, તેમ છતાં તેમણે પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું.
સેહવાગની સાથે બેંગલુરુ અને હૈદરાબાદ વચ્ચેની મેચનું વિશ્લેષણ કરી રહેલા પૂર્વ ક્રિકેટર મનોજ તિવારીએ પણ RCBની હરાજી અને મેનેજમેન્ટમાં સમસ્યાઓ દર્શાવી હતી. તેમણે કહ્યું કે સમસ્યા હરાજીના ટેબલથી જ શરૂ થાય છે. મેનેજમેન્ટ સારા ખેલાડીઓની પસંદગી કરી રહ્યું નથી. આ સિવાય યુઝવેન્દ્ર ચહલ જેવા ઘણા સારા ખેલાડીઓને ટીમમાંથી છોડવા પણ ટીમના ખરાબ પ્રદર્શનનું કારણ છે.
આ પણ વાંચો : IPL 2024 : શું KKR 25 કરોડ રૂપિયાના ખેલાડી કરતાં 20 લાખના ખેલાડી પર વધુ વિશ્વાસ કરે છે?