રાજસ્થાન રોયલ્સે એક ધમાકેદાર મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને માત્ર 2 વિકેટથી હરાવ્યું. જોસ બટલરની યાદગાર સદીના આધારે રાજસ્થાને 224 રનના રેકોર્ડ લક્ષ્યાંકને છેલ્લા બોલે હાંસલ કરીને આ જીત નોંધાવી હતી. ઈડન ગાર્ડન્સ ખાતે પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ સુનીલ નારાયણની પ્રથમ IPL સદીના આધારે 223 રન બનાવ્યા હતા. ત્યારપછી જોસ બટલર સતત પડી રહેલી વિકેટો વચ્ચે મક્કમ રહ્યો અને પછી છેલ્લી 2 ઓવરમાં એકલા હાથે 28 રન બનાવ્યા અને IPL ઈતિહાસમાં સૌથી સફળ રન ચેઝ કર્યા. આટલું જ નહીં, પહેલીવાર કોઈ ટીમે ઈડન ગાર્ડન્સમાં IPLમાં 200થી વધુનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.
કોલકાતાએ આ મેચમાં પ્રથમ બેટિંગ કરી અને સુનીલ નારાયણની વિસ્ફોટક સદીના આધારે 223 રનનો મોટો સ્કોર બનાવ્યો. જોકે આ વખતે તેની શરૂઆત ખરાબ રહી હતી અને ફિલ સોલ્ટ વહેલો આઉટ થઈ ગયો હતો પરંતુ નારાયણ અને યુવા બેટ્સમેન અંગક્રિશ રઘુવંશીએ એટેક કરીને ટીમને વેગ આપ્યો હતો. બંને વચ્ચે 85 રનની ઝડપી ભાગીદારી થઈ હતી. કેપ્ટન શ્રેયસ અય્યર પણ આ વખતે કંઈ ખાસ કરી શક્યો નહોતો. નારાયણણે પોતાનું આક્રમણ ચાલુ રાખ્યું અને ટીમને મોટા સ્કોર તરફ લઈ ગઈ.
કેરેબિયન ઓલરાઉન્ડરે 16મી ઓવરમાં સતત 4 બાઉન્ડ્રી ફટકારીને માત્ર 49 બોલમાં તેની પ્રથમ IPL સદી ફટકારી હતી. તે IPLમાં સદી ફટકારનાર કોલકાતાનો માત્ર ત્રીજો બેટ્સમેન બન્યો છે. છેલ્લી ઓવરોમાં કોલકાતા તરફથી રિંકુ સિંહે 9 બોલમાં 20 રન ફટકારીને ટીમને 223 રન સુધી પહોંચાડી હતી. રાજસ્થાન તરફથી અવેશ ખાને માત્ર 35 રનમાં 2 વિકેટ ઝડપી હતી.
આ મેચમાં જોસ બટલરની વાપસી રાજસ્થાન માટે મહત્વપૂર્ણ સાબિત થઈ હતી, જે ઈજાના કારણે છેલ્લી મેચમાં રમી શક્યો ન હતો. આ મેચમાં પણ તે સંપૂર્ણ રીતે ફિટ નહોતો અને તેના ડાબા પગમાં દુખાવો થઈ રહ્યો હતો. છતાં તે પહેલી ઓવરથી છેલ્લી ઓવર સુધી મક્કમ રહ્યો. જોકે, તેના બાકીના સાથી ખેલાડીઓ તેને લાંબા સમય સુધી સાથ આપી શક્યા ન હતા. તેની શરૂઆત યશસ્વી જયસ્વાલથી થઈ હતી, જે ઝડપી શરૂઆત બાદ ફરીથી જલ્દી આઉટ થયો હતો. કેપ્ટન સંજુ સેમસન પણ ટકી શક્યો નહોતો. આ પછી રિયાન પરાગે માત્ર 14 બોલમાં 34 રન ફટકારીને રાજસ્થાનના સ્કોરને વેગ આપ્યો હતો.
ફરી એકવાર રાજસ્થાનનો દાવ ખોરવાઈ ગયો અને ટીમે 6 ઓવરમાં 4 વિકેટ ગુમાવી દીધી. શિમરન હેટમાયર પણ પ્રથમ બોલ પર આઉટ થયો હતો. જોકે બટલર અડગ રહ્યો હતો. તેની ફિટનેસ અને KKRના સ્પિનરો સામે સંઘર્ષ હોવા છતાં, તેણે સ્કોરને આગળ ધપાવવાનું ચાલુ રાખ્યું. ત્યારબાદ રોવમેન પોવેલે માત્ર 13 બોલમાં 26 રન બનાવીને ટીમને ગતિ અપાવી અને અહીંથી બટલરે કમાન સંભાળી. પોવેલના આઉટ થયા બાદ રાજસ્થાનને છેલ્લા 19 બોલમાં 46 રનની જરૂર હતી અને બટલરની સાથે માત્ર બોલરો જ બચ્યા હતા, પરંતુ ઈંગ્લિશ બેટ્સમેને એકલા હાથે આ રન બનાવ્યા અને માત્ર 55 બોલમાં પોતાની સદી પૂરી કરીને ટીમને જીત તરફ દોરી ગઈ.
આ પણ વાંચો : IPL 2024 KKR vs RR: ચોથી ઓવરના ત્રીજા બોલે અવેશ ખાને કર્યો એવો કમાલ, પોતે પણ ન કરી શક્યો વિશ્વાસ
Published On - 12:23 am, Wed, 17 April 24